આવ રે વરસાદ..ગુજરાતમાં ચોમાસાની રાહ, 65 ડેમ સૂકાભઠ્ઠ, 25 ટકાથી ઓછું પાણી બચ્યુ છે
એક તરફ, ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ, રાજ્યના ડેમોમાં પાણીની સપાટી દિનપ્રતિદીન ઘટી રહી છે.અત્યારે રાજ્યના ડેમોમાં માત્રને માત્ર ૨૯ ટકા પાણી બચ્યુ છે. ૬૫ ડેમો તો સૂકાભઠ્ઠ બન્યાં છે જયારે ૧૫૩ ડેમોમાં હવે ૨૫ ટકાથીય ઓછુ પાણી રહ્યુ છે. જો આ સ્થિતી રહી અને ચોમાસુ લંબાયુ તો પરિસ્થિતી વધુ વિકટ બની શકે છે. હાલમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાણીની પરિસ્થિતી વિકટ બની રહી છે કેમ કે, કચ્છના ૨૦ ડેમોમાં માત્ર ૧૫.૭૧ ટકા રહ્યુ છે
જયારે સૌરાષ્ટ્રના ૧૩૮ ડેમોમાં ૧૭.૧૦ જ પાણી બચ્યુ છે. આ સંજોગોમાં પાણીની ભારે તંગી સર્જાય તેવા એંધાણ છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લાના ડેમોમાં ૫.૫૫ ટકા,ભાવનગરમાં ૧૨.૫૪ ટકા,જામનગરમાં ૧૧.૬૬ ટકા,છોટા ઉદેપુરમાં ૪.૭૯ ટકા,જૂનાગઢમાં ૨.૭૮ ટકા,બોટાદમાં ૪.૭૩ ટકા,પોરબંદરમાં ૯.૭૨ ટકા પાણીનો જથ્થો રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ૧૫ ડેમોમાં ૨૭.૭૪ ટકા જયારે દક્ષિણ ગુજરાતમાં ૨૬.૭૬ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો રહ્યો છે. મધ્ય ગુજરાતમાં હજુય પાણીની સ્થિતી સંતોષકારક રહી છે તેનુ કારણ છેકે, અંહીના ૧૭ ડેમોમાં હજુય ૪૮.૨૫ ટકા પાણી છે. નર્મદા ડેમમાં ય હવે તો ૩૧.૭૩ ટકા પાણી બચ્યુ છે. રાજ્યમાં ૩૭ ડેમોમાં ૨૫થી ૫૦ ટકા પાણી રહ્યુ છે. માત્ર બે ડેમોમાં જ ૭૦ ટકાથી વધુ પાણી છે. ૧૧ ડેમોમા ૫૦થી ૭૦ ટકા સુધી પાણીનો જથ્થો રહ્યો છે. આમ, હવે સૌ કોઈની નજર આકાશ તરફ મંડાઇ છે. ચોમાસુ વહેલી તકે આવે તો ડેમોમાં પાણીના મંડાણ શરુ થાય.નહીતર અત્યારે મોટાભાગના ડેમો તો ક્રિકેટના મેદાનમાં ફેરવાઇ ગયાં છે.