ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (07:00 IST)

ગુજરાતમાં ફરી પલટાઈ શકે છે હવામાન, અરબી સમુદ્રમાં સિસ્ટમ સર્જાતાં રાજ્યમાં વરસાદની આગાહી

After The Unseasonal Rains,
Unseasonal rains in Gujarat - ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ થાય તેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે અને તેના કારણે ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થાય તેવી સંભાવના છે.
 
દક્ષિણ અરબી સમુદ્રમાં બનેલી આ સિસ્ટમ હજી વધુ મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આવનારા 24 કલાકમાં તે વેલમાર્ક્ડ લૉ પ્રેશર એરિયામાં ફેરવાય તેવી શક્યતા છે.
 
હાલ દેશભરમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં હજી પણ ભારે ઠંડી અનુભવાતી નથી. જોકે, ઠંડી ફરીથી વધે તે પહેલાં રાજ્યમાં ફરીથી હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
હાલ ગુજરાતમાં રવી પાકની સિઝન ચાલી રહી છે અને જો કમોસમી વરસાદ થાય તો ઘણા પાકોમાં તેનાથી નુકસાન થવાની સંભવાના દેખાઈ રહી છે.
 
ગુજરાતમાં ક્યારે વરસાદ પડવાની શક્યતા
 
હાલ આ લૉ પ્રેશર એરિયા અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યો છે અને તે વધારે મજબૂત બનશે. સામાન્ય રીતે હાલના દિવસોમાં અરબી સમુદ્રમાં સર્જાતી સિસ્ટમો ઓમાન અને યમન તરફ જતી હોય છે.
 
જોકે, ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર 20થી 30 ટકા એવી પણ શક્યતા હોય છે કે કોઈ સિસ્ટમ ભારતના દરિયાકાંઠા તરફ આવે.
 
હવામાનનાં કેટલાંક મૉડલ્સ દર્શાવી રહ્યાં છે કે હાલ ઓમાન તરફ આગળ વધી રહેલી આ સિસ્ટમ વળાંક લેશે અને તે ભારતના દરિયાકિનારા તરફ આવશે.
 
આ સિસ્ટમની અસરને કારણે કર્ણાટક અને દક્ષિણ મહારાષ્ટ્રના વિસ્તારોમાં 3 જાન્યુઆરીના રોજ વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે ગુજરાતમાં 6 કે 7 જાન્યુઆરીની આસપાસ હવામાન પલટાય તેવી શક્યતા છે.
 
હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે દક્ષિણ તથા પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 7 જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદ થઈ શકે છે.
 
જોકે, હજી સિસ્ટમ ભારતના દરિયાકિનારે પહોંચ્યા બાદ અને આગળ વધ્યા બાદ જ ખબર પડશે કે ગુજરાતમાં ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે.
 
આ સિસ્ટમ વાવાઝોડું બની શકે?
 
અરબી સમુદ્રની આ સિસ્ટમ આવનારા 24 કલાકમાં વધારે મજબૂત બનીને વેલમાર્ક્ડ લૉ-પ્રેશર એરિયા બનશે અને તે બાદ પણ તે દરિયામાં આગળ વધશે.
 
સામાન્ય રીતે કોઈ સિસ્ટમ દરિયામાં આગળ વધે તો તેને તાકત મળતી હોય છે અને તે વધારે મજબૂત બનતી હોય છે. જો તે ખૂબ મજબૂત બની જાય તો તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જતી હોય છે.
 
જોકે, ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું કહેવું છે કે આ સિસ્ટમ ભારતના દરિયાકાંઠા તરફ આવી શકે છે, પરંતુ તે વાવાઝોડું બને તેવી અનુકૂળ સ્થિતિ નથી. એટલે કે આ સિસ્ટમ વાવાઝોડું બને તેવી શક્યતા નથી.
 
હવામાન વિભાગે પણ આ સિસ્ટમ વાવાઝોડું બને તેવી કોઈ આગાહી હજી સુધી કરી નથી. દરિયાનું તાપમાન તથા બીજી હવામાનની બીજી સ્થિતિઓ પણ અનુકૂળ નથી. જેથી ભારતના કિનારાઓને હાલ વાવાઝોડાની કોઈ ભીતિ નથી.
 
સામાન્ય રીતે ભારતના દરિયામાં ચોમાસા બાદ ઑક્ટોબરથી ડિસેમ્બર સુધી વાવાઝોડાં સર્જાતાં હોય છે.
 
ગુજરાતમાં શિયાળામાં વરસાદ કેમ પડે છે?
 
ગુજરાતમાં સામાન્ય રીતે શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડે છે અને તેના કારણે ગુજરાત સહિત ઉત્તર તથા પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ થાય છે.
 
ભૂમધ્ય સમુદ્ર કે કાસ્પિયન સમુદ્રમાંથી ઊઠતાં તોફાનોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે અને ત્યાંથી તે ભારત સુધી આવે છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં શિયાળામાં વરસાદ લાવે છે.
 
આ એક પ્રકારના લૉ પ્રેશર છે અને તે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ આવતા હોવાને કારણે તેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે પશ્ચિમી વિક્ષોભ કહેવામાં આવે છે. ભૂમધ્ય સાગર ભારતની પશ્ચિમમાં આવેલો છે અને તે તરફથી આ સિસ્ટમો ભારત પર આવે છે.
 
જ્યારે આ સિસ્ટમ ભારત પર પહોંચે છે ત્યારે તેની સાથે તે ભેજ લાવે છે અને તેના કારણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં બરફવર્ષા અને વરસાદ પડે છે. જ્યારે આ સિસ્ટમ મજબૂત હોય ત્યારે તેની અસર ગુજરાત સુધી થાય છે અને ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તેના કારણે ભારે વરસાદ પણ થઈ શકે છે.
 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ખાસ અસર ઉત્તર ભારતમાં થતી હોવાને કારણે તે રવી પાક માટે ખૂબ મહત્ત્વના બની રહે છે. તેના કારણે શિયાળામાં અને ચોમાસા પહેલાં વરસાદ પડે છે.
 
ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બરફ પડે છે, જેને કારણે ઠંડા થતા પવનો ગુજરાત તરફ આવે છે અને તે ગુજરાતમાં ઠંડી લાવે છે.