પ્રમુખસ્વામી મહારાજ એક એવા વિરલ ગુરુ છે કે જેઓ બોલે બહુ ઓછું, પરંતુ જ્યારે મુખ ખોલે છે ત્યારે એમાંથી સરતાં શાશ્વત સત્યોમાં માનવજાતને ઉદ્ધારવાનું સામર્થ્ય અનુભવાય. નહીં કોઈ શબ્દોની ઝાકઝમાળ, નહીં શબ્દોના આડંબર, કે નહીં પોતાના અસ્તિત્વની સભાનતા. એટલે જ તેઓ વાણી ઉચ્ચારે ત્યારે પરાવાણીની અનુભૂતિ વહેવા લાગે. પરમાત્મામય સ્વામીશ્રીની ધીર, ગંભીર અને ગંગાના શાંતપ્રવાહની જેમ વહેતી વાણીમાં અનુભવનું ઊંડાણ છે. એટલે જ એ વાણીએ અસંખ્ય પતિતોને પાવન કર્યા છે, લાખોની જીવનવાટિકાને લીલીછમ કરી છે, અનેકની ક્ષુલ્લકતાને મહાનતામાં બદલાવી છે, હતાશ લોકોનાં જીવનમાં ઊજ્જ્વળ શ્રદ્ધાનો પ્રકાશ પાથર્યો છે, કેટલાયનાં જીવનમાં નવો પ્રાણ ફૂંક્યો છે, અનેકના અહંકારનો પડદો ચીરીને પરમાત્માના દિવ્ય આનંદને માણવાનું સદભાગ્ય આપ્યું છે.
				  										
							
																							
									  
	 
	- જો માણસ સુધરશે તો કુટુંબ સુધરશે. કુટુંબ સુધરશે તો સમાજ સુધરશે. સમાજ સુધરશે તો દેશ સુધરશે. દેશ સુધરશે તો બ્રહ્માંડ સુધરશે. એટલે પહેલાં આપણે સુધરો. માણસ ધારે તો શું નથી થતું? પગે ચાલતો હતો ને પ્લેનમાં ઊડતો થઈ ગયો, ચંદ્ર ઉપર પણ ગયો. એમ માણસ ધારે તો સુધરી પણ શકે.
				  
	- આત્મા તેજસ્વી અને પ્રકાશમાન છે. એ આત્માના સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે દુનિયામાં બધું જ સારું લાગશે. કારણ કે એ પ્રકાશ જ એવો છે કે એમાં સર્વનું સારું જ દેખાય.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	- જેમ મલ્લો દરરોજ કુસ્તી કરે તો મજબૂત થાય; પોલીસખાતામાં રોજ લેફ્ટ-રાઇટ કરવું પડે; એમ કથાવાર્તાનો અખાડો હોય તો માણસનું ઘડતર થાય અને જ્ઞાન સિદ્ધ થાય છે.
				  																		
											
									  
	- પૈસાટકા, સમૃદ્ધિ કે કપડાં એ આપણી શોભા નથી, એ તો શરીરની શોભા છે. આપણી શોભા ભગવાન ને સંત મળ્યા એ છે.
				  																	
									  
	માણસ ગમે એટલું કરે, પણ ભગવાનની કૃપા ન થાય તો એનું કામ અધૂરું જ રહે.
	- ભગવાનની આજ્ઞાઓનું યથાર્થ પાલન કરીએ તો આપણને અંતરે શાંતિ રહે, બહાર પણ શાંતિ રહે.
				  																	
									  
	- ગમે તે કાર્ય કરો પણ પ્રથમ એકાગ્ર થવાની જરૂર છે. જે કાર્ય કરવું એનું જ નિશાન. ભગવાનને રાજી કરવા છે તો ખાતાં-પીતાં, નાહતાં-ધોતાં એક જ વૃત્તિ રહેવી જોઈએ.
				  																	
									  
	- પૂજા કરવા બેસીએ અને ટેલિફોન આવ્યો એવું ન થવું જોઈએ. ગમે તે લાઈનમાં જાવ પણ એકાગ્રતા વગર કશું જ સિદ્ધ થતું નથી. જે જે ભક્તો એકાગ્ર થયા છે એના ઉપર ભગવાન રાજી થયા છે.
				  																	
									  
	- લોકોને તિલક-ચાંદલો કરતાં શરમ આવે છે, પણ નાટક-ચેટકમાં જઈને નાચગાન કરવામાં શરમ નથી આવતી. છોકરો થઈને છોકરીનાં કપડાં પહેરે તોય શરમ નથી આવતી, ને ભગવાનની આજ્ઞાનો ચાંદલો કરવામાં શરમ આવે છે. જો તિલક-ચાંદલો કરીએ તો આપણને અંતર્દૃષ્ટિ થાય કે આપણાથી ખોટું થાય નહીં, દારૂ પીવાય નહીં, હૉટલ કે સિનેમામાં જવાય નહીં.
				  																	
									  
	નિયમ-ધર્મની દૃઢતા એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. આપણા વિકાસનું મુખ્ય કારણ છે.
	- ગમે એટલાં તપ, વ્રત, દાન કરીએ તો એનાથી પુણ્ય વધે, અને એવાં અનંત પુણ્ય ભેગાં થાય ત્યારે પ્રગટની પ્રાપ્તિ થાય છે.
				  																	
									  
	સંસાર-વ્યવહારમાં તડકા-છાંયડા આવવાના જ છે. દુઃખ, મુશ્કેલી બધું જ થશે. ભગવાન અને સંત મળ્યા છે તો પણ દુઃખ આવશે, પણ એમાં જો આત્મજ્ઞાન અને સમજણની દૃઢતા કરશો તો તડકો જતો રહેશે અને ટાઢક થશે, શાંતિ થશે. પછી તડકા અને છાંયડામાં સરખું લાગશે. બંનેમાં આનંદ રહેશે અને ભગવાનની ભક્તિ કરીને સુખિયા રહેવાશે.
				  																	
									  
	- ભજન કરવું, કથાવાર્તા કરવી કે સેવા કરવી એમાં ભગવાન પ્રસન્ન થાય એટલું જ માગવું. એમાં બધું આવી જાય.
				  																	
									  
	કારણ કે ભગવાનને આપવું હોય વધારે ને આપણે માગીએ થોડું તો આપણને ખોટ જાય. એટલે ભગવાનની પ્રસન્નતામાં બધું જ મળે છે. આ લોકના સંસાર-વહેવારમાં પણ શાંતિ મળે છે ને છેવટે અક્ષરધામનું શાશ્વત સુખ મળે છે. એટલે ભગવાનના રાજીપામાં ધાર્યું હોય એના કરતાં વધારે મળી જાય છે.
				  																	
									  
	- લોખંડ છે એ લાકડાની સાથે જડાઈ જાય તો પાણીમાં તરે છે, પણ એકલું લોખંડ નાખો તો ડૂબી જાય. એમ ભગવાન અને સંતને વિષે આત્મબુદ્ધિ થઈ જાય તો બેડો પાર થઈ જાય.
				  																	
									  
	- ગમે તે ધર્મમાં માનતા હો પણ સદાચારી બનો. સારું આચરણ કરશો તો તમે સુખી થશો, કુટુંબ સુખી થશે, સમાજ સુખી થશે. જીવનમાં નાનું-મોટું કોઈપણ પ્રકારનું વ્યસન ન રાખવું.
				  																	
									  
	- પ્રવૃત્તિ ને કામકાજ તો છે જ, પણ સાંજે બેસીને ઘરમાં ભગવાનની વાત કરવી, મંદિર કરવું, સંસ્કારો સચવાય એ માટે ભગવાનને રોજ પ્રાર્થના કરવી. ઘરમાં સારાં પુસ્તકો અને શાસ્ત્રોનું વાચન કરવું.
				  																	
									  
	- કોઈના માટે કરી છૂટવું, કોઈને સહકાર આપવો, એ મોટું પુણ્ય છે.
	- ભગવાનનો સંબંધ જેને જેને થયો એ નિર્ગુણ કહેવાય. ભગવાન માટે જે જે કરીએ એ આપણા આત્માના ઉત્કર્ષ માટે અને આત્માની શાંતિ માટે થાય છે.
				  																	
									  
	- વિશ્વાસે વહાણ ચાલે છે. વિશ્વાસે આ લોકનું કામ થાય છે. તો એવો જ વિશ્વાસ ભગવાનમાં, શાસ્ત્રોમાં, મંદિરોમાં અને સંતમાં હોય તો આપણું કામ બરોબર થઈ જાય.
				  																	
									  
	- આજ્ઞા અને ઉપાસના દૃઢ હશે તો દુનિયામાં ગમે ત્યાં જશો તોય વાંધો નહીં આવે ને સારામાં સારું જીવન જીવી શકશો.
				  																	
									  
	ઠંડી છે ને સ્વેટર પહેરીએ તો ઠંડીથી રક્ષણ થાય છે, એમ જો આત્મજ્ઞાન હોય તો પછી આ દેહ મારો નથી; આ નાત કે જાત મારી નથી; હું તો આત્મા છું, અક્ષર છું; એ વિચાર રહે. અને એ વિચાર કરીએ તો દુનિયાના શબ્દો લાગે જ નહીં.
				  																	
									  
	- કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા સિવાય સત્સંગ કરીએ તો ભગવાન આપણા આ લોક અને પરલોક બેય સુધારે છે.
	આ લોકના વ્યવહારમાં સુખ નથી, પણ જ્ઞાનની દૃષ્ટિ પ્રાપ્ત થાય તો વહેવારમાં હશો તોય વાંધો નહીં આવે.
				  																	
									  
	બ્રહ્મરૂપ થવા માટે ભીડો વેઠવો જ પડશે અને સહન કરવું જ પડશે.
	- ઘરમાં કોઈ એક વ્યક્તિ ખોટે રસ્તે ચડી એટલે આખું ઘર ખોટું થઈ ગયું ? ગામમાં બે માણસો ખરાબ નીકળે તો આખું ગામ ખરાબ થઈ ગયું ? સ્કૂલમાં બે માસ્તરો ખરાબ નીકળે તો આખી સ્કૂલ ખરાબ થઈ ગઈ ? કોઈ ડૉક્ટર એવા નીકળે તો દવાખાનાં જ ન જોઈએ એવું કહીએ છીએ ? પોલીસોમાં કોઈ ખરાબ હોય તો એમ કહીએ છીએ કે બધાને કાઢી મૂકો ? સમાજમાં પણ બે-પાંચ એવા હોય તો આખો સમાજ ખરાબ થઈ જતો નથી. એમ ધર્મના કામમાં એવું ક્યાંક લાગ્યું હોય, સાંભળ્યું હોય, એણે કરીને ધર્મ ખોટો થઈ જતો નથી. આ તંત્ર ભગવાન અને એવા સંતો થકી ચાલે છે – એ વાત સાચી માનીને એમના તરફ આદર રાખો. ભલે, તમે એમના શિષ્ય ન બનો, પણ સારું છે એટલું માનીને ચાલશો તો શાંતિ અને સુખ થશે.
				  																	
									  
	- ભગવાન બધે જ છે, બધે વ્યાપેલા છે, એમ જીવ-પ્રાણીમાત્રમાં પણ રહે છે. આ જ્ઞાન દૃઢ થાય તો પછી બીજાને દુઃખી કરવાનું રહે જ ક્યાં ? બીજાને મારવા જઈ શકાય જ કેમ ? બીજાના પૈસા શું કામ લૂંટવા જોઈએ ? બીજાને શું કામ હેરાન કરીએ ? તમારા ઘરમાં ક્લેશ શા માટે થાય ? સમાજમાં ક્લેશ શા માટે થાય ? દરેકમાં ભગવાન જુએ તો બધું જ દિવ્ય દેખાય અને ખોટું થાય જ નહીં, રાગ-દ્વેષ પણ થાય નહીં.
				  																	
									  
	- ચંદ્ર ઉપર માણસ ગયો એ સાંભળ્યું છે, વાંચ્યું છે, પણ જોયું છે ખરું ? અહીં બેઠા છે એમાંથી કોઈએ જોયું નહીં હોય ! ફક્ત સાંભળ્યું જ છે, છતાં બધાને વિશ્વાસ છે કે ચંદ્ર ઉપર માણસ ગયો જ છે, કારણ કે વૈજ્ઞાનિકોએ કહ્યું. વૈજ્ઞાનિકમાં વિશ્વાસ છે એટલે વાત માની લીધી. વૈજ્ઞાનિકોની વાત સાચી માનીએ છીએ, એ જ રીતે શાસ્ત્રમાં લખેલી વાત પણ સત્ય-સનાતન છે. એમાં જે લખ્યું છે એ સત્ય છે. આ રીતે વિશ્વાસ રાખવો.
				  																	
									  સાભાર પ્રમુખ સ્વામી સંસ્થા