રવિવાર, 1 ઑક્ટોબર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 જૂન 2023 (17:22 IST)

મોદી સરકારે અનેક શહેરોના નામ બદલ્યા, અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનું માંડી વાળ્યું

ahemedabad city
ભાજપના સાંસદ હસમુખ પટેલે કહ્યું, અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરાય તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો જતો રહે
 
જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટી માટે ડોઝિયર બનાવવામાં આવ્યું, તેમાં અમદાવાદ શહેર તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો
 
અમદાવાદઃ 2014માં કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ અનેક શહેરોના નામ બદલાવામાં આવ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી કરવાનો વિવાદ હજી યથાવત છે. ગુજરાતમાં ભાજપ છેલ્લા 27 વર્ષથી શાસનમાં છે અને તેની દરેક પ્રેસ યાદીમાં અમદાવાદને કર્ણાવતી તરીકે ઉલ્લેખવામાં આવે છે. પરંતુ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાઈ શકતો નથી. આ મુદ્દે ભાજપના અનેક નેતાઓ પણ કંઈ બોલવા તૈયાર નથી. ત્યારે ભાજપના સાંસદે અમદાવાદનું નામ કર્ણાવતી કેમ નથી કરાતું તે અંગેનો તર્ક જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરાય તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો જતો રહે. 
 
હેરિટેજનો દરજ્જો મળવામાં મુશ્કેલી ઊભી થાય
અમદાવાદમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને અમદાવાદ પૂર્વના લોકસભાના સાંસદ હસમુખ પટેલે કેન્દ્રમાં મોદી શાસનના 9 વર્ષના ઉપલક્ષમાં મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં સાંસદ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનું નામ બદલી કર્ણાવતી કરવાની જીદ અને માંગ ભારતીય જનતા પાર્ટીની જ હતી. વર્ષ 1995થી 2000માં કર્ણાવતી નામ કરવાની દરખાસ્ત મુકાઈ હતી, પરંતુ તેને રદ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2005માં અમદાવાદ શહેરને હેરિટેજ દરજ્જો મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવે તો હેરિટેજનો દરજ્જો મળવામાં મુશ્કેલી ઊભી થાય તેમ હતી.
 
અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને અમદાવાદ પૂર્વના લોકસભાના સાંસદ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરાય તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો જતો રહે.  600 વર્ષ જૂના અમદાવાદ શહેરને હેરિટેજ દરજ્જો મળે, પ્રવાસીઓમાં વધારો થાય અને લોકોને રોજગારી મળે તેના માટે આપણે અમદાવાદ તરીકે હવે સ્વીકારી લીધું છે. અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે. જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટી માટે ડોઝિયર બનાવવામાં આવ્યું, તેમાં અમદાવાદ શહેર તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 
ભાજપના નેતાઓ હવે કર્ણાવતી નામ નથી ઈચ્છતા
ભાજપના બંને નેતાઓએ વધુમાં જણાવ્યું હતું કે, ક્યાંય પણ કર્ણાવતીનું નામ લખવામાં આવ્યું નથી, જેથી ડોઝિયર પ્રમાણે અમદાવાદ શહેર હવે વર્લ્ડ હેરિટેજ સિટી છે. જેથી આ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવે તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અમદાવાદે ગુમાવવો પડી શકે છે. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા માટે બનાવવામાં આવેલા ડોઝિયરમાં અમદાવાદ શહેર નામ લખ્યું છે. યુનેસ્કોમાં મોકલવામાં આવેલા ડોઝિયરમાં ક્યાંય પણ કર્ણાવતી નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.અમદાવાદ શહેરની ઓળખ ગુમાવવાના ભોગે ભાજપના નેતાઓ હવે કર્ણાવતી નામ કરવા ઈચ્છતા નથી.