ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 29 ઑગસ્ટ 2018 (12:24 IST)

રિઝર્વ બેન્કે પાંચની નોટો રદ કરી નથી છતાં અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પાંચની ચલણી નોટ લેવાતી નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર ૨૦૧૬માં 'નોટબંધી' કરી હતી. જેમાં તેઓ રૂ. ૧૦૦૦ અને રૂ. ૫૦૦ની ચલણી નોટને રદ કરી હતી. પરંતુ મોદીએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રૂપિયા પાંચની ચલણી નોટોને રદ કરી નથી. આમ છતાં અમદાવાદના પૂર્વનાં તેમજ પશ્ચિમના અનેક વિસ્તારોમાં રૂપિયા પાંચની ચલણી નોટો સ્વીકારવાની દુકાનદારો પણ ના પાડી રહ્યા છે. દિવાળી પર્વ કે ધાર્મિક અને લગ્ન પ્રસંગ માટે નાગરિકો બેન્કોમાંથી રૂપિયા પાંચની ચલણી નોટોનાં બંડલો લાવતા હોય છે, ત્યારબાદ રૂટીન ખર્ચમાં તે નોટોને વાપરવામાં આવતી હોય છે. પણ હવે સ્થિતિ એવી ઉભી થઈ છે કે રૂપિયા પાંચની કડકડતી નવી નોટોને પણ શાકભાજી-ફ્રુટની લારીવાળા, પાન-ચ્હાના ગલ્લાવાળા કે અન્ય નાના-મોટા દુકાનદારો સ્વીકારતા નથી. નાગરિકો દ્વારા રૂપિયા પાંચની નોટ આપવામાં આવે એટલે તુરંત જ નાકનું ટેરવું ચઢાવી દે છે. 
પાંચની નોટ આપનારા લોકોએ પ્રશ્નો પુછયા છે કે શા માટે નોટ નથી લેતા ? જેના જવાબમાં બધા એક સરખો જવાબ આપે છે કે, અમારી પાસે રૂપિયા પાંચની ઢગલાબંધ નોટ પડી છે પરંતુ અમે જયારે કોઈ ગ્રાહક કે મોટા વેપારીને આપીએ છીએ તો તેઓ અમારી પાસેથી, પાંચની નોટો સ્વીકારતા નથી. આ સ્થિતિને કારણે ઘણા નાગરિકોને રોજેરોજ નાની નાની ચીજ વસ્તુઓની ખરીદી વખતે ઝગડાઓ થઇ રહ્યા છે. પશ્ચિમનાં રાણીપ, સાબરમતી, ચાંદખેડા જેવા સિમિત વિસ્તારમાં નોટો નહી સ્વીકારવાની સમસ્યા છે. પરંતુ પૂર્વ અમદાવાદનાં બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, કાલુપુર, અસારવા, નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, વટવા સહિતનાં મોટા ભાગનાં વિસ્તારોમાં પાંચની નોટો લેવાની ના પાડવામાં આવે છે. જેને કારણે ઘણા લોકોએ હવે બેન્કોમાં જ આ નોટો પરત જમા કરવાનું શરૂ કર્યું છે.