શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 16 ઑક્ટોબર 2021 (10:26 IST)

દશેરાએ અમદાવાદ શહેરમાં 20થી 25 કિલો સોનાનું વેચાણ થયું; સોના-ચાંદીના વેચાણમાં 50થી 60 ટકા જેટલી ઘરાકી રહી

શહેરમાં દશેરાના દિવસે સોના-ચાંદીના વેચાણમાં 50થી 60 ટકા જેટલી ઘરાકી રહી હોવાનું અનુમાન છે. દશેરાએ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારો મળીને 20થી 25 કિલો સોનાનું વેચાણ થયું હોવાનું વેપારીઓનું માનવું છે. કોરોના બાદ લોકો સૌથી વધારે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરતા થયા છે, જેના કારણે ગોલ્ડ માર્કેટમાં ઘરાકી જોવા મળી રહી હોવાનું પણ મનાય છે. દિવાળી બાદ આવી રહેલી લગ્નસરાને કારણે ખરીદી નીકળી છે. જોકે શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘરાકી સારી નીકળી છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિવાળી તથા લગ્નસરાને કારણે સોનાચાંદીની ખરીદી વધી છે. માત્ર દશેરાએ જ 20થી 25 કિલો સોનાનું વેચાણ થયું છે. કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી નવરાત્રીમાં ધંધો મંદ હતો. જોકે હાલ કોરોનાની અસર ઘટતાં અને સોનાના ભાવ ઘટતાં ઘરાકી ખૂલી છે. તાજેતરમાં સોનાના ભાવ ઘટીને રૂ. 47,500 પ્રતિ 10 ગ્રામ સુધી થયા હતા, પરંતુ હાલમાં ડોલર સામે રૂપિયો નબળો પડતાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું શહેરના ઝવેરીઓ જણાવી રહ્યા છે.અમદાવાદ જ્વેલરી એસો.ના પ્રમુખ જિગર ઝવેરીએ જણાવ્યું કે, ગયા વર્ષે કોરોના કારણે આ સમયે અમદાવાદમાં માંડ રોજનું રૂ. 8થી 10 કરોડનું વેચાણ થતું હતું. જોકે આ વર્ષે શ્રાદ્ધ બાદ એટલે કે નવરાત્રીમાં રોજનું અંદાજે 25થી 30 કરોડના સોનાનું વેચાણ થઈ છે. જ્યારે બુલિયનમાં રોજનું 100થી 125 કિલો સોનાનું વેચાણ થઈ રહ્યું છે.