શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 એપ્રિલ 2022 (09:24 IST)

મોરબીમાં 108 ફૂટના હનુમાનજીનું લોકાર્પણ,પીએમ મોદી વર્ચ્યુઅલ હાજરી આપશે

morbi
મોરબીના ભરતનગર બેલા ગામને જોડતા માર્ગ પર આવેલા ખોખરા હનુમાનજી ધામ ખાતે નિર્માણ પામેલી 108 ફુટ ઉંચી હનુમાનજીની પ્રતિમાનું આવતીકાલે હનુમાન જયંતિના પાવન દિવસે અનાવરણ કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ હાજરી આપશે. તેમજ કથામાં હાજર શ્રોતાઓને સંબોધન કરશે તેમજ સંતવાણીમાં કિર્તીદાન ગઢવી ભજનોની રમઝટ બોલાવશે.

મોરબીના ભરતનગર નજીક ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ગુજરાતના ગૌરવ સમી સૌથી ઊંચી 108 ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમા સતત ત્રણ વર્ષની અથાગ મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમાની વિશેષતા એ છે કે પ્રતિમામાં સાત લાખ રામનામ લખેલી ચિઠ્ઠીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખોખરાધામમાં કનકેશ્વરી દેવીના વ્યાસાસને ચાલતી રામકથા દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌશાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે. ત્યારે કથાના નવમા અને અંતિમ દિવસે તારીખ 16ને શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સવારે 11 વાગ્યાથી સતત 45 મિનીટ સુધી વર્ચ્યુઅલી જોડાશે અને સંબોધન કરશે.

આ અવસરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય, ગુજરાત સરકારના મંત્રી પ્રદીપભાઈ પરમાર, કચ્છ-મોરબી લોકસભા વિસ્તારના સંસદ તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઉપરાંત અનેક રાજકીય મહાનુભાવો સમાપન અવસરે હાજરી આપશે.