શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 3 જૂન 2021 (17:00 IST)

ગુજરાતમાં ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું તો 4.91 લાખ રીપીટરની પરીક્ષા કેમ લેવાશે?

કોરોનાના કપરા કાળમાં શિક્ષણને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે. વિદ્યાર્થીઓએ કરેલી મહેનતનું પરિણામ માસ પ્રમોશન રૂપે મળ્યું છે. રાજ્ય સરકારે પણ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન જાહેર કર્યું છે. ત્યારે બોર્ડની પરીક્ષાના ચાર લાખથી વધુ રીપીટર વિદ્યાર્થીઓ માટે સરકારે હજી સુધી કોઈ નિર્ણય નહીં લેતા તેમને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. બીજી તરફ ધોરણ 10 અને 12ના 15.39 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું તો 4.91 લાખ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા કેમ લેવામાં આવશે એવા સવાલો પણ ઉભા થયાં છે.

બોર્ડની પરીક્ષામાં રિપીટર વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12  સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ 10માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતાં કરી હતી. પરંતુ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં એવી કોઈ સ્પષ્ટતાં કરાઈ નથી કે, માત્ર રેગ્યુલર વિદ્યાર્થીની જ પરીક્ષા રદ થશે કે રિપીટર સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવશે.શિક્ષણમંત્રીએ આ અંગે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, રિપીટર વિદ્યાર્થીઓ માટે હજી કોઈ પણ નિર્ણય લેવાયો નથી. જે આગામી સમયમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન આધારે લેવાશે.