બુધવાર, 7 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Updated: ગુરુવાર, 9 જૂન 2022 (14:32 IST)

SUKANYA SAMRIDDHI YOJANA- સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે અને કેવી રીતે દીકરીના ભવિષ્ય માટે 71 લાખ રૂપિયા મળે?

સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી- ભારત સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi yojana) શરૂ કરતાં કહ્યું હતું કે 'દીકરી પ્રકાશમય દીવડા જેવી હોય છે.' આ નાની બચત યોજના માત્ર નાની છોકરીઓ માટે જ છે.
 
છોકરી 21 વર્ષની થાય પછી આ યોજનાના લાભ મળે છે. દીકરીનાં શિક્ષણ તથા લગ્નના ખર્ચ માટે આ યોજનાનો લાભ મળે, એવો આ યોજનાનો ઉદ્દેશ છે.
 
આ યોજનામાં ખાતાધારક ચૂક્યા વિના નાણાં જમા કરાવતા રહે તો યોજનાની મુદ્દત પૂર્ણ થયા પછી 71 લાખ રૂપિયા મળી શકે છે. એ ઉપરાંત મુદ્દત પૂર્ણ થયા પછી મળતાં નાણાં કરમુક્ત હશે.
 
સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે  - 
ઘર નજીકની પોસ્ટ ઑફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી શકાય
 
છોકરીઓ સંદર્ભે સમાજની માનસિકતા આજે પણ બદલાઈ નથી. એ માનસિકતા બદલવા અને છોકરીઓના ભવિષ્યનો વિચાર કરીને કેન્દ્ર સરકારે 2015ના જાન્યુઆરીમાં 'બેટી બચાઓ, બેટી પઢાઓ' નીતિ રજૂ કરી હતી.
 
આ નીતિનો એક ભાગ છે કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના.
 
છોકરીઓ સંબંધી આર્થિક બોજો તેમનાં માતા-પિતા કે વાલીઓ પર ન પડે એ સુનિશ્ચિત કરવાના હેતુસર આ યોજના શરૂ કરવામાં આવી છે.
 
દીકરીઓના ભાવિને ધ્યાનમાં રાખીને તેમનાં શિક્ષણ તથા લગ્નના ખર્ચનો વિચાર આ યોજનામાં કરવામાં આવ્યો છે.
 
કોણ-કોણ આ યોજનાનો લાભ લઈ શકે?
સુકન્યા સમૃદ્ધિ યોજનાને લોકોનો સારો પ્રતિભાવ મળ્યો છે
પરિવારમાં દીકરીના જન્મનાં પહેલાં દસ વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તેમનું ખાતું ખોલાવવું અનિવાર્ય છે. ખાતાધારક ભારતીય નાગરિક હોવા જોઈએ અને ખાતું માત્ર દીકરીના નામે જ ખોલાવી શકાય છે.
 
સિંગલ પૅરન્ટ અથવા કાયદેસરનાં માતા-પિતા દીકરીનાં નામે બે ખાતાં ખોલાવી શકે છે. અપવાદરૂપ કિસ્સામાં જ કેટલીક છૂટ આપવામાં આવે છે.
 
આ યોજના માટે 250 રૂપિયા જમા કરાવીને ખાતું ખોલાવી શકાય છે. એ પછી પ્રત્યેક વર્ષે તેમાં દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે.
 
ખાતું ખોલાવ્યા પછીનાં 15 વર્ષ સુધી ક્યારેય ચૂક્યા વિના ખાતામાં પૈસા જમા કરાવતા રહેવું જરૂરી છે. એકાઉન્ટ ખોલ્યાનાં 21 વર્ષ પછી યોજનાની મુદ્દત પૂર્ણ થશે ત્યારે ખાતેદારને જમા થયેલાં નાણાં તમામ લાભ સાથે મળશે.
 
આ વાત ઉદાહરણથી સમજીએ.
તમે દર મહિને 1,000 રૂપિયા જમા કરાવતા રહો તો મૅચ્યૉરિટી સમયે પાંચેક લાખ રૂપિયા મળે.
તમે ચૂક્યા વિના દર મહિને 12,500 રૂપિયા 15 વર્ષ સુધી જમા કરાવતા રહો તો મેચ્યોરિટી વખતે તમને 71 લાખ રૂપિયા મળી શકે.
તમે ચૂક્યા વિના પ્રતિ વર્ષ કુલ 60,000 રૂપિયા 15 વર્ષ સુધી જમા કરાવતા રહો તો મૅચ્યૉરિટી વખતે 28 લાખથી વધુ રૂપિયા મળે.
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દેશની કોઈ પણ પોસ્ટ ઑફિસ કે સરકારી અને કૉમર્શિયલ બૅન્કમાં ખાતું ખોલાવી શકાય છે.