શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 મે 2022 (13:48 IST)

ગ્રીષ્માના માતા-પિતાને ઘરે જઇને આપેલ વચન આજે પૂર્ણ થયુ છે: હર્ષ સંઘવી, ગૃહ રાજ્ય મંત્રી

harsh sanghvi
આવી ઘટનાઓ ન બને તે માટે નવી સ્ટ્રેટેજી બનાવી આગામી સમયમાં રાજ્ય સરકાર સઘન પ્રયાસો હાથ ધરશે: હર્ષ સંઘવી, ગૃહ રાજ્ય મંત્રી
 
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે રાજ્યના નાગરિકોને વધુ સુરક્ષીત કરવા ના મક્કમ નિર્ધાર સાથે મુખયમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાતમાં જધન્ય અપરાધ કરવાવાળાને કોઇ સ્થાન નથી. આવા અપરાધોને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં. રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તીના પરિણામે તાજેતરમા સુરત ખાતે થયેલ ગ્રીષ્માના હત્યા કેસમાં નામ.કોર્ટ દ્વારા માત્ર ૭૦ દિવસમાં આ ગુનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની ફરમાવી છે. તે રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે. 
 
ગૃહ મંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાતમાં આવા જધન્ય ગુનાઓ કરનારને રાજ્ય સરકાર ક્યારેય બક્ષવા માંગતી નથી. આજે આવેલ આ ચૂકાદાનો ભય કોઇપણ ગુનો કરનાર આરોપીના મગજમાં રહેશે. જેના પરીણામે ગુનો કરતા ફફડશે. ગ્રિષ્માના માતા-પિતાને તેમના ઘરે જઇ ઝડપી ન્યાય અપાવવા મે આપેલુ વચન આજે પુર્ણ થયું છે. આરોપી ફેનિલને આજે ફાંસિની સજા થતા અમે આપેલુ વચન આજે પૂર્ણ થયુ છે. જેનો અમને સંતોષ છે. ગ્રીષ્માના માતા-પિતાને આપેલ ખાતરી મુજબ મારા આવતીકાલ સવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી તેમના નિવાસસ્થાને જઇ તેમને વંદન કરવા હું જવાનો છું.
 
ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેર્યુ કે, આ ઘટનામાં મળેલ ન્યાયને પરિણામે આ લડાઇ રાજ્ય સરકાર આગળ વધારશે. ગુજરાતમાં કોઇ પણ ગુનો બનશે તો ગુનેગારોને કડક સજા અપાવવા અને ભોગબનનારને ન્યાય અપાવવા રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહેશે.  રાજ્યમા આવી એક પણ ઘટના બને એ સારૂ નથી. ગૃહ મંત્રી તરીકે મારી જવાબદારી અને મારૂ લક્ષ્ય છે કે આગામી સમયમાં આવી ઘટનાઓ ન બને તે માટે રાજ્ય સરકાર નવી સ્ટ્રેટેજીથી કામ કરવા સઘન આયોજન કરશે.  
 
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યુ કે, સુરત ગ્રામ્યના પાસોદરા ખાતે તા.૧૨/૦૨/૨૦૨૨ ના રોજ સાંજના ૦૬.૩૦ કલાકે લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ૨૧ વર્ષની યુવતી ગ્રિષ્મા નંદલાલ વેકરીયાની આરોપી ફેનિલ પંકજભાઇ ગોયાણી દ્વારા એકતરફી પ્રેમમાં જાહેરમાં ગળુ કાપી કરપીણ હત્યા કરાઇ હતી. યુવતિના ભાઇ ધ્રુવ નંદલાલ વેકરીયા તેમજ યુવતીના મોટાબાપુ સુભાષભાઇને પણ આરોપી દ્વારા ગંભીર ઇજાઓ કરવામાં આવી હતી. આ ઘટનાની પોલીસને જાણ થતા જ પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોચી આરોપીને સ્થળ પરથી પકડી લીધો હતો. આ ગંભીર બનાવનો લાઇવ વિડીયો પણ સોશિયલ મીડીયા અને સમાચાર માધ્યમોમાં વાયરલ થતા જે હત્યાને લઇ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને  ચારે તરફથી સામાજીક, રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક, વેપારી સંગઠનના આગેવાનો, સ્થાનિક આગેવાનો સહીત રાજ્ય ભરના નાગરિકોએ આ બનાવને વખોડી કાઢયો હતો.
 
મંત્રીએ ઉમેર્યુ કે આ ગુનામાં મૃત્યુ પામનાર દિકરી ગ્રીષ્મા અને તેના પરીવારને ઝડપી ન્યાય મળે અને આરોપીને કડકમા કડક સજા થાય તેવી લોક માંગણી ઉભી થતાં બનાવની સંવેદનશીલતા જોઇને મુખ્યમંત્રી દ્વારા કડક આદેશો કરાયા હતાં. અને ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક એક ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારી અને અન્ય ૭ અધિકારીઓની SIT ની રચના કરીને તપાસ  સોપવામાં આવી હતી. આ ગુનાની ગંભીરતા અને રાજ્ય સરકારની સંવેદનશીલતા અનુલક્ષિને મે પોતે મૃત્યુ પામનાર યુવતીના ઘરે જઇ સાંત્વના પાઠવી હતી. અને તેમના પરિવારને ખુબ ટુંકા સમયમાં યોગ્ય ન્યાય મળશે તેવી ખાતરી આપી હતી.
  
મંત્રીએ ઉમેર્યુ કે,  આ જધન્ય બનાવની ગંભિરતાને ધ્યાનમાં રાખીને  મુખ્યમંત્રીની  સુચના અનુસાર ગૃહ વિભાગ દ્વારા રચાયેલ SIT  દ્વારા ઓરલ, ડોક્યુમેન્ટરી, સાયંટીફિક, કોરોબ્રેટીવ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ એકત્રીત કરી આરોપીને અટક કર્યા બાદ માત્ર પાંચ જ દિવસમાં કુલ ૨૫૦૦ પાનાનું ચાર્જશીટ રજુ કરાઇ હતી. આ ચાર્જશીટમાં નજરે જોનાર ૨૭ સાક્ષી મળી કુલ ૧૯૦ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૬૨ આર્ટીકલ રિકવર કરાયા હતાં. તેમજ ૨૩ પંચનામા પણ ખૂબ ટુંકા સમયમાં પૂર્ણ કર્યા છે. 
 
તેમણે ઉમુર્યુ કે, આ ગુનાની ટ્રાયલ તા.૨૮/૦૨/૨૦૨૨ના રોજ શરૂ કરાઇ હતી.   ગુનાની ટ્રાયલ દરમ્યાન કુલ ૧૦૫ જેટલા સાક્ષીઓને તપાસવામા આવ્યા હતાં. અને ટ્રાયલ તા.૦૫/૦૪/૨૦૨૨ના રોજ પૂર્ણ કરવામાં આવી હતી. સમગ્ર ટ્રાયલ દરમિયાન કેસ વોચમાં એક ડી.વાય.એસ.પી અને એક પી.આઇ. કક્ષાના અધિકારીને પેરવી અધિકારી તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી. રાજ્ય સરકાર તરફથી સમગ્ર કોર્ટ કાર્યવાહીના ભાગ રૂપે પુરાવા રજુ કરનાર અને આરોપીને સજા કરાવવા દલીલ રજુ કરાઇ હતી. 
 
આ ઉપરાંત જીલ્લા સરકારી વકિલ તરીકે નયન સુખડવાલા, સુરતની નિમણુંક કરી હતી. આ કોર્ટ કાર્યવાહી નામદાર ડીસ્ટ્રીક્ટ જજ, વિમલ કે. વ્યાસ, પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ, સેશન્સ કોર્ટ,સુરત દ્વારા કરવામાં આવેલ. અને આરોપીની તા:૨૧/૪/૨૨ના રોજ આઇ.પી.સી.ની કલમ કલમ ૩૦૨, ૩૦૭, ૩૫૪(ડી)(૧)(I),૩૪૨,૫૦૪,૫૦૬(૨) મુજબ દોષિત જાહેર કરવામા આવેલ છે.
 
તેમણે ઉમેર્યુ કે, આરોપી ફેનીલ પંકજભાઇ ગોયાણીને ગ્રીષ્મા નંદલાલ વેકરીયાની જાહેરમાં છરા વડે ગળુ કાપી કરપીણ હત્યા કરવા સબબ તથા ફરીયાદી ધ્રુવ નંદલાલ વેકરીયાને હાથ તથા માથાના ભાગે અને સાહેદ સુભાષભાઇને પેટના ભાગે છરા વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોચાડવા બદલ તથા અન્ય આરોપો સામે દોષિત જાહેર કરી નામ.કોર્ટ દ્વારા ગુના સંદર્ભે આરોપીને ફાંસીની સજા કરતો ચુકાદો આજે જાહેર કરાયો છે.ગૃહ મંત્રીએ આ બનાવની ન્યાયિક તપાસ ઝડપભેર કરવા માટે પોલીસ વિભાગ, ન્યાયતંત્ર દ્વારા એક ટીમ બનીને જે કામગીરી કરી છે. તે તમામ કર્મીઓને રાજ્યના નાગરિકો અને રાજ્ય સરકારવતી સૌને અભિનંદન આપી તેમને કામગીરીને બિરદાવી છે.