બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Updated : ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (12:46 IST)

Virat Kohli: વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો આ રેકોર્ડ, રોહિત શર્મા રહી ગયો પાછળ

India vs Australia ICC World Cup 2023: ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી કેએલ રાહુલ, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે ખોટું સાબિત થયું. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 199 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેના જવાબમાં ભારતે આસાનીથી મેચ જીતી લીધી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.
 
વિરાટ કોહલીએ કરી કમાલ 
200 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. માત્ર બે ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ભારતીય ટીમ એક સમયે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પરંતુ આ પછી વિરાટ કોહલી અને કેએલ રાહુલે 165 રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને સંકટમાંથી ઉગારી હતી. કોહલીએ ધીરજપૂર્વક બેટિંગ કરી અને 85 રનની ઇનિંગ રમી. જેમાં તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. તે માત્ર 15 રનથી પોતાની સદી ચૂકી ગયો હતો. પરંતુ મોટી ઇનિંગ્સ રમીને તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. કોહલી હવે સીમિત ઓવરની ICC ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તેણે સીમિત ઓવરની ICC ટૂર્નામેન્ટમાં 2785 રન બનાવ્યા છે. જ્યારે સચિને 2719 રન બનાવ્યા હતા. જ્યારે રોહિત શર્માએ 2422 રન બનાવ્યા છે.
 
મર્યાદિત ઓવરની ICC ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓ:
 
2785 રન- વિરાટ કોહલી
2719 રન- સચિન તેંડુલકર
2422 રન- રોહિત શર્મા
1707 રન- યુવરાજ સિંહ
1671 રન- સૌરવ ગાંગુલી
 
સંગાકારાને છોડી દીધો પાછળ 
 
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 85 રન બનાવ્યા હતા. આ સાથે તે વન-ડેમાં નોન-ઓપનર તરીકે સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર ધરાવતો ખેલાડી બની ગયો છે. કોહલીએ વનડેમાં નોન-ઓપનર તરીકે 113 વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો છે. કુમાર સંગાકારા 112 વખત આવું કરી ચુક્યા છે. રિકી પોન્ટિંગે 109 વખત ફિફ્ટી પ્લસ અને જેક કાલિસે 102 વખત વનડેમાં રન બનાવ્યા છે
 
ODIમાં નોન-ઓપનર તરીકે સૌથી વધુ પચાસ પ્લસ સ્કોર બનાવનાર ખેલાડીઓ:
 
વિરાટ કોહલી- 113 વખત
કુમાર સંગાકારા- 112 વખત
રિકી પોન્ટિંગ- 109 વખત
જેક કાલિસ- 102 વખત