મંગળવાર, 5 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 ઑગસ્ટ 2023 (13:25 IST)

10 મહિનાની બાળકી બીમાર પડતાં વડગામના મંદિરે ભૂવાએ ગરમ સોયના ડામ આપ્યા

Child victim of superstition
Child victim of superstition
Child victim of superstition - હાલના આધુનિક યુગમાં પણ ગુજરાતમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ સમયાંતરે વધી રહ્યા છે. ત્યારે વધુ એક બાળકી અંધશ્રદ્ધાની ભોગ બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મૂળ વિરમગામમાં રહેતા પરિવારમાં 10 મહિનાની બાળકી બીમાર થતાં તેને વડગામ ખાતેના મંદિરે લઈ જવામાં આવી હતી, જ્યાં માસૂમને ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ બાળકીની તબિયત વધુ લથડતાં તેને સારવાર માટે હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે વિરમગામમાં શાકભાજીનો વેપાર કરતા માસૂમના દાદાએ જણાવ્યું હતું કે તેમના પુત્રની 10 મહિનાની દીકરીને શ્વાસની તકલીફ થતાં વિરમગામ નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે રૂ.50થી 60 હજારનો ખર્ચો થવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત રૂ.20 હજાર ડિપોઝિટ આપવાનું તેમજ કોઈપણ ગેરન્ટી નહીં હોવાનું જણાવ્યું હતું, જેને લઈ અમે ઘરે પરત આવ્યા હતા.ઘર નજીક સંબંધીઓએ વડગામમાં ડામ દેવાની સલાહ આપતાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યે ત્યાં બાળકીને લઈ ગયા હતા, જ્યાં મંદિરનાં ભૂવા તેના પેટના ભાગે ત્રણ જેટલા ડામ આપ્યા હતા. જોકે બાળકીની તબિયતમાં સુધારો નહીં થતાં તેમજ વધુ તબિયત બગડતાં તેને સારવાર માટે મોડીરાત્રે ત્રણેક વાગ્યે રાજકોટ ખસેડવામાં આવી હતી.

અહીં ડોક્ટરે પોલીસને જાણ કરવાનું કહેતાં એ કરી હતી. બાદમાં ડોક્ટરોએ સારવાર શરૂ કરતાં હાલ બાળકીની તબિયત સુધારા પર છે. આ સાથે જ પોતે ડામ દીધો એ ભૂલ હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું.ઉલ્લેખનીય છે કે માસૂમ માત્ર 10 મહિનાની હોવાથી હાલ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં કોઈને અંદર જવાની મનાઈ કરવામાં આવી છે. હાલ ડોક્ટરો દ્વારા માસૂમની સઘન સારવાર કરાઈ રહી છે. જોકે અંધશ્રદ્ધાના ડામે એક પરિવારે બાળકીનો જીવ જોખમમાં મુક્યો હોવાનો કિસ્સો સામે આવતાં તેમજ ગરમ સોયના ડામ આપ્યા હોવાનું સામે આવતાં આ વાત હાલ સૌરાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બની છે.