બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 ડિસેમ્બર 2023 (16:01 IST)

દમણના દરિયા કિનારે ગુટખા ખાઈને થૂંકતા પહેલા વિચારજો, દંડ સાથે જાતે જ થૂંકેલુ સાફ કરવું પડશે

સંઘ પ્રદેશ દમણમાં હવે દરિયા કિનારે પાન માવો કે ગુટખા ખાઈને થૂંકવુ મોંઘુ પડી શકે છે. દમણ નગરપાલિકા દ્વારા હવે દરિયા કિનારે પાન માવો ખાઈ થૂંકતા શોખીનોને રૂપિયા 200થી લઇને 2000નો  મોટો દંડ ફટકારવાની શરૂઆત કરી છે.

દમણના દરિયે માવા કે  ગુટખા ખાઈને જો થૂંકયા છો તો દંડ તો ભરવો પડશે. સાથે જ્યાં થૂંક્યાં હોય તેને પોતું મારી સાફ પણ કરવું પડશે. દરિયા કિનારે આવતા પર્યટકો પાન માવા કે ગુટકા થૂંકીને ગંદકી ફેલાવે છે. હવે દમણ નગરપાલિકા દ્વારા દરિયા કિનારે પાન માવો કે ગુટખા ખાઈને થૂંકતા શોખીનોને શબક શીખવવાનું નક્કી કર્યું છે. હવેથી દરિયા કિનારા પર થૂંકનારાઓને રૂપિયા 200થી લઇને 2000નો દંડ ફટકારવાની શરૂઆત કરી દીધી છે.

દમણમાં પાન મસાલા ગુટખા અને તંબાકુ પર પ્રતિબંધ છે. ત્યાં આવતા પર્યટકો તંબાકુ, પાન માવા અને ગુટખા સાથે લાવી ચાવતા ચાવતા દરિયે ફરતા ફરતા જ્યાં ત્યાં થૂંકીને ગંદકી ફેલાવે છે. હવેથી દમણનો દરિયો કિનારો સ્વચ્છ અને ચોખ્ખો રહે તે માટે નગરપાલિકા દ્વારા ગંદકી ફેલાવનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની શરૂઆત કરી છે.નાની દમણ અને મોટી દમણ સહિત જંપોરના દરિયા કિનારા સુધી વિશ્વ કક્ષાનો સી ફેસ રોડ અને નમો પથ બનાવવામાં આવ્યો છે. શનિ, રવિ અને રજાના દિવસો દરમ્યાન નગરપાલિકાના કર્મચારીઓ દરિયા કિનારે વોચ ગોઠવશે. જે શોખીનો દરિયા કિનારે થૂંકતા ઝડપાશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. સંઘ પ્રદેશ દમણમાં દારૂની છૂટ છે આથી મોટી સંખ્યામાં ખાવા પીવાના શોખીનો અહીં મોજશોખ કરવા આવે છે.