1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 ઑક્ટોબર 2021 (14:18 IST)

રાજ્યમાં કોને મળશે ગુજરાત કોંગ્રેસની કમાન, પ્રદેશ પ્રમુખ માટે ત્રણ નેતાઓએ દાવેદારી નોંધાવી

આજે દિલ્હીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગમાં ગુજરાતના નવા પ્રભારી હાઈકમાન્ડ સાથે નેતાઓની પસંદગી અંગે ચર્ચાઓ કરશે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માટે ત્રણ નેતાઓએ દાવેદારી નોંધાવી છે
ત્રણ દિવસની મુલાકાતે આવેલા પ્રભારીએ કોંગ્રેસના નેતાઓની સેન્સ લીધી હતી
 
આજે દિલ્હી ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગ યોજાશે. આ મીટિંગમાં ગુજરાતમાં માંદી કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે નવા નેતાઓની પસંદગીને લઈને વિચારણા થઈ શકે છે.  કોંગ્રેસના નવા નીમાયેલા પ્રદેશ પ્રભારી ડો. રઘુ શર્મા આજની મીટિંગમાં હાઈકમાન્ડ સાથે નવા નેતાઓની પસંદગી અંગે ચર્ચાઓ કરે તેવી શક્યતાઓ છે. નવા પ્રભારી જ્યારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે તેમણે કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી અને નવા નેતાઓ અંગે સેન્સ પણ મેળવી હતી. તેમણે કયા નેતાની પસંદગીથી શું ફાયદો થાય તેની પણ ચર્ચાઓ કરી હતી. હવે તેઓ વર્કિંગ કમિટીની મીટિંગમાં નવા નેતાઓના નામ અંગે વિચારણા કરે તેવી વકી છે. 
 
ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે ત્રણ નેતાઓએ દાવેદારી નોંધાવી છે.જેમાં કનુ કલસરિયા, નરેશ રાવલ અને મનહર પટેલે પ્રદેશ પ્રમુખ બનવા માટે પ્રભારી અને કોંગ્રેસ હાઈ કમાન્ડ સામે દાવેદારી કરી છે. આ અંગે પૂર્વ ગૃહમંત્રી નરેશભાઈ રાવલે  જણાવ્યુ હતું કે, મેં પ્રદેશ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી છે.જો પાર્ટી 
મને મોકો આપે તો મારી પાસે રોડ મેપ તૈયાર છે. ગુજરાત કોંગ્રેસમાં ફરી એક વાર પક્ષની કમાન કોને સોંપવી તે અંગે મંથન શરૂ થઇ ગયું છે. આ ઉપરાંત વિધાનસભા વિપક્ષના નેતાપદે કોની વરણી કરવી એ મુદ્દે પણ ધારાસભ્યોનો મત જાણવામાં આવ્યો હતો.
 
ગાંધીનગરમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસ સ્થાને પ્રભારી શર્માએ ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરી કોને વિધાનસભા વિપક્ષના નેતા બનાવવા અને કોની પ્રદેશ  પ્રમુખ તરીકે નિમણૂંક કરવી જોઇએ તે મુદ્દે મત જાણ્યા હતાં. બધાય ધારાસભ્યોએ પોતાની વાત રજૂ કરી હતી. વિધાનસભા વિપક્ષના નેતાપદે પૂજા વંશનુ નામ ટોપ પર ચાલી રહ્યુ છે. આ ઉપરાંત શૈલેષ પરમાર, અશ્વિન કોટવાલ ઉપરાંત વિરજી ઠુમરનુ નામ પણ રેસમાં છે. શર્માએ મોડી રાત સુધી 66 ધારાસભ્યોને મળીને અભિપ્રાય લીધા હતાં. ડો.રઘુ શર્મા 
ધારાસભ્યોનો મત જાણી હાઇકમાન્ડને અહેવાલ મોકલશે ત્યાર બાદ આખરી નામની પસંદગી થશે.
 
એકાદ સપ્તાહમાં જ વિધાનસભા વિપક્ષના નેતાનું નામ જાહેર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળમાં ફેરફાર કરવા હાઇકમાન્ડ ઇચ્છુક છે ત્યારે પ્રદેશ  પ્રભારી પદે રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડૉ.રઘુ શર્માની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રભારી શર્માએ ગાંધીનગનરમાં વિધાનસભા હોલમાં કોંગ્રેસી ધારાસભ્યો સાથે બેઠક કરી કોરોનામાં સરકારની નિષ્ફળતા સહિતના મુદ્દાઓને લઇને પ્રજા વચ્ચે જવા આહવાન કર્યુ હતું. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સતાથી નજીક રહી હતી ત્યારે હજુય કોંગ્રેસ માટે ઉજળી તકો છે.
 
ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીઓ હાથ ધરાઇ ગઇ છે ત્યારે કોંગ્રેસના સિનિયર નેતાઓને કોરાણે મૂકીને યુવા ચહેરાને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે નીમવાની  કવાયત હાથ ધરાઇ છે. ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું યુવા બળ નાપાસ થયું છે. હવે પક્ષના સિનિયર નેતાઓમાં જડમુળથી ફેરફારો કરવા માટેની ચર્ચાઓ જાગી છે. ત્યારે હજી કોંગ્રેસ પ્રદેશ નેતાગીરી માટે યુવા ચહેરાઓની શોધમાં છે. જોકે કોંગ્રેસ આમાં કેટલી સફળ થશે તો એ સમય કહેશે,પણ સિનિયરોની છેલ્લી ઘડીની ટાંટિયાખેંચને 
કારણે કોંગ્રેસને નુકસાન થતું હોવાથી મોવડી મંડળ યુવા ચહેરાને પ્રદેશ પ્રમુખ નીમવા તરફ મીટ માંડી રહ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે.