સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. જાગૃત મતદાર
Written By
Last Modified: શનિવાર, 16 માર્ચ 2024 (20:28 IST)

લોકસભા ચૂંટણી 2024 : કોણ ચૂંટણી ના લડી શકે અને કોણ મત ના આપી શકે?

ભારતમાં લોકસભાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાઈ રહી છે. ભારતની સામાન્ય ચૂંટણીમાં કરોડો લોકો મતદાન કરે છે. ચૂંટણીપ્રક્રિયામાં લાખોની સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ યોગદાન આપે છે. તો આ સાથે જ આ ચૂંટણીઓમાં હજારો ઉમેદવારો પોતાનું નસીબ અજમાવે છે.
 
ભારતના બંધારણ મુજબ સામાન્ય ચૂંટણીમાં તે જ લોકો મતદાન કરી શકે જેમનાં નામ મતદાનયાદીમાં હોય. ત્યારે ચાલો જાણીએ કે ભારતમાં યોજાનારી ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે, કોણ લડી શકે છે અને કોણ લડી નથી શકતું?
 
મતદાન કરવાનો અધિકાર કોને છે?
 
ભારતનું બંધારણ પુખ્ત વયના તમામ લોકોને મત આપવાનો અધિકાર આપે છે, એટલે કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના બધા જ લોકો. આવી વ્યક્તિએ મતદાન કરવા માટે નોંધણી કરાવવાની હોય છે.
 
મતદાન કરવાનો અધિકાર ફક્ત ભારતીય નાગરિકને હોય છે, એટલે કે જે ભારતના નાગરિક નથી તે મતદાન ના કરી શકે. આ ઉપરાંત, જે પણ ભારતીય નાગરિકનું નામ મતદાનયાદીમાં નથી તે પણ મતદાન ના કરી શકે.
 
આ સિવાય ચૂંટણી સંબંધિત ગુના કે ગેરવર્તનને કારણે ગેરલાયક ઠરેલી વ્યક્તિ ન તો પોતાનું નામ મતદારયાદીમાં નોંધી શકે છે, ન તો મતદાન કરી શકે છે.
 
જે લોકોનાં નામ એકથી વધુ મતદારયાદીમાં છે તેઓ પણ મતદાન કરી શકે નહીં.
 
જો કોઈ વ્યક્તિ એનઆરઆઈ છે અને તેમણે અન્ય દેશની નાગરિકતા નથી લીધી તો તેને મત આપવાનો અધિકાર છે. જોકે અન્ય દેશની નાગરિકતા લીધા બાદ ભારતીય ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ખતમ થઈ જાય છે.
 
જે લોકો માનસિક રીતે વિકલાંગ છે અને કોર્ટ દ્વારા તેમને માનસિક રીતે વિકલાંગ જાહેર કરવામાં આવ્યા છે તેઓ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકતા નથી અને તેમને મતદાર ઓળખકાર્ડ આપવામાં આવતાં નથી.
 
આ ઉપરાંત, જેમને મત આપવાનો અધિકાર છે તેઓ માત્ર ચૂંટણીપંચ દ્વારા ઊભા કરાયેલા મતદાનકેન્દ્રમાં જ પોતાનો મત આપી શકે છે અને અન્ય કેન્દ્રો પર તેનો ઉપયોગ કરી શકાતો નથી.
 
ચૂંટણી કોણ લડી શકે?
 
ભારતીય બંધારણના અનુચ્છેદ 84-એમાં જણાવવામાં આવ્યું છે કે કોણ સંસદસભ્ય બનવા પાત્ર છે. એ અનુસાર જે ભારતના નાગરિક નથી તેની પાસે ચૂંટણી લાડવાનો અધિકાર નથી.
 
લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવા માટેની લઘુત્તમ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવી છે અને તેનાથી ઓછી વયની વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં.
 
જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 4(ડી) મુજબ, જે વ્યક્તિનું નામ સંસદીય મતવિસ્તારની મતદારયાદીમાં નથી તે ચૂંટણી લડી શકે નહીં.
 
તેવી જ રીતે જે વ્યક્તિને કોઈ કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા થઈ હોય તેવી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં.
 
મતદારયાદીની માહિતીમાં ભૂલ હોય તો તેને કેવી રીતે સુધરાવવી?
મતદારયાદીમાં નામ નોંધાયા બાદ જો કોઈ ભૂલ રહી ગઈ હોય તો મતદાર ફૉર્મ-8 ભરીને તેમાં સુધારો કરી શકે છે.
 
ફૉર્મ 8 થકી મતદાર પોતાનું સરનામું પણ બદલાવી શકે છે.
 
આ સિવાય આ ફૉર્મ-8 દ્વારા મતદાન ઓળખપત્ર પણ બદલી શકાય છે.
 
પોતાની વિકલાંગતા વિશે માહિતી આપવા માટે પણ મતદારે ફૉર્મ-8 જ ભરવાનું હોય છે.
 
દૃષ્ટિહીન મતદારો કેવી રીતે મતદાન કરી શકે?
વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ 2016ની કલમ 11માં જણાવવામાં આવ્યું છે કે ચૂંટણીપંચ અને રાજ્ય ચૂંટણીપંચ એ સુનિશ્ચિત કરે કે તમામ મતદાનમથકો પર વિકલાંગ વ્યક્તિ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે.
 
આ ઉપરાંત, આ અધિનિયમમાં એ પણ ઉમેરવામાં આવ્યું છે કે, ચૂંટણીપ્રક્રિયાને લાગતી તમામ સામગ્રી લોકોને સરળતાથી મળી રહેવી જોઈએ અને તે સામાન્ય વ્યક્તિને સમજાય તેવી હોવી જોઈએ.
 
વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ હેઠળ 21 વિકલાંગતાઓમાં દૃષ્ટિની ક્ષતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
 
મતદાનમથક પર દૃષ્ટિહીન મતદારોને બ્રેઇલ લિપિમાં ડમી મતપત્રક આપવામાં આવે છે. ડમી બૅલેટ શિટને વાંચ્યા બાદ દૃષ્ટિહીન મતદારને વોટ નાખવામાં માટે મતદાનમથકમાં પ્રવેશ આપવામાં આવે છે.
 
ડમી બૅલેટ શિટ વાંચ્યા પછી, આવા મતદારો ઈવીએમ પર બ્રેઇલ લિપિમાં નોંધાયેલી વિગતો અને તેમની પસંદગીના ઉમેદવારનો સિરીયલ નંબર વાંચીને પોતાનો મત આપી શકે છે.
 
મતદાનમથક પર, દૃષ્ટિહીન વ્યક્તિઓને ચૂંટણી આચાર નિયમો, 1961ના નિયમ 49 (એન) મુજબ સાથીદારની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત દૃષ્ટિહીન મતદાર ઇચ્છે તો બૂથ સ્વયંસેવક અથવા પ્રમુખ અધિકારીની પણ મદદ લઈ શકે છે.