શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 ઑક્ટોબર 2021 (12:57 IST)

પવનની દિશા ઉત્તર- પશ્ચિમ તરફ થતાં રાજ્યમાં શિયાળાનું આગમન, વહેલી સવારે ફુલ ગુલાબી ઠંડીનો ચમકારો

આ વખતનો શિયાળો પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લોકોને બરાબરના થથરાવશે

વર્ષ 2021માં રાજ્યનાં સો ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ક્યાંક અતિવૃષ્ટી તો ક્યાંક ઓછો વરસાદ થયો છે. પરંતુ રાજ્યમાં પ્રમાણમાં સારો વરસાદ થવાથી પાણીની તંગીની સમસ્યા હવે હળવી થઈ ગઈ છે. બીજી તરફ નવરાત્રીની શરૂઆતના ચાર દિવસમાં રાજ્યમાં વરસાદ ખાબક્યો હતો અને હવે વરસાદે સત્તાવાર વિદાય લીધી છે. ત્યારે પવનની દિશા ઉત્તર તરફથી ઉત્તર-પશ્ચિમ તરફ થતાં શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાય છે. જ્યારે બપોરના સમયે આકરા તાપનો સામનો કરવો પડે છે. રાતનું તાપમાન પણ ઠંડુ થઈ જતાં ફરીવાર ઠંડીનો અનુભવ કરાવે છે. 
 
પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે
હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે, અમદાવાદ સહિત ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. હાલમાં ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફના પવન શરૂ થયાં છે. આગામી પાંચ દિવસમાં પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પણ થઈ શકે છે. તે સિવાય સમગ્ર રાજ્યમાં હવામાન સુક્કુ રહેશે. ભાદરવા મહિનાનો તડકો હવે આસો મહિનામાં પડી રહ્યો છે. ઠંડી શરૂ થતાં જ ગાર્ડનમાં મોર્નિંગ વોકર્સની સંખ્યામાં પણ વધારો થયો છે. 
 
એક સપ્તાહ બાદ ઠંડીનું જોર વધશે
હવામાન વિભાગના સુત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેથી લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડિયામાં જ ઠંડીનો ચમકારો અનુભવાશે. આ વખતનો શિયાળો પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લોકોને બરાબરના થથરાવશે. ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠંડીનો ચમકારો વધુ અસરકારક રહેવાની પણ શક્યતાઓ છે. 
 
રાજયના 14 જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ
ગુજરાતમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સીઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. એમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે, જેમાં જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ સરેરાશ 138% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.