બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: મંગળવાર, 12 માર્ચ 2024 (17:00 IST)

હરિયાણાના નવા મુખ્ય મંત્રી હશે નાયબસિંહ સૈની, ભાજપ-જેજેપી ગઠબંધન તૂટવાની ચર્ચા

nayab saini
હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરના મુખ્ય મંત્રીપદેથી રાજીનામા બાદ હવે રાજ્યના નવા મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની હશે.
 
મનોહરલાલના રાજીનામાં બાદ મંગળવારે થયેલી ભાજપ ધારાસભ્યદળની બેઠકમાં કુરુક્ષેત્રના ભાજપના સાસંદ નાયબસિંહ સૈનીને ધારાસભ્યદળના નેતા ચૂંટી લેવાયા.
 
તેમણે રાજ્યના ગવર્નર બંડારૂ દત્તાત્રેયને સમર્થનપત્ર સોંપ્યો છે અને તેઓ જલદી જ રાજ્યના નવા મુખ્ય મંત્રી તરીકે શપથગ્રહણ કરશે.
 
બીજી તરફ મંગળવારના રોજ રાજકીય ઊથલપાથલ વચ્ચે હરિયાણાના સંસદીય કાર્ય મંત્રી ચૌધરી કંવર પાલે કહ્યું હતું કે પ્રદેશના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે પોતાની આખી કૅબિનેટ સાથે મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે.
 
કંવર પાલે મંગળવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયે રાજીનામું સ્વીકારી લીધું છે.
 
 
નવા મુખ્ય મંત્રીના કાર્યકાળમાં ભાજપ-જેજેપીનું ગઠબંધન ટકશે?
એક તરફ દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થવામાં થોડા દિવસની વાર છે ત્યારે વધુ એક રાજ્યમાં રાજકીય હલચલ જોવા મળી હતી.
 
મંગળવારે સવારે સમાચાર એજન્સી એએનઆઇએ હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપી દીધાની વાતની પુષ્ટિ કરી હતી.
 
કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરાયો હતો કે જેજેપી (જનનાયક જનતા પાર્ટી) હરિયાણામાં નવા મુખ્ય મંત્રીની કૅબિનેટમાં સામેલ નહીં હોય, એનો અર્થ એ થાય છે કે હરિયાણામાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન પણ તૂટી શકે છે.
 
અહીં ઉલ્લેખનીય છે કે હરિયાણામાં ભાજપ અને જેજેપીના ગઠબંધનની સરકાર ચાલી રહી હતી અને મનોહરલાલ ખટ્ટર મુખ્ય મંત્રી હતા.
 
2019માં થયેલી વિધાનસભાની ચૂંટણી પછી ભાજપે જેજેપી સાથે ગઠબંધન કર્યું હતું અને સરકાર બનાવી હતી. જેજેપીના નેતા દુષ્યંત ચૌટાલા ઉપમુખ્ય મંત્રી હતા.
 
તાજેતરમાં જ દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો પર ટિયરગેસના શેલ છોડવા બદલ અને યુવા ખેડૂત શુભકરણસિંહના મૃત્યુ પછી ખટ્ટર સરકાર વિવાદમાં આવી હતી.
 
છેલ્લે વર્ષ 2019માં હરિયાણા વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપને 40 બેઠકો પર જીત મળી હતી.
 
હરિયાણા વિધાનસભામાં 90 બેઠકો છે જેમાં સરકાર બનાવવા માટે 45 બેઠકોની જરૂર પડે છે.
 
દુષ્યંત ચૌટાલાના પક્ષ જેજેપીનો દસ બેઠકો પર વિજય થયો હોવાથી તેમણે કિંગમેકરની ભૂમિકા ભજવી હતી અને ભાજપને ટેકો આપ્યો હતો.
 
કૉંગ્રેસને 2019ની ચૂંટણીમાં 31 બેઠકો પર જીત મળી હતી જ્યારે અપક્ષો અને અન્ય પક્ષોને કુલ નવ બેઠકો પર જીત મળી હતી.
 
એ પહેલાં 2014ની ચૂંટણીમાં ભાજપે એકલે હાથે વિજય મેળવ્યો હતો અને 47 બેઠકો સાથે સરકાર બનાવી હતી. મુખ્ય મંત્રી તરીકે આ મનોહરલાલ ખટ્ટરનો બીજો કાર્યકાળ હતો.