બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By દિપલકુમાર શાહ|
Last Modified: બુધવાર, 23 જૂન 2021 (12:19 IST)

અમિત શાહ ગુજરાતની મુલાકાત, અમિત શાહ ગુજરાત વિશે શુ પ્લાન કરી રહ્યા છે ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ષ 2014થી કેન્દ્ર સરકારમાં અને રાજનીતિમાં રાષ્ટ્રીય સ્તરે સંપૂર્ણ સક્રિય તથા કાર્યરત્ થયા છે.
 
જોકે સમયાંતરે બંને નેતાઓ ગુજરાતની મુલાકાત લેતા આવ્યા છે. જેમાં સામાન્યપણે એવું કહેવાય છે કે તેમના મતવિસ્તારો ગુજરાતમાં છે અને ઘર-પરિવાર પણ ગુજરાતમાં છે આથી તેમની મુલાકાતો થતી જ રહે છે.
 
પરંતુ રાજકીય લિશ્લેષકો અને નિરીક્ષકોનું માનવું છે કે પીએમ મોદી અને અમિત શાહની ગુજરાતની મુલાકાત કેટલીક અન્ય બાબતો છતી કરે છે.
 
વળી, ગુજરાતની રાજનીતિમાં આજે પણ મોદી-શાહની સતત હાજરી અને સક્રિયતા આખરે શું સંકેત આપે છે? એનો શું અર્થ કાઢવો? આ પણ એક સવાલ છે.
 
અત્રે નોંધવું કે ગુજરાતમાં ચૂંટણી હોય અથવા કુદરતી આફત હોય કે પછી કોઈ મોટો સમારોહ (ઇવેન્ટ) હોય, પીએમ મોદી એક વડા પ્રધાન તરીકે સત્તાવાર મુલાકાતો લેતા હોય છે. પરંતુ બીજી તરફ રાજ્યમાં શાહની મુલાકાતોની સંખ્યા પણ નોંધપાત્ર રહી છે.
 
કહેવાય છે કે ગુજરાતની મુલાકાતો માટેનો હેતુ બંને માટે સરખો જ હોય છે. ઉપરાંત ચર્ચા એ પણ થતી રહે છે કે બંને રાજનેતા દિલ્હી ગયા પછી પણ ગુજરાતના શાસનમાં સીધી નજર રાખતા આવ્યા છે.
 
કેમ કે, ગુજરાત ભાજપનો ગઢ છે અને 'ગુજરાત મૉડલ'ને પ્રોજેક્ટ કરીને જ ભાજપે દેશમાં વિકાસના નામે મત માગ્યા હતા. આથી ભાજપ માટે ગુજરાત કેટલું મહત્ત્વનું છે એ સૌ કોઈ જાણે છે.
 
મુલાકાતો શું સૂચવે છે?
 
તદુપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જો વાત કરીએ વર્ષે 2021માં જૂન માસ સુધી તેઓ ચારથી વધુ વખત ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે.
 
જોકે તેમાં કેટલીક મુલાકાત પારિવારિક કે અંગત કારણસરની પણ રહી હતી. પરંતુ વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીની ગુજરાત મુલાકાતોની સંખ્યા, સમય અને પ્રકાર રાજકીય દૃષ્ટિએ વ્યૂહાત્મક લાગે છે.
 
કેમ કે રાજકીય નિષ્ણાતો અનુસાર વાજપેયીની સરકાર હતી ત્યારે અથવા યુપીએની સરકારમાં વડા પ્રધાન અને ગૃહમંત્રીની તેમનાં ગૃહરાજ્યોમાં થતી મુલાકાતોનો ટ્રૅન્ડ આ પ્રકારનો નહોતો.
 
તો પછી પીએમ મોદી અને અમિત શાહની ગુજરાતની મુલાકાતોને રાજકીય દૃષ્ટિએ કઈ રીતે મૂલવવી જોઈએ?
 
આ મામલે બીબીસી સાથેની વાતચીતમાં રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈએ જણાવ્યું કે બંનેની મુલાકાતો પાછળ મહદઅંશે રાજકીય હેતુ રહેલા હોય છે.
 
ડૉ. હરિ દેસાઈએ જણાવ્યું, "પીએમ મોદી અને અમિત શાહ બંને રાજકીય કારણસર જ ગુજરાત આવે છે. અને તેમનું એકમાત્ર લક્ષ્ય ચૂંટણીઓ હોય છે. તેઓ ચૂંટણીને અનુલક્ષીને જ મુલાકાતો ગોઠવતા હોય છે. કુદરતી આફત સમયની મુલાકાતો અપવાદરૂપ હોય છે."
 
"તેમનો અભિગમ પૉપ્યુલિસ્ટ પ્રકારનો એટલે કે લોકપ્રિયતા જાળવી રાખવાનો પણ છે. આ પરિબળ તેમને મત મેળવવામાં મદદરૂપ થાય છે."
 
દરમિયાન અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ ગાંધીનગર બેઠકથી સાંસદ પણ છે.
 
બે દિવસની મુલાકાત દરમિયાન તેમણે અમદાવાદ-ગાંધીનગરમાં કેટલાક પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું છે.
 
ગુજરાતની શાસનવ્યવસ્થામાં દિલ્હીની દખલ?
 
મોદી-શાહની મુલાકાતો મામલે વરિષ્ઠ પત્રકાર વિક્રમ વકીલનું કહેવું છે કે ગુજરાતના શાસનમાં હજુ પણ મોદી-શાહને રસ છે.
 
વિક્રમ વકીલ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "ગુજરાતમાં ઉચ્ચસ્તરીય બ્યૂરોક્રૅસી અને પોલીસબેડામાં મોટી બદલીઓ ઉપરાંત રાજ્યમાં લેવાતા કેટલાક નીતિગત નિર્ણયોમાં મોદી-શાહની પકડ હજુ પણ જોવા મળે છે."
 
"જોકે જ્યારે મોરારજી દેસાઈની સરકાર હતી ત્યારે તેઓ પણ ગુજરાતની વારંવાર મુલાકાતો લેતા જ હતા. એમ મોદી-શાહ પણ લે છે, કેમ કે તેઓ પૂરતી કાળજી રાખે છે કે ગુજરાતમાં વ્યવસ્થા જળવાઈ રહે. ગુજરાત તેમનું 'મૉડલ' સ્ટેટ છે. એટલે રાષ્ટ્રીય સ્તરે તેની છબી ખરડાય નહીં એનું પણ ધ્યાન રાખવામાં આવે છે."
 
તેઓ ઉમેરે છે, "ભૂતકાળની જો વાત કરીએ તો 2014 પહેલાં યુપીએ સરકારમાં સુશીલકુમાર શિંદે કેન્દ્રીય ગૃહમંત્રી હતા ત્યારે મહારાષ્ટ્રની તેઓ મુલાકાત લેતા હતા. પરંતુ રાજ્યની રાજનીતિ અને નિર્ણયોમાં મુખ્ય મંત્રી વિલાસરાવ દેશમુખ સ્વતંત્રપણે નિર્ણયો કરતા હતા. તેમાં મોવડીમંડળની અત્યંત દખલગીરી નહોતી જોવા મળતી."
 
અત્રે નોંધવું જોઈએ કે 2014 પહેલાં યુપીએની સરકાર હતી, જેમાં પી. ચિદમ્બરમ પછી મહારાષ્ટ્રના સુશીલકુમાર શિંદે કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા હતા.
 
ત્યારપછી સત્તા બદલાઈ અને ભાજપની સરકાર બની. જેમાં પહેલા રાજનાથ સિંહ ગૃહમંત્રી બન્યા અને ત્યારપછી 2019ની ચૂંટણી બાદ અમિત શાહ ગૃહમંત્રી બન્યા. રાજનાથ સિંહ હવે કેન્દ્રીય રક્ષામંત્રીનો પદભાર સંભાળી રહ્યા છે.
 
ગુજરાતની રાજનીતિમાં મોદી અને શાહની હાજરી વિશે જણાવતા વિક્રમ વકીલ કહે છે, "મોદી કેન્દ્રમાં ગયા અને વડા પ્રધાન બન્યા પછી ગુજરાતમાં નેતૃત્વ મામલે એક પડકાર સર્જાયો, કેમ કે ગુજરાત પાસે મોદી જેટલા સક્ષમ અને લોકપ્રિય રાજનેતા નથી. શાહ પણ સંગઠનમાંથી સરકારમાં ગયા. આથી ગુજરાતને ચલાવવા માટે કોઈ સક્ષમ સ્વતંત્ર વિકલ્પ પણ નથી. જેને કારણે ઘણી બાબતોમાં મોદી-શાહ વ્યક્તિગતપણે રસ લે છે. આથી મુલાકાતો થવી સ્વાભાવિક છે."
 
"આમ ગુજરાતની છબી મોદી-શાહ અને ભાજપ માટે ખૂબ જ પ્રતિષ્ઠાનો વિષય છે. તેને સાચવવી પણ તેમના માટે એક જવાબદારીનું કામ હોય એવું લાગે છે."
 
 
ચૂંટણીટાણે મુલાકાતો વધી જાય છે?
 
મોદી-શાહની છેલ્લી મુલાકાતની વાત કરીએ તો અમિત શાહ એપ્રિલ મહિનામાં અમદાવાદમાં ધન્વંતરિ હૉસ્પિટલની કામગીરીની સમીક્ષા કરવા આવ્યા હતા, જ્યારે પીએમ મોદી તૌકતે વાવાઝોડાના સમયે નુકસાનની સમીક્ષા કરવા આવ્યા હતા.
 
તેમણે સૌરાષ્ટ્ર પંથકમાં થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને પછી કેન્દ્ર સરકારે નુકસાન માટે એક હજાર કરોડના વળતરની જાહેરાત કરી હતી.
 
બીજી તરફ અમિત શાહની મુલાકાતો મામલે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલનું કહેવું છે કે ચૂંટણીઓ આવવાની હોય એટલે બંનેની મુલાકાતો વધી જાય છે.
 
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મોદી અને શાહ કંઈકને કંઈક નવું કરતા રહે છે. ક્યારેક સી પ્લેનમાં ઉડાણ ભરે તો ક્યારેક ઉદ્ધાટનો કરે. ચૂંટણી આવવાની હોય એટલે જાહેરાત કરીને જતા રહે છે."
 
તેમણે ઉમેર્યું, "વળી મોદી મુલાકાતોમાં આવીને સ્થિતિ સંભાળી લેતા હોય છે. ઉપરાંત શહેરી મતદારો સાથે ભાજપના નેતાઓ એક સારો સંવાદ જાળવી રાખે છે, કેમ કે શહેરી મતદારો ભાજપ માટે મોટો આધાર છે. ગ્રામ્ય સ્તરે સ્થિતિ અલગ છે. આથી તેમના મોટા ભાગના કાર્યક્રમો પણ શહેરી મતદારો કેન્દ્રીત જ હોય છે."
 
"તેઓ ચૂંટણી સમયે પણ જિલ્લાના વડામથકે સભાઓ કરે છે. ગામડાંમાં જઈને લોકોને ત્યાં રોકાતા નથી અને ભોજન નથી લેતા. આ ટ્રૅન્ડ ગુજરાતમાં નથી દેખાતો, જે અન્ય રાજ્યોમાં જોવા મળે છે."
 
"જોકે એક બાબત રસપ્રદ છે કે જ્યારે મોદી ગુજરાતમાં હતા ત્યારે તેમને કોઈ બહારના નેતા ગુજરાતમાં આવે તે પસંદ નહોતું આવતું. પણ હવે જ્યારે તેઓ દિલ્હી છે, તો શાહ અને પોતે વારંવાર ગુજરાત આવતા રહે છે. જોકે મોદી વડા પ્રધાન તરીકે સત્તાવાર પ્રવાસ કરે છે. કોઈ પાર્ટી કે વ્યક્તિગત કારણસર મુલાકાતે નથી આવતા. પરંતુ શાહ આ મામલે જુદા તરી આવે છે."
 
અમિત શાહની છેલ્લાં બે વર્ષની ગુજરાત મુલાકાતો
 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ષ 2020માં ગુજરાતની ચાર વખત મુલાકાત લીધી છે, જ્યારે વર્ષ 2021ના જૂન સુધીમાં ચારથી વધુ વખત મુલાકાતો લીધી છે.
 
તેમણે ફેબ્રુઆરી-2020માં ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વખતે ગુજરાતની મુલાકાત લીધી હતી. પછી માર્ચ-2020માં એક મુલાકાત લીધી જે વ્યક્તિગત કારણસર રહી હોવાની વાત હતી.
 
વળી ગત વર્ષે લૉકડાઉન ખૂલ્યા પછી પ્રથમ મુલાકાત તેમણે ઑક્ટોબર-2020માં લીધી હતી. જે આઠ બેઠકની પેટાચૂંટણીઓ પહેલાંની મુલાકાત હતી.
 
ત્યારબાદ નવેમ્બર-2020માં કચ્છની મુલાકાત લીધી. અહીં તેમણે બનાસકાંઠા, પાટણના સરહદી વિસ્તારનાં ગામડાંના સરપંચોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ ધોરડોમાં યોજાયો હતો.
 
દરમિયાન જો વર્ષ 2021ની વાત કરીએ તો તેઓ જાન્યુઆરીમાં ઉત્તરાયણના પ્રસંગે અમદાવાદમાં જ પંતગોત્સવ કરવાના હતા. તેઓ કાર્યકર્તાઓ સાથે દર વર્ષે આ રીતે રહેતા હોય છે. પણ કોરોના વાઇરસની મહામારીને પગલે કાર્યક્રમ રદ રકાયો હતો.
 
પરંતુ ફેબ્રુઆરીમાં તેઓ મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ઉદ્ધાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
 
જોકે તેમની માર્ચ મહિનાની મુલાકાત ઘણી ચર્ચિત રહી હતી. કેમ કે ત્યારે એનસીપીના નેતા શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે તેમની બેઠક થઈ હોવાના અહેવાલ નોંધાયા હતા.
 
અત્રે નોંધવું કે મહારાષ્ટ્રમાં એનસીપી-કૉંગ્રેસ-શિવસેના યુતિની સરકાર છે. અને મુકેશ અંબાણીના નિવાસસ્થાન બહાર કારમાં બૉંબ મળી આવ્યાના વિવાદ ટાણે આ બેઠકના સમાચાર વહેતા થયા હતા.
 
એ બાદ છેલ્લે એપ્રિલ મહિનામાં અમદાવાદમાં ધન્વંતરિ હૉસ્પિટલ તૈયાર કરાઈ તેના નિરીક્ષણ માટે આવ્યા હતા.
 
વળી આ વર્ષે તેઓ એક વખત હૉસ્પિટલમાં સારવાર અર્થે પણ ગુજરાત આવ્યા હોવાના અહેવાલ નોંધાયા હતા.
 
સૌથી રસપ્રદ વાત એ પણ છે કે જ્યારે-જ્યારે અમિત શાહ ગુજરાતની મુલાકાતે હોય છે ત્યારે ગુજરાતના નેતૃ્ત્વમાં ફેરફારની અટકળો શરૂ થઈ જતી હોય છે. આ વખતે પણ આવું જ થયું હતું. અટકળો સર્જાઈ કે કૅબિનેટનું વિસ્તરણ અથવા ફેરબદલ થઈ શકે છે.
 
જોકે, મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પત્રકારપરિષદમાં સ્પષ્ટતા કરી હતી કે આ પ્રકારની કોઈ બાબત ઘટવાની નથી. અને અટકળોમાં કોઈ તથ્ય નથી.