1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (21:56 IST)

Tokyo Paralympic 2020 : ભાવિના પટેલની ઐતિહાસિક ઉપલબ્ધિ, ટેબલ ટેનિસના સેમીફાઈનલમા સ્થાન બનાવી મેડલ કર્યુ પાક્કુ '

Tokyo Paralympic 2020
ટોક્યો પેરાલિમ્પિક્સ-2020 (Tokyo Paralympic-2020)માં ભાગ લેનાર ભારતની મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. તેમણે વર્ગ-4 ની ક્વાર્ટર ફાઇનલ જીતીને વિમેન્સ સિંગલ્સ કેટેગરીની સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યુ છે. ભાવિનાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન સર્બિયાના બોરીસ્લાવા પેરિકને 18 મિનિટમાં 3-0થી હરાવી હતી. ભાવિનાએ મેચ 11-5, 11-6, 11-7થી જીતી. આ સાથે ભાવિનાએ દેશ માટે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ પાક્કો કર્યો છે. તે પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર ભારતની પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બનશે. સેમીફાઈનલમાં તેનો મુકાબલો ચીનની મિયાઓ ઝાંગ સામે થશે. તે આ ગેમ્સમાં સેમિફાઇનલમાં પહોંચનાર ભારતની પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી છે.
 
મેચ જીત્યા બાદ ભાવિનાએ કહ્યું, “હું આખા દેશનો આભાર માનવા માંગુ છું કારણ કે હું તેમના કારણે જ અહીં સુધી પહોંચી છું. આજે ક્વાર્ટર ફાઇનલ જીતીને આવી છું. કાલે મારી સેમીફાઇનલ છે. મારા પર આવો જ પ્રેમ રાખજો  અને તમારો પ્રેમ મોકલતા રહેજો.”  આ પહેલા આજે વહેલી સવારે ભાવિનાએ રાઉન્ડ ઓફ 16 ના મેચ નંબર 20 માં બ્રાઝિલના ઓલિવિરાને હરાવી હતી.  ભાવિના પટેલે આ મેચ પણ 3-0થી જીતી હતી. ભાવિનાએ પ્રથમ ગેમ 12-10, બીજી ગેમ 13-11 અને ત્રીજી ગેમ 11-6થી જીતી હતી. આ જીત સાથે ભાવિના પટેલ દેશ માટે મેડલ જીતવાની એક ડગલું નજીક આવી ગઈ છે. સારી વાત એ છે કે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિનાનું ફોર્મ શાનદાર દેખાઈ રહ્યું છે અને તે એક પછી એક તેની મેચ  જીતતી દેખાય રહી છે. 

 
આ રીતે પાક્કુ કર્યુ પદક 
 
ટોક્યો પેરાલિમ્પિક ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ પ્લે-ઓફ મેચ થશે નહીં અને સેમી ફાઇનલ હારનાર બંનેને બ્રોન્ઝ મેડલ મળશે. ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ દીપા મલિકે ટ્વિટર પર જાહેર કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, "આ ચોક્ક્સ છે કે અમે તેને મેડલ જીતતા જોઈશું. આવતીકાલે સવારની મેચ (સેમીફાઇનલ)દ્વારા એ નક્કી થશે કે એ કયા રંગનો મેડલ જીતશે.
 
આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ (IPC) ની સંચાલન સમિતિએ 2017 માં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશન તરફથી તમામ મેડલ ઇવેન્ટ્સમાં ત્રીજા સ્થાનની પ્લે-ઓફને દૂર કરવા અને હારી ગયેલા બંને સેમિફાઇનલિસ્ટને  બ્રોન્ઝ મેડલ આપવાની વિનંતી સ્વીકારી હતી.