નેશનલ કરાટે ચેમ્પિયન શીપ-૨૦૨૨ માં વડોદરાની માહી પાઠકનો ડંકો, જીત્યા બે મેડલ
વ્યાયામ નગરી વડોદરાની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. હરિયાણા ખાતે ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન એન.કે.એફ કરાટે ડુ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત એન.કે.એફ.આઈ. ત્રીજી નેશનલ કરાટે ચેમ્પિયનશીપ-૨૦૨૨ માં વડોદરાની માહી પાઠકે સિલ્વર અને બ્રોન્ઝ એમ બે મેડલ જીતીને પોતાના માતા-પિતા, સમાજ સહિત કોચ, શાળા તેમજ વડોદરા શહેરનું નામ રાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે.
હરિયાણાની કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં યોજાયેલી આ ચેમ્પિયનશીપમાં માહી પાઠકે ‘IND KATA’ નામની ઇવેન્ટ અંતર્ગત ૧૪-૧૫ વર્ષ કેટેગરીમાં ઝળહળતો દેખાવ કરીને દ્વિતિય ક્રમાંક લાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. ઉપરાંત ‘IND KUMITE’ ઇવેન્ટ અંતર્ગત ૧૪-૧૫ વર્ષ અને +૫૪ કિ.ગ્રા. કેટેગરીમાં ત્રીજો નંબર મેળવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
હરિયાણા જઇને ગુજરાત અને વડોદરાનું નામ ચમકાવનાર માહી પાઠક હાલ શહેરની બ્રાઇટ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ધો. ૯ માં અભ્યાસ કરે છે. તેમની આ ઝળહળતી સિદ્ધિ બદલ તેના માતા-પિતા, શાળા અને કોચ ગૌરવસહ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. ૧૪ વર્ષની માહીની આ જ્વલંત સફળતા ખરેખર અભિનંદનને પાત્ર છે.