મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 20 મે 2022 (00:57 IST)

રાજ્યના રમત ઈતિહાસમાં પહેલીવાર ગર્લ્સ ટીમ વોલીબોલની રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બની, વાગતે ગાજતે સ્વાગત કરાયું

For the first time in the history of sports in the state, the girls team won the national volleyball tournament.
તાજેતરમાં મહારાષ્ટ્રમાં વોલીબોલ ની રાષ્ટ્રીય સ્પર્ધા રમાઈ હતી. તેમાં ગુજરાતની અન્ડર ૨૧ ગર્લ્સ ટીમે ભવ્ય દેખાવ કરીને,ફાઈનલ મેચમાં કેરાલાની છોકરીઓની કસાયેલી ટીમને હરાવીને વિજેતાપદ પ્રાપ્ત કર્યું છે. આ ટીમની યશસ્વી ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નડિયાદ ખાતે સંચાલિત વોલીબોલ પ્રશિક્ષણ એકેડેમી સાથે સંકળાયેલી છે. રાજ્યના રમત ઈતિહાસમાં પહેલીવાર ગર્લ્સ ટીમ વોલીબોલની રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બની છે.
 
જિલ્લા રમત વિકાસ અધિકારી જયેશ ભાલાવાલાની આગેવાની હેઠળ ગુજરાતને ગૌરવ અપાવનારી આ ટીમની સદસ્ય રમત વીરાંગનાઓ ને વહેલી સવારના ૫ વાગે રેલવે સ્ટેશન ખાતે વાજતે ગાજતે આવકારીને તેમની સિદ્ધિને વધાવવામાં આવી હતી. તેમના સ્વાગતમાં વડોદરા વોલીબોલ એસોસિએશનના પદાધિકારીઓ અને જિલ્લા કક્ષાની રમત પ્રશિક્ષણ શાળાઓમાં તાલીમ મેળવતા ૧૦૦ થી વધુ રમતવીરો અને વિવિધ રમતોના પ્રશિક્ષકો ઉત્સાહ સાથે જોડાયા હતાં.
 
આ સિદ્ધિ પ્રેરણા આપનારી છે તેવી લાગણી વ્યક્ત કરતા જિલ્લા રમત વિકાસ અધિકારી ભાલાવાલાએ જણાવ્યું કે વડોદરામાં ફૂટબોલ લોકપ્રિય છે પણ વોલીબોલ ઝાઝું રમાતું નથી. તેમાં પણ બહેનોમાં આ રમત ખાસ પ્રચલિત નથી. તેવા સમયે ગુજરાતની છોકરીઓની આ સિદ્ધિ વડોદરાના યુવા સમુદાયને વોલીબોલ રમવાની પ્રેરણા અને પ્રોત્સાહન આપશે. તેમણે વિજેતા ટીમ અને તેમના પ્રશિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે.