શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 25 જુલાઈ 2017 (17:48 IST)

ચાર દિવસથી માઉંટ આબુમાં પડી રહ્યો છે મુશળધાર વરસાદ.. 60 કલાકમાં 64 ઈંચ... !!

રાજસ્થાનના એકમાત્ર પર્યટન સ્થળ માઉંટ આબૂમાં છેલ્લા 60 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અત્યાર સુધી 98 ઈંચ અને છેલ્લા 60 કલાકમાં 64 ઈંચ વરસાદ નોંધાયો છે.   હવામાન ખાતાનું કહેવું છે કે આબુમાં કદાચ પહેલી વાર આટલો ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે આબુના રસ્તાઓજાણે નદી બન્યા હોય તેમ તેના પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે.
અતિ ભારે વરસાદના કારણે માઉન્ટ આબુમાં પ્રવાસીઓને જતા અટકાવવામાં આવ્યા છે, અને જે લોકો ફસાયેલા છે તેમને નીચે મોકલવામાં આવી રહ્યા છે. માઉન્ટ આબુને રેલવે સ્ટેશન સાથે કનેકટ કરતો 28 કિલોમીટર લાંબો રસ્તો પણ ઠેર-ઠેર ધોવાઈ ગયો છે.

આબુના સ્થાનિક લોકોને પણ ભારે વરસાદના કારણે ખાસ્સી પરેશાની ભોગવી પડી રહી છે. છેલ્લા બે દિવસથી અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

વરસાદના કારણે કેટલીક જગ્યાએ ભેખડો ધસી પડ્યાની ઘટના પણ બની છે,  જોકે તેમાં કોઈ જાનહાની થયાના અહેવાલ નથી. સ્થિતિ પર સ્થાનિક તંત્ર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે. 
પ્રવાસીઓથી સદાય ધમધમતા રહેતા આબુમાં ભારે વરસાદના કારણે સોપો પડી ગયો છે. સમગ્ર આબુના માર્કેટ્સ તેમજ દુકાનો સજ્જડ બંધ છે. સ્કૂલો પણ વરસાદના કારણે બંધ કરી દેવાઈ છે.રાજસ્થાનના જાલોર, બાડમેર, પાલી તેમજ જોધપુર જિલ્લાઓમાં પણ આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની શકયતા હોવાના કારણે રાજયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. જાલોરમાં સ્થિતિ વિકટ બનતા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્કયુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે