મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 12 સપ્ટેમ્બર 2022 (13:08 IST)

કેજરીવાલના આગમન સાથે જ અમદાવાદ AAP કાર્યાલય ખાતે પોલીસની રેડ, પોલીસે કહ્યું કોઈ રેડ નથી કરી

Aap look at Gujarat
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજ્યમાં રાજકીય ગરમાવો પણ વધ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારના રોજ પોતાના 3 દિવસીય રાજકીય પ્રવાસ અંતર્ગત ગુજરાત આવ્યા છે. ત્યારે ગુજરાત પોલીસે રવિવારના રોજ આમ આદમી પાર્ટીના અમદાવાદ ખાતેના કાર્યાલય પર દરોડો પાડ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલ રવિવારે સાંજે જ અમદાવાદ પહોંચ્યા હતા.

ત્યારે આપના નેતા ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરીને પાર્ટીના કાર્યાલય પર દરોડો પડ્યો હોવાની જાણકારી આપી છે. જોકે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મીડિયાને જણાવ્યું છે કે, શહેરની એક પણ પોલીસની ટીમે આમ આદમી પાર્ટીની ઓફિસામાં દરોડા કે સર્ચ ઓપરેશન કર્યુ નથી. શહેર પોલીસને આ અંગેની જાણ પણ નથી. ઈસુદાન ગઢવીએ લખ્યું હતું કે, કેજરીવાલ અમદાવાદ પહોંચ્યા તે સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યાલય પર ગુજરાત પોલીસે દરોડો પાડ્યો. 2 કલાક તપાસ કરીને જતા રહ્યા. કશું ન મળ્યું. કહ્યું ફરી આવીશું. અરવિંદ કેજરીવાલે પણ ઈસુદાન ગઢવીની ટ્વિટને રીટ્વિટ કરતા લખ્યું હતું કે, ગુજરાતની જનતાને મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ખરાબ રીતે બોખલાઈ ગયું છે. ગુજરાતમાં આપના પક્ષમાં આંધી વ્યાપી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડો પાડવાનું શરૂ કરી દીધું. દિલ્હીમાં કશું ન મળ્યું, ગુજરાતમાં પણ કશું નહીં મળે. અમે કટ્ટર ઈમાનદાર અને દેશભક્ત લોકો છીએ.