1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022 (11:59 IST)

'૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨' તૈયાર છે! ઉત્સાહિત છે! વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવતું અનેરૂં અમદાવાદ

૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨નું યજમાન ગુજરાત ગેમ્સના આયોજનને લઈ તૈયાર છે, ત્યારે સંસ્કારધામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અહીં ખો-ખો સહિત કુલ ત્રણ સ્પર્ધા યોજાવાની છે. પરંપરાગત પ્રાચીન ગ્રામીણ ભારતીય રમત ખો-ખોના ઇતિહાસ પર નજર કરીએ તો તેના મુળ છેક મહાભારતની કથા સુધી પહોંચે છે. મહાભારત યુદ્ધમાં ગુરુ દ્રોણાચાર્ય દ્વારા ચક્રવ્યૂહ રચવામાં આવે છે અને તેનું ભેદન વીર અભિમન્યુ કરે છે. 
 
આ ચક્રવ્યૂહમાં લડવા માટે રિંગ પ્લેની શૈલી જેવી એક લડત શૈલી અપનાવવામાં આવે છે, જે ખો-ખોની રમતમાં રક્ષણાત્મક રણનીતિનો મહત્વનો ભાગ હોય છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં ખો-ખો ખૂબ જ લોકપ્રિય રમત તરીકે ખ્યાતિ ધરાવે છે. વિશેષજ્ઞો મુજબ ખો-ખો રમતની ઉત્પતિ મહારાષ્ટ્રમાં થઈ હોવાનું માનવામાં આવે છે. ૧૯મી (સંભવત વર્ષ ૧૯૧૪થી...) સદીની શરૂઆતમાં ઉત્પત્તિ થઈ એવું મનાય છે અને ત્યારબાદ આ રમત આધુનિક રમત તરીકે ફેમસ બની. 
 
આઉટડોર ગેમ્સ તરીકે ખો-ખો એક રોમાંચક ગેમ છે. ભારતમાં વર્ષ ૧૯૫૭માં પરંપરાગત ભારતીય રમત ખો-ખોને આગળ ધપાવવા માટે 'ઓલ ઇન્ડિયા ખો-ખો ફેડરેશન'ની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ વર્ષ ૧૯૫૯-૬૦માં આંધ્રના વિજયવાડામાં પુરુષો માટે પ્રથમ 'ઓલ ઇન્ડિયા ખો-ખો ચૈમ્પિયનશિપ' આયોજિત કરવામાં આવી હતી. આ સ્પર્ધાને લઈ ત્યારે લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. વર્ષ ૧૯૬૦-૬૧મા મહિલા વર્ગ માટે પણ સૌપ્રથમવાર ચૈમ્પિયનશિપ યોજાઈ હતી. ખો-ખોને વર્ષ ૧૯૮૨માં નવી દિલ્લી ખાતે યોજાયેલ એશિયાઈ રમત ઉત્સવમાં સૌપ્રથમવાર પ્રદર્શની ગેમ તરીકે પ્રેઝન્ટ કરવામાં આવી. 
 
પછી તો ખો-ખોની ખ્યાતિ વધવા લાગી. વર્ષ ૧૯૯૬માં કોલકાતા ખાતે પ્રથમવાર એશિયાઈ ચૈમ્પિયનશિપ આયોજિત થઈ તથા વર્ષ ૨૦૧૬થી દક્ષિણ એશિયાઈ ચૈમ્યિનશિપમાં 'મેડલ ગેમ' તરીકે ખો-ખોને સામેલ કરવામાં આવી. અત્યારે ખો-ખો ૨૫થી વધુ દેશોમાં રમવામાં આવે છે. ખો-ખોમાં રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને અલગ અલગ રાજય 'એકલવ્ય' અને ઝાંસીની રાણી 'લક્ષ્મીબાઈ' જેવા પુરસ્કાર આપે છે. વર્ષ ૧૯૭૦-૭૧માં પ્રથમવાર જૂનિયર પુરુષ ચૈમ્પિયનશિપ હૈદરાબાદ ખાતે યોજાઈ હતી,જેમાં મહારાષ્ટ્ર વિજેતા રહ્યું હતું. આ જ વર્ષમાં ખો-ખોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે 'વીર અભિમન્યુ' પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
 
વર્ષ ૧૯૭૪-૭૫માં એમ.પીના ઇંદોરમાં મહિલાઓ માટે પણ જૂનિયર ચૈમ્પિયનશિપ યોજાઈ. વર્ષ ૧૯૮૨થી ખો-ખો રમતને ભારતીય ઓલમ્પિક સંઘના ભાગના રૂપમાં સામેલ કરવામાં આવી. રમતના મેદાનમાં જયારે ખો-ખો પ્લેયર્સ રમતાં હોય અને સ્પીડથી દોડીને ડાઈવ લગાવી હરીફ ટીમના પ્લેયરને પકડતા હોય ત્યારે એ જોવાનો લ્હાવો એક અલગ જ પ્રકારનો રોમાંચ જન્માવે છે. આજે તો ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ઉપરાંત ભારતના અનેક સ્ટેટમાં ખો-ખો રમાય છે. ગુજરાતના તાપી વિસ્તારમાં અનેક યુવાઓ આ ગેમમાં પાવરધા છે. 
 
આ ગેમની વિશેષતા એ છે કે, આ ગેમ રમનાર પ્લેયર્સ ઉર્જાવાન હોવાની સાથે જોશીલા હોય છે!ચપળતા અને ઝડપ એવી કે, જે પ્રેક્ષક તરીકે આપણને સંપૂર્ણ ગેમ જોવાની સાથે કન્ટિન્યુ જકડી રાખે. અલગ જ મજા છે, ખો-ખોને માણવાની અને રમવાની! તો છો ને તૈયાર ગુજરાતીઓ?? ખો-ખો ગેમને જોવાનો લ્હાવો માણવા માટે! નેશનલ ગેમ્સ-૨૦૨૨ સંસ્કાર ધામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,અમદાવાદ ખાતે જામવાનો છે ખો-ખો જંગ! તા.૩૦ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર-૨૦૨૨ સુધી પુરુષ અને મહિલા ટીમો વચ્ચે યોજાશે સ્પર્ધા. Let's be ready for Celebrating unity through sports!