Morbi News - ફળ સુધારતાં યુવાન ફોનમાં મેચ જોતો હતો, મોબાઈલ નીચે પડતાં જ છરી પેટમાં ઘૂસી ગઈ
મોરબીમાં 32 વર્ષના યુવાન પલંગ પર બેસી સફરજન કાપી રહ્યો હતો અને સાથે ફોન જોઇ રહ્યો હતો, એવામાં ફોન હાથમાંથી નીચે પડતાં તે લેવા વાંકો વળ્યો કે હાથમાં રહેલી છરી તેમના જ પેટમાં ઘૂસી ગઇ હતી અને ઘા જીવલેણ બન્યો હતો. તાબડતોબ તેને હોસ્પિટલ ખસેડાયો હતો અને ત્રણ દિવસની સારવાર બાદ તેનું મોત થતાં પરિવાર સ્તબ્ધ બની ગયો હતો. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને વધુ તપાસ આરંભી છે.
બનાવની વધુમાં મળતી વિગતો અનુસાર મોરબીના વિદ્યુતનગરમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના દેરવાળા ગામના વતની અમરદિપસિંહ પ્રવિણસિંહ રાણા ઉ.વ.32ને તા. 2 ના રોજ તેમના ઘરમાં છરી વાગી જતાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે તપાસનીશ અધિકારી વી કે ચાવડાએ જણાવ્યું હતું કે એ દિવસે અમરદિપસિંહ જાતે સફરજન કાપી રહ્યા હતા અને સાથે હાથમાં ફોન હતો. એવામાં ફોન પડતાં યુવાન તે લેવા જાતે વાંકા વળ્યા અને પોતાના જ હાથમાં રહેલી છરી તેમના પેટમાં લાગી ગઇ હતી અને આ ઇજા જીવલેણ નીવડી હતી અને બે દિવસ પૂર્વે તેમનું મોત નીપજ્યું હતું.
ઘડીભર વિચારતા કરી દે તેવી આ ઘટનાની સત્યતા ચકાસવા આસપાસના લોકોની પૃચ્છા કરતા સ્થાનિકોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે અમરદીપસિંહ છેલ્લા બે ત્રણ વર્ષથી પત્ની અને પુત્ર સાથે અહીં રહેતા હતા અને ખાનગી કંપનીમાં કામ કરતા હતા. છેલ્લા કેટલાક મહિનાથી તેમનો દિયર પણ સાથે રહેતો હતો. દંપતિ વચ્ચે ક્યારેય કોઈ અણબનાવ કે ઝઘડો થયો હોય તેવું સામે આવ્યું નથી, તેમજ મોટા ભાગે ઘરમાં જ રહેતા હતા.જો કે તે રાત્રે શું બન્યું તે અંગે કોઈને જાણ થઈ ન હતી. બનાવ બાદથી પરિવાર તેમના વતન જતો રહ્યો છે.
બનાવની રાતે હું ઘરકામ કરતી હતી મારા દિયર કામ પરથી હજુ પાછા ફર્યા જ હતા અને બહાર હાથ મોઢું ધોતા હતા. મારા પતિ પલંગ પર મોબાઈલમાં ક્રિકેટ મેચ જોતા હતા અને સાથે સાથે ચપ્પુથી સફરજન સુધરતાં હતા. તે વખતે અચાનક કોઈ કારણસર તેમના હાથમાંથી મોબાઈલ પડી જતા બેઠાં બેઠાં જ મોબાઈલ લેવા ગયા, તેમનું વજન અંદાજે 100 કિલો આસપાસ હોવાથી તેમનું બેલેન્સ ગયું અને તેઓ પડ્યા એટલું જ નહીં, હાથમાં રહેલી છરી તેમને વાગી. અચાનક તેમની ચીસ સંભળાઈ જેથી હું દોડીને તેમની પાસે પહોંચી ત્યારે તેઓ લોહીથી લથબથ હાલતમાં પડ્યા હતા. જેથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવા પડ્યા, પણ બચી ન શક્યા.