બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2018-19
Written By
Last Modified: શનિવાર, 20 જાન્યુઆરી 2018 (13:21 IST)

રાજ્યનું બજેટ રુ.1.95 લાખ કરોડ હશે, ‘દેવું કરીને દિવાળી કરવા’ જેવો ઘાટ

રાજ્યના વાર્ષિક બજેટ 2018-19 માટે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 19મી ફેબ્રુઆરીથી 28મી માર્ચ સુધી મળવાનું છે. જે દરમિયાન 20મી ફેબ્રુઆરીએ નાણામંત્રી નીતિનભાઈ પટેલ વર્ષ 2018-19નું વાર્ષિક બજેટ રજૂ કરશે. આ વખતે રાજ્ય સરકારના બજેટનું કુલ કદ રુપિયા 1.95 લાખ કરોડ જેટલું રહે તેવી સંભાવના છે. બજેટના કુલ કદનો સામાન્ય અર્થ એ થાય છે કે, જે તે વર્ષના અંત સુધીમાં બજેટના કુલ કદ જેટલી રકમ રાજ્ય સરકાર દ્વારા ખર્ચાશે.ચાલુ વર્ષ 2017-18ના જુલાઈ માસથી વેટ સહિતના વેરા નાબૂદ કરીને તેના બદલે જુલાઈ-2017થી જીએસટીનો અમલ શરુ કરાયો છે

જોકે, તેના પ્રથમ વર્ષે જીએસટીની આવકમાં ઘટાડો નોંધાયો છે અને વેરાની ધાર્યા મુજબની આવક થઈ નથી પરંતુ વેટની આવકની સરખામણીમાં જીએસટીની આવકમાં ઘટાડા જેટલી રકમ ભારત સરકાર દરેક રાજ્યોને સરભર કરી દેવાની હોવાથી રાજ્ય સરકારને વેરાની આવક અંગે કોઈ ખાસ ચિંતા નથી.રાજ્યના નાણા વિભાગ દ્વારા બજેટની તૈયારીઓ ગત સપ્ટેમ્બર-ઓકટોબર માસથી જ શરુ કરી દેવાઈ હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને કારણે કેટલીક ઢીલ રખાઈ હતી જ્યારે હવે નવી સરકાર શાસનમાં આવ્યા બાદ ફરી એકવાર બજેટ માટેની બેઠકોનો ધમધમાટ શરુ થયો છે. ટૂંક સમયમાં જ દરેક વિભાગો પાસેથી તેમના આગામી વર્ષ માટેની ચાલુ યોજનાઓ, નવી યોજનાઓની વિગતો લેવામાં આવી રહી છે. જે યોજનાઓ પાછળ ચાલુ વર્ષમાં કોઈ ખર્ચ થયો ન હોય તેવી યોજનાઓ આ વખતે પડતી મૂકવાની ગણતરી છે.ફેબ્રુઆરીની 20મી તારીખે રાજ્ય સરકારનું બજેટ રજૂ થવાનું હોવાથી છેલ્લા દિવસોમાં બજેટને આખરી રૂપ આપવામાં આવશે પરંતુ હાલની સ્થિતિએ આગામી બજેટની વિગતોની સંભાવનાઓ જરૂર વ્યક્ત થઈ રહી છે.  અહીં ચોંકાવનારી બાબત એ છે કે, બજેટની આવક મુજબનો બીજા નંબરનો હિસ્સો એટલે કે 16થી 18 ટકા જેટલી રકમ સરકાર, જાહેર દેવું કરીને મેળવે તેવી શક્યતા નકારી શકાતી નથી.આ ઉપરાંત જીએસટી સિવાયના અન્ય વેરાની આવકમાંથી 15 ટકા રકમ મેળવવાની ગણતરી હોઈ શકે છે. ભારત સરકાર દ્વારા ગુજરાતમાંથી જે વિવિધ વેરાની રકમ વસુલાય છે અને તેમાંથી રાજ્યને જે હિસ્સો મળે છે. તે પેટે આશરે 14 ટકા રકમ ગુજરાતને મળે તેવી સંભાવના છે. એવી જ રીતે ભારત સરકાર દરેક રાજ્યોને જે સહાયક અનુદાન આપે છે. તેમાંથી ગુજરાતને તેના બજેટની કુલ આવકની 9 ટકા જેટલી રકમ મળી શકે છે. કરવેરા સિવાયની આવક પેટે કુલ બજેટની 12 ટકા રકમ મળશે.