ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: શનિવાર, 28 ઑક્ટોબર 2023 (10:37 IST)

PAK vs SA: પહેલા ડેડ મેચમાં પાકિસ્તાનના બોલરોએ જીવ ફૂંક્યો, પણ અમ્પાયરનો એક નિર્ણય બન્યો પાકિસ્તાનના હારનું કારણ ?

Pakistan vs South Africa: 2023 વનડે વર્લ્ડ કપમાં શુક્રવારે રાત્રે પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ જોવા મળી. આ મેચમાં ઘણા અપ્સ એન્ડ ડાઉન જોવા મળ્યા. ક્યારેક લાગતું હતું કે મેચ પાકિસ્તાનના હાથમાં છે તો ક્યારેક સાઉથ આફ્રિકા જીતશે એવું લાગ્યું. જોકે, આ મેચ સમગ્ર 50 ઓવર સુધી રોમાંચક રહી ન હતી. એક સમયે આ ડેડ મેચ હોય તેવું લાગતું હતું, પરંતુ પાક બોલરોએ આ ડેડ મેચમાં રોમાંચ લાવી દીધો હતો.  જો કે અંતે અમ્પાયરના નિર્ણયને કારણે દક્ષિણ આફ્રિકાએ એક વિકેટે જીત મેળવી હતી.
 
આ જીત સાથે દક્ષિણ આફ્રિકાના છ મેચમાં 10 પોઈન્ટ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં ભારતના સ્થાને ટોપ પર પહોંચી ગયુ છે. પાકિસ્તાનની આ સતત ચોથી હાર છે અને તેના છ મેચમાં માત્ર ચાર પોઈન્ટ છે, જેના કારણે તેમની સેમિફાઈનલમાં પહોંચવાની આશાને મોટો ફટકો પડ્યો છે.
 
પાકિસ્તાન-સાઉથ આફ્રિકા મેચમાં જોવા મળ્યા ઘણા ઉતાર-ચઢાવ 
 
આ કરો યા મરો મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય પ્રથમ ચાર ઓવર સુધી સાચો લાગતો હતો. ઓપનર ઈમામ ઉલ હક અને અબ્દુલ્લા શફીક સોલિડ ટચમાં જોવા મળ્યા હતા. ત્યારે લાગતું હતું કે પાકિસ્તાન આજે વિશાળ સ્કોર ઉભો કરશે.
 
ત્યારપછી માર્કો જાનસેને તબાહી મચાવી હતી અને સાત ઓવરમાં બંને ઓપનરને આઉટ કરી દીધા હતા. આ પછી રિઝવાન અને બાબરે ઝડપથી રન બનાવ્યા. ત્યારે એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ સારો સ્કોર નોંધાવશે. ત્યારબાદ આફ્રિકન બોલરોએ જોરદાર કમબેક કરી અને નિયમિત અંતરે વિકેટો લીધી.
 
86ના સ્કોર પર બે વિકેટ સાથે પાકિસ્તાનનો સ્કોર 5 વિકેટે 141 રન થઈ ગયો હતો. હવે એવું લાગતું હતું કે પાકિસ્તાનની ટીમ ભાગ્યે જ 220 રન સુધી પહોંચી શકશે, પરંતુ શાદાબ ખાન અને સઈદ શકીલે ફરી એકવાર છઠ્ઠી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરીને જંગી સ્કોરની આશા વ્યક્ત કરી હતી.
 
જ્યારે 42 ઓવરમાં 6 વિકેટે 225 રનનો સ્કોર હતો ત્યારે લાગતું હતું કે સ્કોર આસાનીથી 300ને પાર કરી જશે, પરંતુ ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના બોલરોએ પાકિસ્તાનને 46.4 ઓવરમાં 270ના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું.
 
દક્ષિણ આફ્રિકા આસાનીથી જીતી રહ્યું હતું
 
271 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઓવરમાં 11 રન અને બીજી ઓવરમાં 19 રન બનાવ્યા હતા. હવે એવું લાગતું હતું કે તે આ ધ્યેય સરળતાથી હાંસલ કરશે. ત્યારબાદ શાહીન આફ્રિદીએ ક્વિન્ટન ડી કોકને પેવેલિયન ભેગો કરાવ્યો હતો. પહેલી વિકેટ 34ના સ્કોર પર પડી, પછી જ્યારે સ્કોર 67 પર પહોંચ્યો ત્યારે બીજી વિકેટ પણ પડી. પછી એવું લાગતું ન હતું કે આ મેચમાં હજુ જીવ બચ્યો છે.
 
પછી 136 રનમાં ચાર વિકેટ પડી હતી. ત્યારે એવું લાગતું હતું કે પાકિસ્તાન કંઈક કરશે અને દક્ષિણ આફ્રિકાની હાલત ખરાબ થઈ જશે. પરંતુ એડન માર્કરામ અને ડેવિડ મિલરે 69 રનની ભાગીદારી કરીને મેચને એકતરફી બનાવી દીધી હતી.
 
દક્ષિણ આફ્રિકાનો સ્કોર માત્ર 33 ઓવરમાં ચાર વિકેટના નુકસાને 200ને પાર કરી ગયો હતો. 90 ટકા મેચ સાઉથ આફ્રિકાના કબજામાં હતી, પરંતુ ત્યારપછી પાકિસ્તાની બોલરોએ ડેડ મેચને જીવતદાન આપ્યું હતું. વિકેટો પડવાનો ક્રમ સતત ચાલી રહ્યો હતો અને 250ના સ્કોર પર 8 વિકેટ પડી હતી.  એક સમયે  એવું લાગતું હતું કે પાકિસ્તાનની ટીમ આ મેચ જીતશે, પરંતુ પરિણામ કઈક ઓર જ આવ્યું. 
 
શું પાકિસ્તાનની હારનું કારણ અમ્પાયરનો નિર્ણય હતો?

 
દક્ષિણ આફ્રિકા 46મી ઓવરમાં જ ઓલઆઉટ થઈ શક્યું હોત અને પાકિસ્તાન મેચ જીતી ગયું હોત, પરંતુ મેદાન પરના અમ્પાયરે હરિસ રઉફના બોલ પર તબરેઝ શમ્સીને LBW આઉટ ન આપ્યો. આ પછી ડીઆરએસ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટીવી રિપ્લેમાં દેખાતું હતું કે બોલ લેગ સ્ટમ્પ સાથે અથડાઈ રહી છે.  જો કે, જ્યારે બોલ સ્ટમ્પ સાથે અથડાયો ત્યારે તે સીધો વિકેટ સાથે અથડાયો નહોતો, પરંતુ તેનો માત્ર થોડો ભાગ સ્ટમ્પને અથડાયો હતો. આવી સ્થિતિમાં બોલ ટ્રેકિંગનું પરિણામ અમ્પાયરના કોલમાં આવ્યું. હવે મેદાન પરના અમ્પાયરે આપેલા નિર્ણયને સ્વીકારવામાં આવ્યો અને તબરેઝ શમ્સીને નોટઆઉટ આપવામાં આવ્યો. જો મેદાન પરના અમ્પાયરે તેને આઉટ આપ્યો હોત તો થર્ડ અમ્પાયરે પણ તેને આઉટ આપ્યો હોત અને પાકિસ્તાનની ટીમ મેચ જીતી ગઈ હોત.