શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 મે 2020 (10:40 IST)

Welcome to Sajjanpur: એક જ દ્વારથી મળે છે પ્રવેશ, લોકડાઉનનું પાલન ન કરાનારને થશે આકરો દંડ

‘ગામના મુખ્ય પ્રવેશદ્વાર સિવાયના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે. - ગામના અને બહારગામથી આવતા કોઈ પણ વ્યક્તિએ ગામના મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશ મેળવવાનો રહેશે, અન્યથા કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. - ગામમાં કોઈના સગાંસંબંધીને પ્રવેશ આપવામાં આવશે નહીં, જેથી કોઈ પણ વ્યક્તિએ તેમનાં સગાંસંબંધીઓને બોલાવવા નહીં.’
 
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સજ્જનપુર ગામમાં જઈએ, તો ગામના મુખ્ય પ્રવેશદ્વાર પર જ કંઈક આવી સૂચનાઓ વાંચવા મળી જાય. આ તમામ સૂચનાઓ લખાવી છે, ગ્રામપંચાયતે. વર્તમાન કોરોના મહામારીના સંક્રમણને રોકવા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે, ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુર અને જૂના ઘનશ્યામગઢ જેવાં ગામોએ લોકડાઉનના પાલન માટે પોતાના નિયમો બનાવીને સ્વયંભૂ ગામ બંધ રાખીને અન્યોને ઉદાહરણ પૂરું પાડયું છે. સજ્જનપુર ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉનના નિયમો બનાવવામાં આવ્યા છે એટલું જ નહીં, આ નિયમોના અમલ માટે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે. ગ્રામજનો પણ ગ્રામ પંચાયતે બનાવેલા આ નિયમોનું ચુસ્ત પાલન કરી સહકાર આપી રહ્યા છે.
 
સજ્જનપુર ગ્રામ પંચાયતના તલાટી આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘પ્રથમ 21 દિવસના લોકડાઉન વખતે અમારા તાલુકા વિકાસ અધિકારીએ આપેલી સૂચનાઓ અમલી બનાવવા માટે ગામના સરપંચ અને આગેવાનો દ્વારા ભેગા મળીને ગામને સંપૂર્ણ લોકડાઉન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે એક કમિટીની રચના કરવામાં આવી. આ સમિતિએ નક્કી કરેલા નિયમો મુજબ ગામની તમામ 13 શેરીઓને બંધ કરી ગામમાં બહારથી આવવા-જવા માટે એકમાત્ર મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું. 
 
એટલું જ નહીં, બહારથી આવનાર તમામનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવે છે. ગામમાં ચુસ્તપણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવીને જ શાકભાજીનું વિતરણ કરવામાં આવે છે. શરૂઆતમાં લોકડાઉનના ભંગ બદલ બે વ્યક્તિને રૂપિયા બે હજાર લેખે 4000/- રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોઈ ગ્રામજનોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી.
 
સજ્જનપુર ગામના આગેવાન સુરેશભાઈ પટેલે આ અંગે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, કોવિડ-19 બાબતે સરકારના જે આદેશ છે, તે બાબતે અમારી પંચાયત ખૂબ જ જાગૃત છે. લોકડાઉનના પાલન માટે અમારા ગામના તમામ લોકો નિયમો પાળીને પંચાયતોના આદેશોનું પાલન કરે છે. ગામમાં જ્યારે બહારથી અનાજ કે ઘઉં ભરવા ગાડીઓ આવે, ત્યારે તેમાં મજૂરો પણ  ગામના જ હોય, તેવો પણ અમે આગ્રહ રાખીએ છીએ.’
ધ્રાંગધ્રાના જ જૂના ઘનશ્યામગઢ ગામના લોકો સજ્જનપુરની જેમ જ લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. આ અંગે ગામનાં તલાટી અસ્મિતાબેન પટેલે જણાવ્યું હતું કે, ‘ગ્રામ પંચાયતના આદેશ મુજબ કોઈ પણ ગ્રામજન બહાર જતા નથી તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે. સમગ્ર ગામને ત્રણથી ચારવાર સંપૂર્ણ સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. ગામમાં બહારથી શાકભાજી પણ લાવવામાં આવતું નથી અને બને ત્યાં સુધી ગામલોકો તેમનાં ખેતરમાં ઉગાડેલાં શાકભાજી જ ઉપયોગમાં લે છે. આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા ડોર ટુ ડોર તપાસ કરી બહારથી કોઈ આવ્યું નથી, તેની સતત તકેદારી રાખવામાં આવી રહી છે. જેમાં ગ્રામજનો પણ સંપૂર્ણ સાથસહકાર આપે છે.’
 
જૂના ઘનશ્યામગઢના આગેવાન વિપુલભાઈ પટેલે કહ્યું હતું કે, ‘જ્યારથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારથી ગામમાંથી કોઈ બહાર ગયું નથી કે બહારથી કોઈ આવ્યું નથી. પંચાયત દ્વારા કરવામાં આવેલ આદેશ અન્વયે ગ્રામજનો દ્વારા ફરજિયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે છે. તેના કારણે અમારા ગામમાં હજી સુધી કોઈ જ તકલીફ ઊભી નથી થઈ. દેશભરમાં પણ જો આ જ રીતે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે, તો કોરોના સામેની લડાઈ આપણે ચોક્કસ જીતી શકીશું.’કોરોના સામેના જંગમાં સજ્જનપુર અને જૂના ઘનશ્યામગઢના ગ્રામજનો સ્વયંભૂ લોકડાઉનનું સંપૂર્ણ અને ચુસ્તપણે પાલન કરીને અન્યોને દિશાદર્શન કરાવી રહ્યા છે.