રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 જૂન 2017 (15:16 IST)

કોડીનારની ચેતના વાળાને વોલીબોલની રમતમાં ભારતીય મહિલા ટીમનું સુકાન સોંપાયું

રમત ગમત ક્ષેત્રે સૌરાષ્ટ્રના મહિલા, પુરૃષ ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રના કોડીનાર પંથકના નાના એવા સરખડી ગામની ચેતના વાળાને વોલીબોલની રમતમાં ભારતીય ટીમનું સુકાન સોંપાતા મહિલા ખેલાડીઓમાં ખુશીની લહેર ફેલાઈ છે. કોડીનાર ખાતે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ચેતના વાળાનાં નેજા હેઠળ ભારતીય મહિલા વોલીબોલ ટીમ હાલ ચીન ખાતે રમાઈ રહેલી પાંચ દેશોની બ્રિક્સ ગેમ્સ-ર૦૧૭માં ભાગ લઈ રહી છે.

ચેતના અને તેની બહેન કિંજલ છેલ્લા દસ વર્ષથી વોલીબોલ રમી રહી છે. જો કે, સરખડી ગામની અનેક મહિલા ખેલાડીએ રાજય તેમજ રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ દેખાવ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે. ચેતના વાળાની આ ત્રીજી આંતર રાષ્ટ્રીય સ્પર્ધા રમી રહી છે. બંન્ને બહેનો અગાઉ યુથ નેશનલ, જુનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ચૂકી છે. યુથ નેશનલ ટીમનું પ્રતિનિધિત્વ ચેતનાની બહેન કિંજલે કર્યું હતુ. એટલું જ નહી સૌરાષ્ટ્ર યુનિર્વિસટી વતી રહી ટીમને વેસ્ટ ઝોનમાં ચેમ્પિયન પણ બનાવી છે. જેને કારણે બંન્ને બહેનો ઝોનની ટીમ વતી પણ રમી ચૂકી છે. કોચ વાળાએ વધુમાં જણાવ્યું હતુ કે, ચેતનાની બહેન કિંજલની પણ ચીન ખાતેની ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં પસંદગી થઈ હતી. પરંતુ તેણીને પગમાં થયેલી ઈજાને કારણે તે ભારતીય ટીમ સાથે જોડાઈ ન હતી. ચેતના-કિંજલ સહિતની મહિલા ખેલાડીઓ વોલીબોલની પ્રેકટિશન પણ નાના એવા સરખડી ગામમાં જ કરતા હોવાનું અંતમાં કહ્યું હતુ. આમ નાના એવા સરખડી ગામની મહિલા ખેલાડીની વધુ એક આંતર રાષ્ટ્રીય સિધ્ધિને પગલે કોડીનાર પંથકની સાથે સૌરાષ્ટ્રભરમાં આનંદની લાગણી છવાઈ છે.