બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રાજકોટ , શનિવાર, 24 ઑગસ્ટ 2024 (15:23 IST)

રાજકોટના જૈન દેરાસરમાં દર્શન કરતા શખ્સને છરાના ઘા માર્યા, દર્શનાર્થીઓમાં ડર ફેલાયો

rajkot jain derasar
rajkot jain derasar
ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. રાજકોટમાં જૈન દેરાસરમાં દર્શન કરી રહેલા વ્યક્તિને  પાછળથી આવેલા શખ્સે છરીના ઉપરાછાપરી ઘા માર્યા હતાં. લોકો પણ દર્શન કરતાં કરતાં આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયાં હતાં. ગત 20મી ઓગસ્ટે થયેલી આ ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિના ભાઈએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. જૈન દેરાસરમાં બનેલી હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આજે સામે આવ્યા છે.
 
ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં મવડી આસ્થા રેસિડેન્સીમાં રહેતા અને શિવ હાર્ડવેર નામથી કારખાનું ધરાવતા મયૂરભાઈ સગપરિયાએ ભાવેશ વિનોદભાઈ ગોલ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ગત 1 જુલાઈના સવારે મારા મોટા ભાઈ અમિતનો ફોન આવ્યો હતો અને કહ્યું કે હું એક્સેસ લઈને કારખાને જતો હતો અને હરિધવા રોડ ઉપર પહોચ્યો ત્યારે કોઈ કારચાલકે અડફેટે લેતાં ઈજા થઇ છે એમ કહેતા જ અમે દોડી ગયા હતા અને ભાઈને હોસ્પિટલે પહોંચાડ્યો હતો.
 
અંગત અદાવતમાં દેરાસરમાં ઘૂસીને હૂમલો કર્યો
હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાઈએ જણાવ્યું હતું કે તે ભાવેશ ગોલ હતો તેણે ઠોકર માર્યા બાદ હું પડી જતાં ફરી પૂરઝડપે કાર માથે ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. 10 મહિના પૂર્વે પણ અમિતભાઈને છરીથી માર માર્યો હોઈ, તેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ધરપકડ કરી હોવાથી એનો ખાર રાખી મંદિરમાં દર્શન કરતા હતા એ સમયે પાછળથી આવી ફરી હુમલો કર્યો હતો. જેથી તેની સામે હત્યાની કોશિશની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. હવે ફરી ભક્તિનગર પોલીસ ખાતે હત્યાની કોશિશ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.