બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : સોમવાર, 2 એપ્રિલ 2018 (10:09 IST)

Fish Aquarium - ઘરમાં માછલીઘર રાખવાથી સંપ વધે છે

રંગીન માછલીઓને જોવાનો એક લહાવો હોય છે. સમુદ્રમાં માછલી જોવા મળે તો બાળકો પણ કુતુહલવશ તેની પ્રવૃત્તિને બે ઘડી માણી લેતાં હોય છે. કોઇ હોટલ કે મલ્ટીપ્લેક્સમાં માછલીઘર જોવા ઘર પરિવારના સભ્યો ટોળે વળીને ઉભા જોવા મળે છે. નિરૃપદ્રવી માછલીઓ માનવજીવન માટે ખોરાક ઉપરાંત બીજી અનેકરીતે ઉપયોગી છે તેવું વૈજ્ઞાાનિક સંશોધન થયું છે.

રંગીન માછલીઓને ઘરમાં પાળવાની પ્રથા સૌ પ્રથમ એશિયન અને ઇજીપ્શીયનોએ શરૃ કરી હતી. તેઓ નાની રંગીન માછલીઓને પહેલાં કાચના વાસણમાં પાણી ભરીને રાખતાં હતા. ચોક્કસ પસંદ કરેલી રંગીન માછલીઓનું પ્રથમ પ્રજનન ચીને કર્યું હતું, જેમાં ગોલ્ડફીશનો ઉછેર રાજવંશી લોકોએ કર્યો હતો. 16મી સદીમાં યુરોપના દેશોમાં કાચના બાઉલમાં માછલી રાખવાનો પ્રચાર શરૃ થયો હતો.

મત્સ્યોદ્યોગ વિભાગમાંથી નિવૃત્ત થયેલાં અધિક્ષક બળવંતરાય પટેલના જણાવ્યા પ્રમાણે દેશ અને દુનિયામાં માછલીઘર રાખવાના ફાયદા અંગે વૈજ્ઞાાનિક ધોરણે સંશોધનો થયાં છે. હમણાં થયેલા એક સંશોધન પ્રમાણે માછલીઘર રાખતાં પરિવારોમાં માછલીની જેમ સંપ વધારે જોવા મળે છે. હૃદયરોગના દર્દીઓ અને બ્લડપ્રેશરના લોકો માટે આ પ્રવૃત્તિ અત્યંત ફળદાયી સાબિત થઇ છે. કેટલાક દર્દીઓ પર થયેલા પ્રયોગોએ એ સાબિત કર્યું છે કે તેમની તકલીફોમાં રાહત થઇ છે. ઘરમાં થતાં નાના-મોટાં ઝઘડાઓ વખતે પળવાર માછલીઘર પર નજર પડે તો તરત જ ગુસ્સા પર કાબુ આવી જાય છે. ક્યારેક અઘટિત ઘટનાથી આ માછલીઘર બચાવે છે.

નિષ્ણાંતો નોંધે છે કે માછલીઘર હોય તેવા ઘરમાં આપઘાતના બનાવો બનતાં નથી. વ્યક્તિ કોઇ સમયે ચિંતામાં વ્યગ્ર બની જાય તે સમયે માછલીઘર પાસે બે ઘડી બેસે તો તે ચિંતામુક્ત થયાના દાખલા જોવા મળ્યાં છે. સારા વિચારો અને જીવન પ્રવૃત્તિમય બનાવવા માછલીઘર ઘરમાં હોવું જોઇએ તેવું આ નિષ્ણાંત માને છે. તેમના જણાવ્યા પ્રમાણે ફ્રેશ અને કોલ્ડ વોટર ફીશ પર પસંદગી ઉતારવી જોઇએ. એક્વેરિયમ રાખનારો મોટો વર્ગ કોલ્ડ વોટર ફીશ પસંદ કરે છે. આ પદ્ધતિ ખૂબ જૂની છે અને તે માછલીનું આયુષ્ય 10 વર્ષ સુધીનું હોય છે.

માછલીઘરમાં કઇ માછલી રાખી શકાય તે અંગે બળવંતરાય કહે છે કે ટાઇગર બાર્બ, ઝીબ્રા ડેનિયો, રેડ ટેઇલ શાર્ક, નિયોન ટેટ્રા, એંજલ, ડીસ્કસ, બ્લુ ગૌરામી, બ્લેક મોલી, ગપ્પી, સ્વોર્ડ ટેઇલ, પ્લેટી, રેડ ઓસ્કાર અને સક્કર રાખી શકાય પરંતું ગોલ્ડફીશની બાર જાતિઓમાંથી પસંદગી કરવી ઉત્તમ છે. વાસ્તુશાસ્ત્રમાં પણ કહેવાયું છે કે ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રાખવું હોય તો ઘરમાં નાનું કે મધ્યમકદનું માછલીઘર વસાવવું જોઇએ. ઘણાં ફિઝિશિયન પણ દર્દીઓને રાહત માટે તેની ભલામણ કરતા હોય છે.