દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં બર્ડ હિટની ઘટનાઓ સૌથી વધુ, ચાલુ વર્ષે 114 કિસ્સાઓ નોંધાયા
ગુજરાતમાં બર્ડ હિટની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં વર્ષ 2018થી ઓક્ટોબર 2023 સુધી વિમાન સાથે પક્ષી અથડાવાની કુલ 462 ઘટનાઓ બની છે. ચાલુ વર્ષે જ સૌથી વધુ 114 વખત બર્ડ હિટની ઘટનાઓ બની છે. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલા સવાલના જવાબ પ્રમાણે છેલ્લા છ વર્ષમાં દેશમાં બર્ડ હિટિંગની કુલ 4885 ઘટનાઓ બની છે. જેમાં સૌથી વધુ દિલ્હીમાં 705, મહારાષ્ટ્રમાં 611 કિસ્સાઓ નોંધાયા છે.
ગુજરાતની વાત કરીએ તો દેશમાં બર્ડ હિટિંગ મામલે રાજ્યનો ત્રીજો ક્રમ છે. ચાલુ વર્ષે દેશમાં સૌથી વધુ 1,124 બર્ડ હિંટિંગની ઘટનાઓ ઘટી છે, જ્યારે દિલ્હીમાં 169 ઘટના ઘટી છે. એરપોર્ટ તંત્ર દ્વારા બર્ડ હિંટિંગની ઘટનાઓ રોકવા માટે ઘણા નિયમો હોવા છતાં આવી ઘટનાઓ બનતી રહે છે. ગુજરાતમાં બર્ડ હિટીંગની વાત કરીએ તો 2018 પછી સૌથી વધુ કિસ્સા 2023માં નોંધાયા છે. 2019માં ઓછી ઘટનાઓ નોંધાઈ હતી.
એરપોર્ટ વહીવટી તંત્રની બેદરકારીને કારણે બર્ડ હિટની ઘટનાઓનો આંકડો સતત વધી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં ઉગી ગયેલા ઘાસને કારણે પણ પક્ષીઓ એરપોર્ટના રનવે નજીક આવી જતા હોય છે. જેના કારણે રૂટિન સમય કરતાં બે ત્રણ દિવસના અંતરે જલ્દી ટ્રીમિંગ કરવું પડે છે. ડીજીસીએના નિયમ મુજબ ૬ ઈંચથી વધુ ઘાસ ઉગે તો ટ્રીમિંગ કરવું પડે છે, પરંતુ એરપોર્ટ તંત્ર દ્વારા આ પ્રકારની કાર્યવાહી ઝડપથી કરવામાં આવતી નથી.