શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: (ડાંગ માહિતી બ્યુરો): આહવા: , શનિવાર, 16 ઑક્ટોબર 2021 (11:59 IST)

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય અપાશે - પ્રવાસન મંત્રી શ્રી પુર્ણેશ મોદી

▪શબરી ધામ ખાતે રાજ્ય કક્ષાના દશેરા મહોત્સવની થઇ શાનદાર ઉજવણી
▪પ્રવાસન અને યાત્રા ધામોના વિકાસની નેમ સાથે ‘સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસન સર્કિટ વિકસાવાશે - પ્રવાસન મંત્રી શ્રી પુર્ણેશ મોદી
 
ગુજરાતના આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજો એવા, આદિવાસી સમાજના પ્રજાજનોને, શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય આપવામા આવશે, તેવી 'શબરી ધામ' ખાતેથી જાહેરાત કરતા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદીએ કૈલાશ માનસરોવર યાત્રા, સિંધુ દર્શન યાત્રા સહિત શ્રવણ તીર્થ યાત્રા જેવી યોજનાઓમા અપાતી આર્થિક સહાયનો ખ્યાલ આપ્યો હતો. 
 
દંડકારણયની પાવન ભૂમિ ઉપર વિજયા દશમીની ઉજવણીની સાથે હવેથી પ્રતિવર્ષ પ્રભુ શ્રી રામ સાથે જોડાયેલા ગુજરાતના તીર્થ સ્થાનો ઉપર 'દશેરા મહોત્સવ' નુ આયોજન કરવાની નેમ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ, ભારત વર્ષની ઉચ્ચત્તમ શાસ્ત્રોક્ત પદ્ધતિ, અને યુગ યુગાન્તરની ગણના પદ્ધતિનો ખ્યાલ આપી, પ્રભુ શ્રી રામ, રામાયણ, અને રામસેતુને કાલ્પનિક કહેનારા લોકોને વૈજ્ઞાનિક પ્રમાણો મળી ચુક્યા છે તેમ જણાવ્યુ હતુ. 
 
નવ નવ દિવસની શક્તિ આરાધનાની માં જગદંબાના ધામ શક્તિપીઠ અંબાજીથી પ્રારંભાયેલી યાત્રાનુ સમાપન 'શબરી ધામ' ખાતે થઈ રહ્યુ છે, તેમ જણાવતા પ્રવાસન મંત્રીશ્રીએ 'સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ થયો છે તેમ ઉમેર્યું હતુ. 
 
શબરી ધામ ખાતે મહાઆરતી અને રાવણ દહનના કાર્યક્રમમા ભાગ લેતા મંત્રીશ્રીએ ખાસ કરીને આદિવાસ વિસ્તારોમા દશેરા મહોત્સવની ઉજવણી અધર્મ પર ધર્મના વિજયના નારાને બુલંદ કરવા સાથે, પવિત્ર સ્થાનોની ગરિમા વધારીને, સાંસ્કૃતિક તથા ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરશે તેમ જણાવ્યુ હતુ.
 
શબરી ધામનુ માહાત્મ્ય વર્ણવતા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે પ્રવાસન પ્રવૃતિના વિકાસ સાથે સ્થાનિક રોજગારીનુ પણ વિપુલ માત્રામા સર્જન કરવામા આવી રહ્યુ છે તેમ જણાવી ઉમરગામ થી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમા શ્રેણીબદ્ધ વિકાસ કામો હાથ ધરીને પ્રજાજનોના સર્વગ્રાહી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ તેમના પ્રાસંગિક વક્તવ્યમા જણાવ્યુ હતુ.
 
ડાંગ જિલ્લાના પ્રજાજનો સુખી અને સમૃદ્ધ બને તેવા સુભાશિષ આપતા વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે અયોધ્યામા રામ મંદિરનુ નિર્માણ, જમ્મુ કાશ્મીરની ૩૭૦ની કલમ નાબુદી સહિતના સાહસિક પગલાઓની જાણકારી આપી બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનને પુનઃ શરૂ કરી આ વિસ્તારના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસરત છે તેમ જણાવ્યુ હતુ.
 
 ‘જય શ્રી રામ’ ના જયઘોષ સાથે પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરતા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે દશેરા પર્વની સૌને શુભેચ્છા પાઠવી હતી. તેમણે શબરીધામ ખાતે આયોજિત વિજયા દશમીપર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી ડાંગના ધાર્મિક, એતિહાસિક, પ્રાકૃતિક પ્રવાસન ધામોના વધુ વિકાસ માટે અભિલાષા વ્યક્ત કરી હતી.
 
કાર્યક્રમની શરૂઆતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર.આર.રાવલે કાર્યક્રમની રૂપરેખા આપી મંત્રીશ્રી સહિતના મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ. શબરી ધામ ખાતે રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા પાંચ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનો ખ્યાલ આપી સચિવશ્રીએ શબરી ધામ સિવાયના યાત્રા ધામોનો પણ તબક્કાવાર વિકાસ થઈ રહ્યો છે તેમ જણાવ્યુ હતુ. કાર્યક્રમના અંતે આભારવિધિ ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ આટોપી હતી.
 
 ‘દશેરા મહોત્સવ’ના રાજ્ય કક્ષાના ‘શબરી ધામ’ ખાતેના કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિના પ્રતિકરૂપ સોનગઢ (તાપી) નુ ઢોલ નૃત્ય, છોટા ઉદેપુરનુ દિવા નૃત્ય, સાગબારા (નર્મદા) નુ હોલી નૃત્ય, અને ડાંગના ડાંગી નૃત્ય સહિત આદિવાસી નૃત્યએ પ્રેક્ષકોના મન ડોલાવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય સ્ટેજ ઉપર થી રજુ થયેલા આ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ડાંગની પાવરીની સુરાવલીઓ વચ્ચે મહાનુભાવોનું ભાવભીનું સ્વાગત કરાયુ હતુ.
 
 ઉપરાંત ડિજિટલ યુગમા જ્યારે આમ નાગરીકોનુ જીવન ધોરણ બદલાઈ રહ્યુ છે, ત્યારે જુદી જુદી સરકારી સેવાઓ પણ, જનતાને ઘરબેઠા જ ઉપલબ્ધ કરાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન અનુસાર, ગુજરાતના માર્ગ-મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીએ તેમના વિભાગની સેવાઓને વધુ સુગમ બનાવી છે.
 
 ‘પૂર્ણેશ મોદી એપ’ અને ‘વેબસાઇટ’ના માધ્યમથી શ્રી મોદીના જુદા જુદા વિભાગોની સેવાઓ ઉપલબ્ધ કરાવતા, સોશ્યલ મીડિયાના આ પ્લેટફોર્મ ઉપરથી, પ્રજાજનોને ઘરબેઠા એક જ ક્લિક કરવાથી જુદી જુદી સેવાઓ પ્રાપ્ત થશે, જેનાથી જરૂરિયાતમંદ પ્રજાજનોના સમય અને ઈંધણની બચત સાથે, સેવાઓ મેળવવુ વધુ સુગમ બનશે. ઉલ્લેખનિય છે કે, ગુગલ પ્લેસ્ટોર પરથી વડાપ્રધાનશ્રીની ‘નમો એપ’ ડાઉનલોડ કર્યા બાદ ‘પૂર્ણેશ મોદી એપ’ પ્રજાજનો ડાઉનલોડ કરી શકશે. જે અંગેની જાણકારી પણ આ કાર્યક્રમમા આપવામા આવી હતી.
 
 કાર્યક્રમમા ડાંગના જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહજી જાડેજા, સહિત સમગ્ર ડાંગ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. મુખ્ય મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર સહીતના હોદ્દેદારો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.