સુરતમાં વધુ એક ગ્રીષ્માકાંડઃ પ્રેમીએ છરીના ઘા મારી પ્રેમિકાને પતાવી દીધી, આરોપીની અટકાયત
સુરત શહેરમાં સચિન GIDC વિસ્તારમાં એક પ્રેમીએ તેની પ્રેમિકાને છરીના ઘા મારીને રહેંસી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં સચિન વિસ્તારમાં રહેતી 20 વર્ષીય નીલુ વિશ્વકર્માને પડોશમાં જ રહેતા 20 વર્ષીય શૈલેષ વિશ્વકર્મા સાથે પ્રેમ સંબંધ હતો. બંને એક જ ગામના વતની હોવાથી ત્રણ વર્ષથી એક બીજાના પ્રેમમાં હતાં. શૈલેષ નીલુ સાથે લગ્ન કરવાનો હતો. પરંતુ નીલુએ અન્ય યુવક સાથે લગ્નની વાત કરતાં જ તે ઉશ્કેરાયો હતો અને નીલુને તેના ઘરની બહાર જ છરીના ઘા માર્યા હતાં. ત્યાર બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો.
આખી સોસાયટીમાં આ હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ હતી. પોલીસે આરોપી શૈલેષ સામે ગુનો નોંધીને તેની અટકાયત કરી છે. આરોપી એમ્બ્રોઈડરીના કામ સાથે સંકળાયેલો છે. મૃતક યુવતીના પરિવારના જણાવ્યા પ્રમાણે આરોપી અને તેના પિતાએ અગાઉ પણ નીલુની સગાઈની વાત ચાલુ હતી ત્યારે મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે હત્યાને લઈને આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.