શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (12:29 IST)

વિકાસ ગાંડો થયો છેની જોકસ ભાજપને ચચરી, રૂપાણીએ સોશિયલ મીડિયા કેમ્પેનના નામે કોંગ્રેસ પર ઠીકરૂ ફોડ્યુ

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સોશિયલ મિડીયામાં વિપક્ષ દ્વારા વિકાસ ગાંડો થયો છે ના ચાલી રહેલા અપપ્રચારનો જડબાતોડ જવાબ આપતાં કહ્યું છે કે વિકાસ ગાંડો થયો છે પણ એ ગાંડાઓ ડાહ્યા થતા નથી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસ ગાંડો થયો છે પરંતુ અમારા શાસનમાં કોંગ્રેસની જેમ ભ્રષ્ટાચાર કે બેરોજગારી ગાંડા થયા નથી. વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં જણાવ્યું કે, વિકાસ ગાંડો થયો છે એવું કહેનારા કોંગ્રેસીઓ બધવાઇ ગયા છે-બોખલાઇ ગયા છે કેમ કે આખા દેશમાં વડાપ્રધાન  મોદીએ વિકાસની રાજનીતિનો જે નવો ઇતિહાસ સજર્યો છે તેનાથી હવે અત્યાર સુધી પ્રજાને મતબેન્કની રાજનીતિ તરીકે જોનારા કોંગ્રેસીઓને બધેથી જાકારો મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસને તો વિકાસ સાથે કોઇ લેવા-દેવા જ નથી, એમના શાસનમાં ભ્રષ્ટાચાર ફૂલી-ફાલીને ગાંડો થયો હતો, અમે પારદર્શી શાસનથી પ્રજાના પૈસા પ્રજાના હિતમાં વાપરીને વિકાસના કામો કર્યા છે. વિકાસ કોને કહેવાય એ  મોદીના નેતૃત્વમાં ગુજરાતે દેશ અને દુનિયાને બતાવ્યું છે તેવો સ્પષ્ટ મત દર્શાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, હવે વિકાસની ચર્ચા થાય છે. લોકોને ડિલીવરી જોઇએ છે જે અમે આપી છે. વિકાસ અને ભારતીય જનતા પાર્ટી હવે એક બીજાના પર્યાય બની ગયાં છે.  વિકાસ ગાંડો થયો છે એમ કહેનારાઓને આ વિકાસ દેખાશે જ નહિ એમ તેમણે જણાવ્યું હતું. રૂપાણીએ કોંગ્રેસે ગુજરાતમાં નર્મદા કેનાલ નેટવર્કના કામો પૂરાં થયા નથી તેવા કરેલા આક્ષેપોને પણ નકારી કાઢયા હતા. 
તેમણે એવો વેધક સવાલ કર્યો કે, ૧૯૬૧માં કોંગ્રેસના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂએ યોજનાનો પાયો નાંખ્યો ત્યારથી ૧૯૯પમાં ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી ત્યાં સુધી આ આખીય યોજના મંદ ગતિએ ચાલી તેમાં કોણ જવાબદાર છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતાં જ વડાપ્રધાન  નરેન્દ્રભાઇએ માત્ર ૧૭ જ દિવસમાં બંધની ઊંચાઇ વધારવાની અને દરવાજા મૂકવાની પરવાનગી આપી દીધી તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસની યુ.પી.એ. સરકારે સાત-સાત વર્ષ સુધી ગુજરાત વિરોધી માનસિકતા દાખવીને નર્મદાને ઘોંચમાં નાંખી તે કેમ કોંગ્રેસીઓ ભૂલી જાય છે? રૂપાણીએ વિપક્ષને આડે હાથ લેતાં એમ પણ કહ્યું કે, જેમને ગુજરાતનો વિકાસ ખપતો જ નથી તેવા આ લોકોએ તો વિકાસની રાજનીતિના પુરસ્કર્તા નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહની ખોટી રીતે સી.બી.આઇ.ની મદદથી કનડગત કરવામાં કોઇ કસર છોડી નહતી. તેમણે ઉમેર્યુ કે, વિકાસની રાજનીતિનો જ આખરે વિજય થયો છે અને હવે પોતાની કારમી હાર ભાળી ગયેલી કોંગ્રેસને બીક પેસી ગઇ છે કે તેમની પાસે જે ૪૩ ધારાસભ્યો બચ્યા છે.  તે પણ તેમને છોડી જશે એટલે રાજ્યસભામાં ક્રોસ વોટિંગનો મામલો અને વ્હીપના અનાદરનો મામલો ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા ચગાવી રહી છે. આ અંગે તેમણે અગાઉ કોંગ્રેસે જ જનતા દળ સાથે અને ત્યારબાદ રાજપા સાથે આવી ક્રોસ વોટિંગની, ધારાસભ્યોની પક્ષપલટાની જે હરકતો સત્તાની સાઠમારી માટે આચરી હતી તેની પણ આલોચના કરી હતી.