1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Modified: ગુરુવાર, 13 જુલાઈ 2023 (13:46 IST)

Shiv Katha - સોમવાર વ્રત કથા

Shiv katha- અમરપુર નગરમાં એક ધનીક વ્યાપારી રહેતો હતો. ખુબ જ દૂર સુધી તેનો વ્યાપાર ફેલાયેલો હતો. નગરમાં તે વ્યાપારીનું ખુબ જ માન સન્માન હતું. આટલુ બધું હોવા છતાં પણ તે વ્યાપારી મનથી ખુબ જ દુ:ખી હતો. કેમકે તે વ્યાપારીને એક પણ પુત્ર ન હતો. દિવસ રાત તેને એક જ ચિંતા થતી હતી કે તેના મૃત્યું બાદ તેના વ્યાપારનું શું થશે? તેની આટલી બધી મિલ્કત કોણ સંભાળશે? પુત્ર મેળવવાની ઇચ્છાથી તે દર સોમવારે ભગવાન શિવની પૂજા કરતો હતો.
 
તે વ્યાપારીની ભક્તિ જોઇને એક દિવસ પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે હે પ્રભુ ! આ વ્યાપારી તમારો સાચો ભક્ત છે અને તે તમારી ભક્તિ પણ ખુબ જ કરે છે. તો તમે આ વ્યાપારીની મનોકામના પૂર્ણ કરો.
 
ભગવાન શિવે કહ્યું કે હે પાર્વતી આ સંસારમાં બધાને તેના કર્મોને અનુસાર જ ફળ મળે છે. તે છતાં પણ પાર્વતી માન્યા નહિ અને ભગવાનને કહ્યું કે તમારે આની ઇચ્છા પૂર્ણ કરવી જ પડશે. તે તમારો ખુબ જ સારો ભક્ત છે. અને તમારી ખુબ જ ભક્તિ કરે છે. તો તમારે તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપવું જ પડશે.
 
પાર્વતીનો આટલો બધો આગ્રહ જોઈને ભગવાન શિવે કહ્યું કે તમારા આગ્રહ પર હુ તે વ્યાપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપુ છું. પરંતુ તેનો પુત્ર 16 વર્ષથી વધારે નહી જીવે.
 
તે રાત્રે ભગવાને તે વ્યાપારીના સપનામાં દર્શન આપીને તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને તેને તે પણ જણાવ્યું કે તારો પુત્ર 16 વર્ષથી વધું નહી જીવે.
 
ભગવાનનું વરદાન મેળવીને વ્યાપારી ખુબ જ ખુશ થયો પરંતુ તેના પુત્રની મૃત્યુંની વાત સાંભળીને તેની ખુશી ઓછી થઈ ગઈ. વ્યાપારીએ પહેલાની જેમ જ સોમવારનું વ્રત વિધિપૂર્વક ચાલું રાખ્યું. થોડાક સમય બાદ તેના ઘરે એક સુંદર પુત્રનો જન્મ થયો. તેને ખુબ જ ધામધુમથી પુત્ર જન્મનો સમારોહ ઉજવ્યો.
 
વ્યાપારીને પુત્ર જન્મની ખુશી ન હતી કેમકે તેને તેના પુત્રના અલ્પ આયુષ્યની ખબર હતી. આ રહસ્ય તેના ઘરમાં તેના સિવાય કોઇ નહોતુ જાણતું. તેના પુત્રનું નામ વિદ્વાન બ્રાહ્મણોએ અમર રાખ્યું હતું.
 
જ્યારે અમર 12 વર્ષનો થયો ત્યારે તેને ભણવા માટે વારાણસી મોલવાનો નિર્ણય કર્યો. વ્યાપારીએ તેના મામા દિપચંદને બોલાવીને કહ્યું કે અમરને શિક્ષા માટે વારાણસી મુકતાં આવો. અમર અને તેન મામા વારાણસી માટે નીકળી પડ્યાં.
 
લાંબી યાત્રા બાદ અમર અને તેના મામા એક નગરમાં આવી પહોચ્યા. તે નગરના રાજાની પુત્રીના લગ્ન હોવાથી આખા નગરને શણગારવામાં આવ્યું હતું. ચોક્કસ સમય પર જાન તો આવી પરંતુ વરરાજાના પિતા ખુબ જ ચિંતિત હતાં કેમકે તેનો પુત્ર એક આંખે કાણો હતો. અને તેને એ બાબતનો ડર હતો કે જો આ વાત રાજાને ખબર પડી ગઈ તો તે લગ્નની ના પાડી દેશે અને તેની બદનામી થઈ જશે.
 
વરના પિતાએ અમરને જોયો તો તેઓના મગજમાં એક વિચાર આવ્યો કે આ છોકરાને વરરાજા બનાવીને તેને રાજકુમારી સાથે પરણાવી દઈએ વિવાહ પુર્ણ થયા બાદ તેને ઘણુ બધું ધન આપીને વિદાય કરી દઈશ અને રાજકુમારીને મારા નગરમાં લઈ આવીશ.
 
વરના પિતાએ અમરના મામા સાથે આ બાબતની વાત કરી તો તેને ધનની લાલચમાં આવીને વરના પિતાની વાત સ્વીકારી લીધી. અમરને વરરાજાના કપડા પહેરાવીને તેના લગ્ન રાજકુમારી સાથે કરી દીધા.
 
અમર જ્યારે પાછો આવી રહ્યો હતો ત્યારે તે આ વાત છુપાવી શક્યો નહી તેથી તેને રાજકુમારીની ઓઢણી પર લખી દીધું કે રાજકુમારી તમારા લગ્ન તો મારી સાથે થયાં છે હુ તો વારાણસીમાં શિક્ષા મેળવવા માટે જઈ રહ્યો છુ. હવે તમારે જે નવયુવકની પત્ની બનવાનું છે તે તો એક આંખે કાણો છે.
 
જ્યારે રાજકુમારીએ આ ઓઢણી પર લખેલું લખાણ વાંચ્યું ત્યારે તેને તે કાણા છોકરા સાથે જવાની ના પાડી દીધી. રાજાએ આ બધી વાતને જાણીને રાજકુમારીને પોતાના મહેલમાં જ રાખી લીધી. બીજી બાજું અમર તેના મામા સાથે વારણસી પહોચી ગયો અને ભણવાનું શરૂ કરી દીધું.
 
જ્યારે અમર 16 વર્ષનો થયો ત્યારે તેને એક યજ્ઞ કર્યો અને યજ્ઞની પૂર્ણાહૂતિ બાદ તેને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને અન્ન તેમજ વસ્ત્રનું દાન કર્યું. રાત્રે અમર સૂઇ ગયો તો ભગવાનના વરદાન મુજબ ઉંઘમાં જ તેના પ્રાણ ચાલ્યા ગયાં. સવારે તેના મામાએ તેને મૃત જોઇને રોકકળ ચાલુ કરી દીધી. આ જોઇને આજુબાજુના લોકો એકઠા થઈ ગયાં અને તેઓએ પણ દુ:ખ પ્રગટ કર્યું.
 
મામાનો રુદનનો અવાજ બાજુમાંથી પસાર થતાં શિવ અને પાર્વતીએ સાંભળ્યો અને પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે મારાથી આનું રુદન સહન થતું નથી તો તમે આ વ્યક્તિનું દુ:ખ અવશ્ય દૂર કરો.
 
તો ભગવાન શિવે જણાવ્યું કે આ તે જ વ્યાપારીનો પુત્ર છે જેને મે 16 વર્ષના આયુષ્યનું વરદાન આપ્યુ હતું. તેનું આયુષ્ય તો પુરૂ થઈ ગયું.
 
પાર્વતીએ ભગવાન શિવને ફરીથી નિવેદન કર્યું કે હે પ્રભુ! તમે આ છોકરાને ફરીથી જીવતદાન આપો. નહીતર તેના માતા-પિતા તેના પુત્રના મૃત્યુંને કારણે રોઇ રોઇને પોતાના પ્રાણ આપી દેશે. અને આ છોકરાના પિતા તો તમારા અનન્ય ભક્ત છે. તે વર્ષોથી સોમવારનું વ્રત કરીને તમારો ભોગ લગાવે છે. પાર્વતીના આગ્રહને કારણે ભગવાને તે છોકરાને ફરીથી જીવતદાન આપ્યું. થોડીક જ વારમાં તે જીવત થઈ ગયો.
 
શિક્ષા પુરી કરીને અમર તેના મામા સાથે પોતાના નગર તરફ ચાલી નીકળ્યો. બંન્ને ચાલતાં ચાલતાં તે જ નગરમાં પહોચ્યાં જ્યાં અમરના લગ્ન થયાં હતાં. તે નગરમાં પણ અમરે યજ્ઞનું આયોજન કર્યું. પાસેથી પસાર થતાં ત્યાંના રાજાએ તે યજ્ઞનું આયોજન જોયું.
 
રાજાએ અમરને તરત જ ઓળખી લીધો અને યજ્ઞ પુરો થયાં બાદ રાજા અમર અને તેના મામાને પોતાની સાથે મહેલમાં લઈ ગયો. થોડાક દિવસ સુધી રાજાએ તેઓને પોતાની પાસે રાખ્યાં અને ત્યાર બાદ તેઓને ઘણુ બઘું ધન આપને રાજકુમારી સાથે વિદાય કર્યા.
 
દિપચંદે નગરમાં પહોચીને એક દૂતને ઘરે મોકલ્યો અને પોતાના આગમનની સુચના આપી. પોતાના છોકરાને જીવીત પાછો ફરવાની સુચના મળવાથી વ્યાપારી ખુબ જ ખુશ થઈ ગયો.
 
વ્યાપારી અને તેની પત્ની બંન્ને જણાએ પોતાને એક રૂમમાં બંધ કરીને ખાવા-પીવાનું છોડી દીધું હતું અને નિશ્ચય કર્યો હતો કે જો પુત્રના મૃત્યુંના સમાચાર મળશે તો તેઓ બંન્ને જણા પણ પોતાના પ્રાણ ત્યાગી દેશે.
 
વ્યાપારી પોતાની પત્ની અને મિત્રો સાથે નગરના દ્રાર પર પહોચ્યો. પોતાના છોકરાના લગ્નના
સમાચાર સાંભળીને તેની ખુશીનું ઠેકાણુ ન રહ્યું. તે જ રાત્રે ભગવાન શિવે વ્યાપારીના સપનામાં આવીને કહ્યું કે તારી ભક્તિ જોઈને અને તુ સોમવારનું વ્રત ખુબ જ ભાવપૂર્વક કરતો હોવાથી હુ તારા પર પ્રસન્ન થયો છુ તેથી તારા પુત્રને લાંબી ઉંમરનું વરદાન આપુ છું. વ્યાપારી આ સાંભળીને ખુબ જ ખુશ થયો.
 
સોમવારનું વ્રત કરવાને કારણે વ્યાપારીના ઘરમાં ખુશીઓ પાછી આવી.
 
શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સોમવારનું વ્રત વિધિપૂર્વક કરશે અને તેની વાર્તા સાંભળશે તો તેની બધી જ ઇચ્છાઓ પૂર્ણ થશે.