શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: ગુરુવાર, 7 એપ્રિલ 2022 (13:55 IST)

રશિયા-યુક્રેન યુદ્ધ : યુક્રેનમાં લડી રહેલા રશિયાના વૅગનર ગ્રૂપના 'ભાડૂતી સૈનિકો' કોણ છે?

rashiya ukrain war
બ્રિટિશ લશ્કરી ગુપ્તચર તંત્રના જણાવ્યા અનુસાર રશિયાની ખાનગી કંપની વૅગનર ગ્રૂપના 1,000 જેટલા ભાડૂતી સૈનિકોને પૂર્વ યુક્રેનમાં ગોઠવવામાં આવી રહ્યા છે.
 
છેલ્લાં આઠ વર્ષથી આ ગ્રૂપ યુક્રેન, સીરિયા અને આફ્રિકાના દેશોમાં સક્રિય છે અને તેની સામે વારંવાર યુદ્ધના ગુનાની અને માનવ અધિકારના ભંગની ફરિયાદો થઈ છે
 
વૅગનર ગ્રૂપ કેવી રીતે બન્યું હતું?
બીબીસીએ કરેલી તપાસ અનુસાર વૅગનર ગ્રૂપ સાથે રશિયાની સેનાના ભૂતપૂર્વ ઑફિસર 51 વર્ષના દમિત્રી ઉત્કિન જોડાયેલા હોય તેવા અણસાર મળે છે. સેનામાં કામ કરતી વખતે તેમની કૉલ-સાઇન વૅગનર હતી, તેના પરથી જ તેમણે પોતાના ગ્રૂપનું નામ વૅગનર રાખ્યું હોવાનું કહેવાય છે.
 
ચેચન યુદ્ધમાં લડવાનો તેમને અનુભવ છે અને ભૂતપૂર્વ સ્પેશ્યિલ ફોર્સના ઑફિસર તરીકે અને રશિયાની સેનાના ગુપ્તચર તંત્ર જીઆરયુમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે પણ તેમણે કામ કરેલું છે.
 
કિંગ્સ કૉલેજ લંડનના સંરક્ષણ બાબતોના પ્રોફેસર ટ્રેસી જર્મન કહે છે કે 2014માં રશિયાએ આક્રમણ કરીને ક્રાઇમિયાને પોતાની સાથે જોડી દીધું તે વખતે પ્રથમ વાર વૅગનર ગ્રૂપ કામગીરીમાં જોડાયું હતું.
 
તેઓ કહે છે, "આ ગ્રૂપમાં ભાડૂતી સૈનિકો છે અને તેમને લીટલ ગ્રીન મેન તરીકે ઓળખવામાં આવે છે, જેમણે ક્રાઇમિયાના કેટલાક પ્રદેશને કબજે કરીને રાખ્યો હતો. બાદમાં આ ગ્રૂપના 1,000 જેટલા ભાડૂતી સૈનિકોએ લુહાન્સ્ક અને ડોનેસ્ક પ્રાંતમાં રશિયાના સમર્થનમાં રહીને લડત આપી રહેલા લડાયકોને મદદ કરી હતી."
 
તેઓ વધુમાં જણાવે છે કે "રશિયાના બંધારણ પ્રમાણે ભાડૂતી સૈનિકો સાથેની લશ્કરી ટુકડી રાખી શકાય નહીં. જોકે વૅગનર સરકારને એવા ઉપયોગી લડાયકો પૂરાપાડે છે કે તેની અવગણના થઈ શકે નહીં. વૅગનર દેશ બહારના પ્રદેશોમાં, વિદેશની ભૂમિ પર કામ કરે અને ક્રેમલિન કહી શકે કે: 'તેની સામે અમારે કોઈ સંબંધ નથી'."
 
રૉયલ યુનાઇટેડ સર્વિસીઝ ઇન્સ્ટિટ્યૂટના સેમ્યુઅલ રામાણી કહે છે કે, "વૅગનર એવા જૂના સૈનિકોને પોતાને ત્યાં નોકરીએ રાખે છે, જેમની માથે દેવું હોય અને તે ચૂકવવા કમાણી કરવાની જરૂર હોય, આ લોકો ગ્રામીણ વિસ્તારના હોય છે અને ત્યાં તેમને કમાણી કરવા માટેનું બીજું કોઈ સાધન હોતું નથી."
 
વૅગનર ગ્રૂપને કોનું ફંડિંગ મળે છે?
કેટલાકનું કહેવું છે કે રશિયાની સેનાની ગુપ્તચર સંસ્થા જીઆરયુ ખાનગીમાં વૅગનર ગ્રૂપને ભંડોળ પૂરું પાડે છે અને તેના પર નિયંત્રણ રાખે છે.
 
મર્સિનરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સ્રોતોએ બીબીસીને જણાવ્યું કે આવા સૈનિકોને તાલીમ આપવા માટેનું કેન્દ્ર દક્ષિણ રશિયામાં મોલ્કિનો નજીક છે અને તે રશિયાની સૈન્ય છાવણીની નજીક આવેલું છે.
 
રશિયાએ હંમેશા વૅગનર ગ્રૂપ સાથે પોતાને કોઈ નાતો નથી તેમ જણાવ્યું છે.
 
બીબીસીની તપાસમાં ઉત્કિનની કડી વૅગનર ગ્રૂપ સાથે હોવાનું જણાય આવ્યું છે અને સાથે જ 'પુતીનના શેફ' તરીકે જાણીતા થયેલા અબજપતિ યેવગેની પ્રિઝોશીન સાથે પણ કડી મળી આવે છે. રેસ્ટોરાં ચલાવનારા યેવગેની ક્રેમલિન માટે કેટરિંગનું કામ કરતાં થયા હતા અને ત્યાંના સંબંધોને કારણે આજે તેમનું મોટું આર્થિક સામ્રાજ્ય જામી ગયું છે એટલે તેમને 'પુતીનના રસોઈયા' કહેવામાં આવતા હોય છે.
 
તેમની ઘણી કંપનીઓ પર અમેરિકાએ પ્રતિબંધો પણ લાદ્યા છે, પરંતુ યેવગેનીએ પણ હંમેશા એવું જ કહ્યું છે કે તેમને વૅગનર ગ્રૂપ સાથે કોઈ સંબંધ નથી.
 
વૅગનર ગ્રૂપ ક્યાં સક્રિય છે?
2015માં વૅગનર ગ્રૂપ સીરિયામાં કામ કરતું હતું અને ત્યાં સરકાર તરફી દળોની સાથે રહીને કામગીરી બજાવી હતી. આ ગ્રૂપે સીરિયાના ખનીજ તેલના ક્ષેત્રોનું રક્ષણ કરવાનું કામ પણ કર્યું હતું.
 
2016થી લિબિયામાં પણ તે સક્રિય થયું છે અને જનરલ ખલિફા હફ્તારના વફાદાર દળોને ટેકો આપવાનું કામ કર્યું છે. 2019માં ત્રિપોલીમાં સત્તાવાર રીતે બેઠેલી સરકાર સામે હફ્તારના વફાદારોએ આક્રમણ કર્યું ત્યારે તેમાં 1,000 જેટલા વૅગનર ભાડૂતી સૈનિકો પણ જોડાયા હોવાનું મનાય છે.
 
2017માં સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં હીરાની ખાણોનું રક્ષણ કરવા માટે પણ વૅગનર ગ્રૂપને આમંત્રણ અપાયું હતું. સુદાનમાં પણ સોનાની ખાણોની સુરક્ષાનું કામ કરવા માટે વૅગનરની ટુકડીઓ મોકલવામાં આવી હોવાના અહેવાલો છે.
 
2020માં અમેરિકાના નાણાં વિભાગે જણાવ્યું હતું કે વૅગનર આ દેશોમાં યેવગેનીની ખનીજ કંપનીઓના "કવર તરીકે કામ કરી રહ્યા છે". એમ ઇન્વેસ્ટ અને લોબાયે ઇન્વેસ્ટ તરીકે તેઓ કામ કરી રહ્યા હોવાનું જણાવીને તેની સામે પણ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.
 
હાલમાં જ પશ્ચિમ આફ્રિકાના માલીની સરકારે વૅગનર ગ્રૂપને આમંત્રણ આપ્યું હતું, જેથી ઇસ્લામી ઉદ્દામવાદી જૂથો સામે સુરક્ષા પૂરી પાડી શકાય. ફ્રાન્સે પોતાનાં દળો માલીમાંથી પાછા ખેંચી લેવાનું નક્કી કર્યું તે પછી વૅગનર ગ્રૂપને બોલાવવાનું નક્કી થયું હતું.
 
સૅમ્યુઅલ રામાનીના જણાવ્યા અનુસાર વૅગનર ગ્રૂપમાં 5,000 જેટલા ભાડૂતી સૈનિકો છે, જે દુનિયાભરમાં જુદાં જુદાં સ્થળે કામ કરી રહ્યા છે.
 
વૅગનર સામે કેવા ગુનાના આક્ષેપો છે?
2020માં અમેરિકાની સેનાએ પણ આક્ષેપ કર્યો હતો કે વૅગનરના ભાડૂતી સૈનિકોએ લિબિયાની રાજધાની ત્રિપોલી અને તેની આસપાસના પ્રદેશોમાં લૅન્ડમાઇન્સ તથા અન્ય ઇમ્પ્રોવાઇઝ્ડ ઍક્સપ્લોઝિવ ડિવાસીઝ ગોઠવી હતી.
 
સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ફ્રાન્સની સરકારે આક્ષેપ કર્યો છે કે વૅગનરના ભાડૂતી સૈનિકોએ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં નાગરિકો પર અત્યારો કર્યા હતા, લૂંટ ચલાવી હતી અને બળાત્કારો કર્યા હતા. આ ગુનાઓ બદલ વૅગનર ગ્રૂપ પર યુરોપિયન યુનિયને પ્રતિબંધ મૂક્યો હતો.
 
2020માં અમેરિકાની સેનાએ પણ આક્ષેપ કર્યો હતો કે વૅગનરના ભાડૂતી સૈનિકોએ લિબિયાની રાજધાની ત્રિપોલી અને તેની આસપાસના પ્રદેશોમાં લૅન્ડમાઇન્સ તથા અન્ય ઇમ્પ્રોવાઇઝ્ડ ઍક્સપ્લોઝિવ ડિવાસીઝ ગોઠવી હતી.
 
અમેરિકાના આફ્રિકા કમાન્ડના ગુપ્તચર વિભાગના ડિરેક્ટર રિયર ઍડમિરલ હેઇડી બર્ગ કહે છે, "વૅગનર ગ્રૂપે આડેધડ લૅન્ડમાઇન્સ અને બૂબી ટ્રૅપ્સ ગોઠવી તેના કારણે અનેક નિર્દોષ નાગરિકો ભોગ બન્યા હતા."
 
યુક્રેન યુદ્ધમાં વૅગનર ગ્રૂપની ભૂમિકા શું છે?
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તે પહેલાંના અઠવાડિયાઓમાં વૅગનર ગ્રૂપે પૂર્વ યુક્રેનમાં રહીને "ફૉલ્સ ફ્લૅગ" પ્રકારના હુમલા કર્યા હતા, જેથી રશિયાને યુક્રેન પર હુમલો કરવાનું બહાનું મળી જાય એમ ટ્રેસી જર્મનનું માનવું છે.

હાલના સમયમાં રશિયાના સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ વહેતી થઈ છે, જેમાં 'યુક્રેનમાં પિકનિક માટે' જોડાઈ જવા માટે ભાડૂતી સૈનિકોની ભરતી કરવાની જાહેરાતો કરાઈ છે.
 
જોકે આ ભરતી હૉક્સ જેવા બીજા નામના ભાડૂતી જૂથો માટે કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.
 
એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના રશિયા, યુરેશિયા અને ઇસ્ટર્ન યુરોપિયન વિષયના પ્રોફેસર કૅન્ડેસ રૉન્ડેવૂ કહે છે કે "આવું જુદું નામ એટલા માટે રાખવામાં આવ્યું હશે, કેમ કે વૅગનરના નામ સાથે 'બટ્ટો લાગી ગયો' છે".