શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: શુક્રવાર, 6 ઑક્ટોબર 2023 (00:45 IST)

ન્યૂઝીલૅન્ડના એ બે ખેલાડીઓ જેણે ઇંગ્લૅન્ડ સામેની હારનો બદલો પાંચ વર્ષ બાદ અમદાવાદમાં લીધો

 New Zealand start with a bang in the World Cup, breaking a years-old record against England
ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇંગ્લૅન્ડ-ન્યૂઝીલૅન્ડની ટીમો વચ્ચે થયેલ પ્રથમ મૅચ સાથે વનડે વિશ્વકપની શરૂઆતનું બ્યુગલ ફૂંકાયું હતું.
 
વર્લ્ડકપની પ્રથમ મૅચમાં વર્ષ 2019ના વિશ્વકપની બંને ફાઇનલિસ્ટો ટીમોના આ રોમાંચક મુકાબલામાં ન્યૂઝીલૅન્ડની ટીમે આક્રમક શરૂઆત સાથે ભવ્ય જીત નોંધાવી છે.
 
વર્લ્ડકપની પ્રથમ જ મૅચમાં બબ્બે આક્રમક સદી ફટકારી મૅચ જીતનાર ન્યૂઝીલૅન્ડની ટીમે જાણે વર્લ્ડકપનું મોમેન્ટમ સેટ કરી દીધું. મૅચમાં ન્યૂઝીલૅન્ડની આક્રમકતા જોઈ એવું લાગી રહ્યું હતું કે જાણે ટીમ ઇંગ્લૅન્ડ સામે વર્ષ 2019ની વર્લ્ડકપ ફાઇનલનો હિસાબ બરાબર કરવા ઊતરી છે.
 
ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કરનાર ન્યૂઝીલૅન્ડની ટીમે ઇંગ્લૅન્ડની ટીમે આપેલા 283 રનના ટાર્ગેટને ખૂબ જ સરળતાથી પાર કરી લીધો હતો.
 
માત્ર 36.1 ઓવરમાં એક વિકેટના નુકસાને ન્યૂઝીલૅન્ડની ટીમે જીત માટે જરૂરી 283 રન નોંધાવી દીધા. ઇંગ્લૅન્ડની ટીમે નવ વિકેટના નુકસાને પૂરી 50 ઓવર રમીને 282 રન કર્યા હતા.
 
કોનવે અને રવીન્દ્રની જોડીની કમાલ
 
જીત માટે જરૂરી લગભગ તમામ રન માત્ર ડેવન કોનવે અને રચીન રવીન્દ્રની જોડીએ ફટકાર્યા હતા.
 
બંને બૅટ્સમૅનોએ ઇંગ્લૅન્ડના બૉલરોની જોરદાર પરીક્ષા લઈ નાખી.
 
ડેવન કોનવે પોતાની મહત્ત્વપૂર્ણ અને ધુંઆધાર ઇનિંગમાં 121 બૉલે 152 રન ફટકારી દીધા. જ્યારે સામે છેડે રચીન રવીન્દ્રેય માત્ર 96 બૉલમાં જ 123 રન નોંધાવી દીધા.
 
283 રનના સન્માનજનક સ્કોરનો પીછો કરવા ઊતરેલી ન્યૂઝીલૅન્ડની ટીમે ઇનિંગની શરૂઆતમાં જ ઓપનર વિલ યંગની વિકેટ ગુમાવી દીધી હતી. તેથી થોડા સમય માટે ટીમ બૅકફૂટ પરેય દેખાઈ રહી હતી. પરંતુ કોનવે અને રવીન્દ્રે ખરાબ શરૂઆતને તેમના જીતના લક્ષ્ય પર હાવી ન થવા દીધી.
 
ઇંગ્લૅન્ડ તરફથી બૉલિંગમાં કોઈ ખેલાડી ઝળકી શક્યું નહોતું. માત્ર સેમ કરનને નામ પૂરતી એક વિકેટ મળી હતી. બાકીનો બધો સમય ન્યૂઝીલૅન્ડના આ બંને બૅટ્સમૅનો ઇંગ્લૅન્ડના બૉલિંગ ઍટેક પર હાવી જોવા મળ્યા હતા.
 
બંને બૅટ્સમૅનોએ ચોગ્ગા-છગ્ગા સાથે આક્રમક ગતિ રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું.
 
ડેવન કોનવેની વાત કરીએ તો તેમણે ઇનિંગમાં 19 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રચીન રવીન્દ્રેય પોતાની ઇનિંગમાં પાંચ છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા. બંને બૅટ્સમૅનોની રન કરવાની ગતિ એટલી ગજબ હતી કે લક્ષ્ય હાંસલ કરતાં સુધી ઇંગ્લૅન્ડના કોઈ બૉલરની દસ ઓવરેય પૂરી થઈ નહોતી. ઇંગ્લૅન્ડ તરફથી લગભગ તમામ બૉલરો મોંઘા સાબિત થયા હતા.
 
ઇંગ્લૅન્ડની ઇનિંગ
 
આ પહેલાં ઇંગ્લૅન્ડે પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલૅન્ડની સામે વિજય માટે 283 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. ઇંગ્લૅન્ડના ઓપનરો ડેવિડ મલાન અને જૉની બેયરસ્ટો ઝડપી ઇનિંગ રમવાનો પ્રયાસ કર્યો હતો પણ ન્યૂઝીલૅન્ડના બૉલરોએ એમને ખાસ મોકળાશ નહોતી આપી.
 
બન્ને ઓપનરો - મલાન 14 રન અને બેયરસ્ટો 33 રન કરીને આઉટ થઈ ગયા. બેયરસ્ટો સિક્સર પણ ફટકારી હતી. મૅચ દરમિયાન ન્યૂઝીલૅન્ડના બૉલરોએ ઉત્તમ બૉલિંગનું પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને સ્પિનરો અને પાર્ટટાઇમ સ્પિનરોએ મળીને ઇંગ્લૅન્ડની ટીમને 'બાંધી રાખી' હતી.
 
ઇંગ્લૅન્ડ તરફથી રૂટે ઉમદા બેટિંગ કરી પણ કિવીની બૉલિંગ સામે એક બાદ એક ઇંગ્લિશ બૅટ્સમૅનો આઉટ થતા રહ્યા. ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે 43 રનનું યોગદાન ચોક્કસ આપ્યું પણ તેઓ પોતાની શરૂઆતને લાંબી ઇંનિંગમાં ફેરવી ના શક્યા. આ રીતે 50 ઓવરમાં ઇંગ્લૅન્ડ નવ વિકેટમાં 282 રન જ કરી શક્યું.
 
ન્યૂઝીલૅન્ડ તરફથી મૅટ હેનરીએ ત્રણ વિકેટ મેળવી, જ્યારે મિચેલ સેંટનર અને ટ્રેન્ટ બૉલ્ટ અનુક્રમે બે અને એક વિકેટ મેળવવામાં સફળ રહ્યા.
 
ઇંગ્લૅન્ડની ટીમમાં કપ્તાન જૉસ બટલર સિવાય જૉની બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, મોઈન અલી, લિયામ લિંવિંગસ્ટન, ક્રિસ વોક્સ, સૅમ કરન, આદિલ રાશિદ અને માર્ક વુડ છે.
 
જ્યારે ન્યૂઝીલૅન્ડની ટીમમાં ડેવન કૉનવે, વિલ યંગ, રચિન રવીન્દ્ર, ડેરિલ મિચેલ, ટૉમ લેથમ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચૅપમૅન, જિમી નીશમ, મિચેલ સેન્ટનર, મૅન હેનરી અને ટ્રેન્ટ બોલ્ટ સામેલ છે.