ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા દિવસ
Written By
Last Updated : મંગળવાર, 5 માર્ચ 2019 (22:23 IST)

આંતરરાષ્ટ્રીય મહિલા દિનઃ મહિલાઓ પોતાની ઇચ્છાનુસાર, ડર-શોષણ વગર જીવી શકે ત્યારે જ સાર્થક

8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન. હોળીના અગ્નિની રાખની ગંધ અને ધૂળેટીના ગુલાલનો રંગ હજી હવામાં છે. ઇન્ટરનેશનલ વીમેન્સ ડેની ઉજવણીનાં ઢોલ-નગારાં વાગવા શરૂ થઈ ગયા છે. આ માહોલમાં આજે શેના વિશે લખવું એની દ્વિધા હતી. અલબત્ત ધૂળેટી કરતાં મહિલા દિનનું પલ્લું ભારે જ હતું. પરંતુ આજે એક સમાચાર વાંચ્યા છે ત્યારથી એ મન પરથી હટવાનું નામ નથી લેતા.
 
એ ખબર આજથી સવાબે વર્ષ પહેલાં બનેલી પૂરા દેશને હચમચાવી નાખનારી ઘટના- નિર્ભયા બળાત્કાર કેસના ગુનેગારોને લગતી છે. હા, તે ઘટનાના ગુનેગારો હજી જીવતા છે એ હકીકત આપણી અને આપણા ન્યાયતંત્રની લાચારી છે. તે ગુનેગારોને ફાંસીની સજા તો થઈ છે પણ તેની સામે તેમણે અપીલ કરી છે! તેમનામાંનો એક જેલમાં જ પંખા પર લટકેલી હાલતમાં મળી આવેલો. બીજો
એક જે ગુનો કરતી વખતે પુખ્તવયનો નહોતો એને ત્રણ વર્ષની ‘કરેક્શનલ હોમ’માં રહેવાની સજા થઈ છે(એ ત્રણ વરસ તો હમણાં પૂરા થઈ જશે, પછી શું?), પણ આજે વાત બાકીના ચારમાંથી એક ગુનેગારે જેલમાંથી કરેલા વિધાનોની કરવી છે. લંડનની બીબીસી. ન્યુઝ ચેનલે મુકેશ સિંહ નામના એ ગુનેગારનો ઇન્ટર્વ્યુ લીધો છે. નિર્ભયા પર બનાવવામાં આવેલી ફિલ્મ ‘ઇન્ડિયાઝ ડૉટર’ની ડિરેક્ટર-પ્રોડ્યુસર લેસ્લી ઉડવિને જેલમાં લીધેલો મુકેશ સિંહનો એ ઇન્ટરવ્યુ આવતી કાલે ટેલિકાસ્ટ થનારી એ ફિલ્મમાં જોઇ શકાશે. ઇન્ટરવ્યુમાં એ અમાનુષે કહેલી વાતો સાંભળીને મનમાં એટલો બધો ખળભળાટ મચી ગયો છે કે આજે, ઇન્ટરનેશનલ મહિલા દિનની પૂર્વસંધ્યાએ તેને તમારી સાથે શેર કર્યા વિના રહેવાશે નહીં! છેલ્લા સમાચાર અનુસાર આપણે ત્યાં આ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આ ફિલ્મ આપણને જોવા મળશે કે કેમ એ એક સવાલ છે.
 
આટલો હલકા સ્તરનો ગુનો કર્યા બાદ પણ એ સખશના વાણી-વર્તાવમાં કોઇ પસ્તાવાના ભાવ તો દૂર, કોઇ ક્ષોભ કે સંકોચની છાંટ સુદ્ધાં નથી! એ કહે છે કે આ મૃત્યુદંડની સજાથી તો છોકરીઓ માટે વધારે જોખમ બની જશે. હવે તો બળાત્કાર કરીને છોકરીને અમે જેમ જવા દીધેલી એમ જવા નહીં દેવાય, એને મારી જ નખાશે. ત્રેવિસ વરસની મેડિકલ સ્ટુડન્ટ નિર્ભયા પર ગુજારવામાં આવેલા બળાત્કાર અને અત્યાચાર એના મતે છોકરીઓને એ પાઠ શીખવવા માટે હતો કે મોડી રાત્રે તેમણે ઘરની બહાર ન રહેવું જોઇએ! આટલેથી નહીં અટકતાં એ ગંદો માણસ આગળ કહે છે કે નિર્ભયાએ બળાત્કારનો સામનો ન કર્યો હોત તો એને અત્યાચારનો ભોગ ન બનવું પડ્યું હોત! મતલબ કે ચૂપચાપ પેલા દાનવોને બળાત્કાર કરવા દેવો જોઇતો હતો!.... સાંભળીને તમતમી જવાય એવી અભદ્ર અને હલકી વાતો તેણે કહી છે. ટૂંકમાં પોતાની અને પોતાના સાથીઓને વિકૃત હરક્તને જસ્ટીફાય કરવાનો અને જે થયું એ માટે છોકરીને જવાબદાર ઠેરવવાનો બેશરમ પ્રયાસ કર્યો છે!
 
મુકેશ સિંહના આ ઇન્ટર્વ્યુ પછી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર ધમાલ મચી ગઈ છે. તેના ઉપર ફિટકાર વરસાવતી કમેન્ટ્સનો ધોધ વહ્યો છે.
 
ફિલ્મમાં નિર્ભયાનાં પેરેન્ટ્સનો પણ ઇન્ટર્વ્યુ લેવાયો છે અને સ્વાભાવિક જ તેમણે આવા નરાધમો માટે આકરામાં આકરી સજાની માંગ દોહરાવી છે.
 
લેસ્લી કહે છે કે બે વર્ષ પહેલાં નિર્ભયાના સમાચાર ટીવી ઉપર જોઇને મને આ ફિલ્મ બનાવવાનો વિચાર આવેલો. ખાસ કરીને ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડીમાં દિલ્હી અને દેશના અનેક ભાગોમાં લાખો લોકોએ રસ્તા પર ઊતરી આવીને પોતાનો આક્રોશ વ્યક્ત કરેલો અને પોલીસના લાઠીચાર્જ કે ટિયર ગૅસની પરવાહ કર્યા વગર ‘ઇન્ફ ઇઝ ઇનફ’નો માર્મિક સંદેશ આપેલો એ જોઇને હું દંગ રહી ગયેલો. સ્ત્રીઓના અધિકાર સંદર્ભે કોઇ દેશ કે સમાજે આવી પ્રતિબદ્ધતા જે દૃઢતા દાખવી હોય એ મેં જોઇ નથી!
 
વાહ! એ વિપત્તિની વેળામાં વ્યક્ત થયેલા ભારતીય જનમાનસના હીરની વિશ્ર્વમાનસ પર કેવી છબી ઝિલાયેલી! પરંતુ ત્યાર પછી અત્યાર સુધી વીતેલા વરસોમાં નિર્ભયા જેવી કે તેનાથીય બદતર બીજી સંખ્યાબંધ ઘટનાઓ દેશમાં બની છે. ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી પશ્ર્ચિમ સુધી બની છે. એટલું જ નહીં, આ અધમ ગુનેગારે કર્યા છે તેવા વિધાનો રાજકારણીઓ અને અધિકારીઓના મોઢેથી પણ સાંભળવા મળ્યા છે! એ જોઇને સવાલ થાય કે લેસ્લી જેવા લાખો વિદેશીઓના માનસમાં એક જવાબદાર અને સવેદનશીલ પ્રજાની એક અતિ ઉજળી છબી ઉપસાવનાર એ ભારતીય સમાજનો આ કુરુપ ચહેરો કેમ હજી સુધી જીવતો છે!
 
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીની શરૂઆત ૧૯૧૧થી કરવામાં આવેલી. એટલે કે એક્સોચાર વરસથી દુનિયા આ નારી દિન ઉજવે છે! એમ છતાં આજેય સ્ત્રીઓ સમાજના નરાધમોની ગંદી માનસિકતા અને શારીરિક- શાબ્દિક હિંસાનો ભોગ બની રહી છે. અને માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના લગભગ બધા જ દેશોમાં બનતી રહી છે!
 
અલબત્ત, આની સાથે સાથે સ્ત્રી-અધિકારો અને સમાનતાની ચળવળ પણ ચાલુ જ છે. સ્ત્રીલક્ષી કાયદાઓની જોગવાઈઓથી આ સ્ત્રીઓ વાકેફ છે અને તેના લાભ પણ લે છે. પરંતુ આ બધાંના ફ્ળ કે લાભ બહુ નાના વર્ગ સુધી જ પહોંચ્યો છે. દેશનો એક વિશાળ વર્ગ આજે પણ દબાઈ-શોષાઇને રહી જાય છે.
 
શિક્ષણ, વિકાસ કે સશક્તિકરણની વાત કરતા આપણે, અને આજેય આપણા સમાજમાં બાળલગ્નો ચાલુ જ છે. છેલ્લી વસ્તીગણતરી ૨૦૧૧ના આંકડા આવ્યા છે. એ વખતે દેશમાં પંદર વરસથી નીચેની અઢાર લાખ પરીણિતાઓ હતી! તેમાંથી સાડાચાર લાખ છોકરીઓ તો માં બની ગયેલી! તેમાંથી ત્રણ લાખ છોકરીઓ બે બાળકોની માં બની ગયેલી! પંદર વરસથી ઓછી ઉંમરની માતાની કૂખે પોણાઆઠ લાખથી પણ વધુ બાળકો જન્મેલાં. તેમાંથી છપ્પન હજાર બાળકો મૃત્યુ પામ્યાં હતાં આમ પંદર વરસની છોકરી પત્નીત્વ, માતૃત્વ અને બાળમૃત્યુનો આઘાત- એ ત્રણેમાંથી પસાર થઈ ચૂકી હતી!
 
આજે આ ૨૦૧૫ની સાલમાં પણ દેશની લાખો સ્ત્રીઓને લઘુશંકા કે કુદરતી હાજત જેવી ક્રિયાઓ માટે યોગ્ય યવસ્થા નથી. આજે પણ વાહિયાત રીત-રિવાજો અને સમાજની કહેવાતી મર્યાદાને છોડીને ચીલો ચાતરવાની હિંમત કરનારને સમાજ્નો બહિષ્કાર અને ઓનર કિલિંગ્સનો શિકાર બનવું પડે છે.
 
એક તરફ આ હાલત છે, તો બીજી તરફ સ્ત્રી-વિકાસ અને સશક્તિકરણનું એક ફૂલગુલાબી ચિત્ર પણ વાસ્તવિકતા છે! સ્ત્રીઓને બિઝનેસ સહિત પ્રત્યેક મોરચે સમાન પ્રતિનિધિત્વની તક મળી રહી છે. અવકાશ હો કે ટેક્નોલોજી, સિવિલ હો કે મિલિટરી ક્ષેત્રે સ્ત્રીઓનું પ્રદાન ટોચનું બનતું જાય છે. મુઠ્ઠીભર સ્ત્રીઓ કદાચ એવી નસીબદાર છે જેને પરિવાર, વ્યવસાય, સમાજ, સિસ્ટમ કે સ્ટેટ-કોઇનીય સામે ફરિયાદ નહીં હોય. બીજા શબ્દોમાં કહીએ તો સ્ત્રી-સમાનતાની ચળવળો કે નારી-દિનની ઉજવણીઓના લાભ એક અતિ અલ્પ વર્ગ સુધી પહોંચ્યા છે અને એ વર્ગને તેણે સમૃદ્ધ બનાવ્યો છે. પરંતુ એક મોટો, અતિ મોટો વર્ગ એનાથી વંચિત રહેતો આવ્યો છે અને આજે પણ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની આ વર્ષની થીમ છે ‘મેક ઇટ હેપન’ યાને કે કરી બતાવો. તો ચાલો એવું કંઇક કરી બતાવીએ કે એ વિશાળ વર્ગની સ્ત્રીઓ નિર્ભયતાથી, સલામતીપૂર્વક્નું, પોતાની રુચિ અનુસારનું શોષણરહિત જીવન જીવી શકે. આ થશે ત્યારે આ વીમેન એમ્પાવરમેન્ટના સ્લોગન્સ અને સેમિનારો સફળ થયા ગણાશે. સદીથી ઉજવાતો નારી દિન સાર્થક થયો ગણાશે.