શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (15:38 IST)

ઉછીના બે લાખ રૂપિયા લઈને ઓસ્ટ્રેલિયામાં રમશે ગુજરાત, જીતશે ગુજરાત

મહેસાણાના દોડવીર હેડ કોન્સ્ટેબલ ભાનુ ગોવિંદભાઈ ભરવાડ મિત્રો પાસેથી બે લાખ રૂપિયા ઉછીના લઈને ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભાગ લેવા રવાના થયા છે. ચાર માસ પહેલાં તેઓ સિંગાપુર ગયા હતા અને એ વખતની પણ તેમની રજા અને આર્થિક મદદ હજુ મંજુર થઈ નથી. એસપી ચૈતન્ય મંડલિકે કહ્યું કે, એ બાબત પ્રોસેસમાં છે અને આઈજીને ભલામણ કરી છે. આમ છતાં, તે મંજુર નહીં થાય તો મહેસાણા પોલીસ તેને મદદ કરશે. 1998થી 2012 સુધી પોલીસ ખાતામાં દોડમાં ચેમ્પિયન બનેલા ભાનુભાઈ છેલ્લા પાંચ વર્ષથી માસ્ટર એથલેટિક્સમાં પણ રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બને છે અને નેશનલ કક્ષાએ બે સિલ્વર મેડલ મેળવી ચૂક્યા છે. અત્યાર સુધી વિવિધ કક્ષાએ દોડની સ્પર્ધાઓમાં 28થી વધુ મેડલ મેળવનાર દોડવીર 2015માં ફ્રાન્સમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર એથ્લેટિક્સમાં 42 ક્રમે રહ્યા હતા. ચાર મહિના અગાઉ સિંગાપુરમાં યોજાયેલી એશિયન માસ્ટર એથ્લેટિક્સમાં 400 મીટરમાં સેમિફાઈનલમાં અને 800 મીટરમાં ફાઈનલમાં પહોંચ્યા હતા. 26 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયાના પર્થ સિટીમાં યોજાનારી વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપમાં ભારતની એથ્લેટિક ટીમમાં તેમની પસંદગી થઈ છે. તેઓ 400 અને 800 મીટર દોડની સ્પર્ધામાં ભાગ લેશે. ઉલ્લેખનિય છે કે, ફ્રાન્સની ટુરનો રૂ.2 લાખ જેટલો ખર્ચ તો તેમને વેલફેરમાંથી મળી ગયો હતો, પરંતુ સિંગાપુરની ટુરનો રૂ.80 હજાર જેટલો ખર્ચ અને રજાઓ હજુ સુધી નથી મળી તેનો વસવસો છે.