મહાકાલની નગરી ઉજ્જૈનના જોવાલાયક મંદિર
ઉજ્જૈન: વિક્રમાદિત્યની અવંતિકા જેની રક્ષા કાળોના કાળ મહાકાળ કરે છે. આ નગરીને મ. પ્ર. ની રાજધાનીની ઉપાધિ મળેલ છે. શહેરની દરેક ગલી, ચોક અને વળાકો પર એક સુંદર મદિર જોવા મળે છે. ઉજ્જૈન પ્રાચીનકાળમાં અવંતિ, અવંતિકા, ઉજ્જયીની, વિશાલા, નંદની, અમરાવતી, કનકશ્રૃંગા, પદ્માવતી, પ્રતિકલ્પા, ચૂડામણી વગેરે નામોથી ઓળખાતું હતું.
ઉજ્જૈન તેના મંદિરોના સિવાય પણ સમ્રાટ વિક્રમાદિત્ય અને મહાકવિ કાલિદાસના કારણે પ્રખ્યાત છે. વિશ્વ પ્રસિધ્ધ નાટ્યકાર કાલિદાસે તેઓના જીવનના 50 વર્ષ અહીંયા જ વિતાવ્યાં હતાં. ઉજ્જૈનમાં પવિત્ર નદી ક્ષિપ્રા પણ વહે છે. ક્ષિપ્રાનો અર્થ થાય છે ધીમો વેગ. આ નદીના કિનારે બાર વર્ષે એક વખત મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
જોવા જઈએ તો મ.પ્ર. ભારતનું હ્રદય સ્થળ છે અને મ.પ્ર.ની વચ્ચે આવેલું છે ઉજ્જૈન. અવંતિપુરી એટલે કે ઉજ્જૈનનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ કરતાં પણ વધારે જૂનો છે. ઇ.સ. પૂર્વે પાંચમી છઠ્ઠી સદીમાં સોળ જનપદો અને રાષ્ટ્રોમાંથી એક અવંતિ જનપદનો ઉલ્લેખ હતો. કાળગણનાનાં ક્ષેત્રમાં ઉજ્જૈન નગરનું યોગદાન અવિસ્મરણીય છે. સ્ટાન્ડર્ડ ટાઇમ માટે આજે જે મહત્તા ગ્રીનવીચ કરી છે તે ક્યારેક ઉજ્જૈનની હતી.
ધર્મ અને કર્મના આ નગરના પ્રમુખ આકર્ષણ: મહાકાલ મંદિર : શિવજીના બાર જ્યોતિર્લીંગોમાંનુ એક છે મહાકાલ મંદિર. શિવ પુરાણમાં આપેલી કથાનુસાર દુષણ નામના રાક્ષસના અત્યાચારોને લીધે જ્યારે ઉજ્જૈનના લોકો ત્રસ્ત થઈ ગયાં ત્યારે તેઓએ શિવની ઉપાસના કરી. આરાધનાને લીધે પ્રસન્ન થઈ શિવ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. રાક્ષસનો નાશ કર્યો અને ભક્તોના આગ્રહને કારણે ઉજ્જૈનમાં જ્યોતિર્લીગ રૂપે પ્રતિષ્ઠિત થયાં.
મહાકાલનું શિવલિગ દુનિયાનું એકમાત્ર દક્ષિણામુખ શિવલિંગ છે. તંત્રની નજરે આને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે, વર્તમાન મંદિર મરાઠાકાલિન માનવામાં આવે છે. આનો જીર્ણોધ્ધાર આજથી લગભગ 250 વર્ષ પહેલા સિંધીયા રાજઘરાનાનાં દિવાન બાબા રામચંદ્ર શેનવીએ કરાવ્યો હતો. મહાકાલ શિવલીંગ દુનિયાનું એકમાત્ર શિવલિંગ છે જ્યાં ભસ્મ આરતી કરવામાં આવે છે.
ભસ્મ આરતીના સમયે શિવજીને ગાયના છાણથી બનેલ રાખથી સજાવવામાં આવે છે. પહેલા અહીયાં મડદાની ભસ્મથી આરતી કરવામાં આવતી હતી પરંતુ ત્યાર બાદ અહીયાં ગાયના છાણની ભસ્મનો ઉપયોગ થવા લાગ્યો. અહીંયાં સોમવારે અને શ્રાવણ મહિનામાં લાખો શ્રધ્ધાળુઓ આવે છે. શ્રાવણમાં અહીંયા ખાસ કરીને શ્રાવણ મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં પંડિત જસરાજ મહારાજથી લઈને પંડિત બીરજૂ મહારાજ જેવા ખ્યાતિમાન કલાકારો ભાગ લે છે.
કાલભૈરવ મંદિર: આશ્ચર્ય અને આસ્થાનું અદભૂત મિશ્રણ છે કાલભૈરવ મંદિર. અહીંયા ભૈરવબાબાની મૂર્તિ દારૂ પીવે છે. આને લઈને ઘણી તપાસ કરવામાં આવી છે પરંતુ કોઇ પણ રીતે એ જાણવા નથી મળ્યુ કે આખરે દારૂ ક્યાં જાય છે. વામમાર્ગી તાંત્રીકોનું આ પ્રમુખ મંદિર માનવામાં આવે છે. અહીંયા ઘણા પ્રકારની તંત્ર ક્રિયાઓ પણ કરવામાં આવે છે. ઉજ્જૈન આવનાર દરેક મહાકાલ બાદ તુરંત જ આ મંદિરે જાય છે.