અમદાવાદમાં વધુ એક આત્મહત્યા, મહિલાએ ત્રીજા માળેથી લગાવી છલાંગ
અમદાવાદમાં વધુ આત્મહત્યાના સમાચાર આવતા ચકચાર મચી છે. આ ઘટના ચાંદખેડામાં આવેલા દિવાળી હોમ્સમાં બની છે. જેમા એક મહિલાએ ત્રીજા માળેથી નીચે પડી હતી. આ ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધાર પર પોલીસ તપાસ કરી રહી છે.
દિવાળી હોમ્સમાં રહેતી મૈત્રી શ્રીમાળી નામની મહિલાએ બે દિવસ અગાઉ ફ્લેટના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં જ આસપાસના લોકો સ્થળ ઉપર ભેગા થઈ ગયા હતા, જોકે ગંભીર ઈજા થતાં મહિલાનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું. આપઘાતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. મહિલાના આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. મહિલા પાસેથી કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નહોતી, જેથી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સમાચાર મળતા જ ચાંદખેડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આપઘાતના કારણોની તપાસ કરી પરંતુ આપઘાત કરનારી મહિલા પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી નહોતી. પોલીસની તપાસમાં હાલ મોતનું કારણ પણ જાણવા મળ્યું નહોતું. ચાંદખેડા પોલીસે સમગ્ર બાબતને લઈ વધુ તપાસ હાથ ધરી છે.