રાજકોટમાં 22 વર્ષીય ડૉક્ટર અને સુરતમાં બે યુવાનોને છાતીમાં દુ:ખાવો ઉપડતા મોત
રાજકોટમાં એક 22 વર્ષીય ડૉક્ટરનું તો સુરતમાં બે યુવાનોને છાતીમાં દુ:ખાવો ઉપડતા મોત નીપજ્યું. હાલ મૃત્તકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
રાજકોટની ગોકુલ હોસ્પિટલના 22 વર્ષીય ડોકટર અવિનાશ વૈષ્ણવનું હાર્ટ એટેકથી મોત થયું છે. માત્ર 22 વર્ષની ઉંમરે હૃદય રોગના હુમલાથી મોત થતા હોસ્પિટલ સ્ટાફ અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને શોકનો માહોલ છવાઈ ગયો હતો. રાજકોટના મોરબી રોડ પર ડી.કે. સ્કૂલ પાછળ સેટેલાઇટ ચોકમાં આવેલ ધારા એવન્યુમાં રહેતા ડો. અવિનાશ ગોરધનભાઈ વૈષ્ણવ શહેરની ગોકુલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ શાપર ખાતે આરોગ્ય કેન્દ્રમાં ઇન્ટર્નશીપ પણ કરતા હતા.ડૉ. અવિનાશને
હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી રહેતી હોવાથી શનિવારે રાત્રે નાઈટ ડ્યુટી કરી ગઇકાલે સવારે 9 વાગ્યે ઘરે આવ્યા હતા અને ઘરે આવી હવે બપોરે મને ન ઉઠાડતા તેમ કહી તે સુઈ ગયા હતા. સાંજે 7 વાગ્યે તેમને પિતા ગોરધનભાઇ ઉઠાડવા જતા ઉઠતા ન હોવાથી બેભાન થઈ ગયાનો ખ્યાલ આવતા પરિવારજનો દ્વારા તુરંત તેઓને ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં ફરજ પરના ડોક્ટરે તત્કાલ સારવાર કરી અવિનાશનું હૃદય ફરી ધબકતું કરવા મથામણ કરી હતી પરંતુ, તેમણે દમ તોડી દીધો હતો. તબીબ દ્વારા મૃત જાહેર કરાતા હોસ્પિટલ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો અને પરિવારમાં કલ્પાંત છવાયો હતો.