ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 9 જૂન 2021 (13:14 IST)

કોરોના વૅક્સિનેશન : ગુજરાત સહિત આખા દેશમાં મહિલાઓ કેમ પાછળ છે?

દિલ્હીના સુંદરનગરમાં રહેતાં નિશા પાર્લરમાં કામ કરે છે. લૉકડાઉનમાં પતિની નોકરી જતી રહી હતી અને તેઓ પાર્લરમાં કામ કરતાં રહ્યાં અને જેમતેમ કરીને ગુજરાન ચાલતું રહ્યું.
 
નિશાએ કોરોના વૅક્સિન લેવા માટે એક પરિચિત સ્ત્રીની મદદ લીધી હતી. તે મહિલા એનજીઓમાં કામ કરે છે. વૅક્સિન માટે હૉસ્પિટલમાં સ્લૉટ મળી ગયો, પરંતુ તે વખતે પરિવારમાં લગ્નપ્રસંગ હતો.
 
નિશા કહે છે, "પાર્લરમાં કામ કરવું પણ જરૂરી હતું, કેમ કે તેના પર ઘર ચાલે છે. લૉકડાઉનમાં બહુ થોડી સ્ત્રીઓ પાર્લરમાં આવે છે, એથી કામ ના કરીએ તો માલકણ નારાજ થઈ જાય. બીજું કે ઘરમાં લગ્ન હતાં. મને ડર લાગતો હતો, કેમ કે મેં સાંભળ્યું હતું કે વૅક્સિન લેવાથી નબળાઈ આવી જાય છે. દર્દ પણ થાય છે અને તાવ પણ આવે છે."
 
"વૅક્સિન લેવી પણ જરૂરી હતી, કેમ કે હું બીમાર પડી જાઉં તો પાર્લરમાં કામ કરવા ના જઈ શકું. ઘરમાં પણ લગ્નનું કામ હોય તે ના કરી શકું. ઘરના લોકો પણ ટોણાં મારત કે ઘરમાં લગ્ન હતું ત્યારે જ વૅક્સિન લેવાની ક્યાં જરૂર હતી. આથી મેં વૅક્સિન લેવાનું ટાળ્યું. જોકે મારા પતિએ વૅક્સિન લઈ લીધી છે."
 
જોકે કમલેશ વૅક્સિન ના લેવા માટે જુદું જ કારણ આપે છે.
 
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની કમલેશ ઘરેઘરે જઈને રસોઈ કરવાનું કામ કરે છે. મેં પૂછ્યું કે રસી લઈ લીધી? તો જવાબ હતો - નથી લીધી. મેં પૂછ્યું કે શા માટે - તો કહ્યું વૅક્સિન લેવાથી મોત થઈ શકે છે.
 
વૅક્સિનની બાબતમાં તેના મનમાં અલગ જ પ્રકારનો ભ્રમ હોય તેમ લાગ્યું. જોકે આવી વાત સાંભળવી મારા માટે કોઈ નવી બાબત નહોતી. પરંતુ મને નવાઈ એ લાગી કે શિક્ષિત પરિવારમાં રસોઈ બનાવવા જનારી મહિલા પણ કેવી રીતે વિચારતી હોય છે.
 
કમલેશનાં જણાવ્યા અનુસાર તેના ગામનાં પતિ-પત્ની વૅક્સિન લેવા માટે ગયા હતા, પણ પાછા ફરતા રસ્તામાં જ તેમનાં મોત થઈ ગયાં. તેમના ગામમાં હવે સહુના મનમાં ડર ઘર કરી ગયો છે. કોઈ વૅક્સિનનું નામ લેવા માટે પણ તૈયાર નથી.
 
મેં જણાવ્યું કે આ કોઈ વાત નથી, આ બધી અફવાઓ છે, ત્યારે તેણે જણાવ્યું કે મારા ઘરના જ ના પાડે છે તો પછી શા માટે રસી લઉં.
 
વૅક્સિનની બાબતમાં ઘણીબધી શંકાઓ અને ભ્રમ ફેલાયેલા હોય તેવું લાગે છે. જોકે એવું પણ નથી કે કોઈ રસી નથી લઈ રહ્યા.
 
સરકારના આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર અત્યાર સુધીમાં 23,27,86,482 લોકોને વૅક્સિન આપી દેવામાં આવી છે. જોકે આ આંકડાને જોઈએ તો રસી લેવામાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા ઘણી પાછળ છે.
 
સરકારની વેબસાઇટ www.cowin.gov.in પર 6 જૂને જાહેર થયેલા આંકડા અનુસાર 9,92,92,063 પુરુષોએ રસી લીધી છે, જ્યારે રસી લેનારી સ્ત્રીઓની સંખ્યા છે 8,51,85,763. એટલે કે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે સંખ્યામાં એક કરોડ જેટલો ફરક છે.
 
કોવિન ડેશબોર્ડ મુજબ ગુજરાતમાં 78,86,815 પુરુષોનું રસીકરણ થયું છે. જ્યારે તેની સામે 66,98,781 મહિલાઓનું રસીકરણ થયું છે. આમ, ગુજરાતમાં પણ મહિલાઓનું પુરુષોની સરખામણીમાં દસેક લાખ જેટલું રસીકરણ ઓછું છે.
 
આવી સ્થિતિ શા માટે?
 
રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જન સ્વાસ્થ્ય કેન્દ્ર બડગાંવમાં સિનિયર મેડિકલ ઑફિસર અશોક શર્મા આનું કારણ આપે છે. તેઓ કહે છે કે સ્ત્રીઓએ પુરુષો પર નિર્ભર રહેવું પડે છે. સ્ત્રીઓને વૅક્સિન કેન્દ્ર સુધી લઈ જાય કોણ? સ્ત્રીનો પતિ જ તેને ત્યાં લઈ જાય. એટલે પત્ની એકલી વૅક્સિન લેવા આવે તે અસંભવ છે.
 
ડૉક્ટર અશોક શર્મા કહે છે, "બીજું કે ડૉક્ટર પણ કહેતા હોય કે છે કે બે-ત્રણ દિવસ તાવ જેવું આવશે, તો સ્ત્રીઓ વિચારમાં પડી જાય કે પોતાને તાવ આવશે તો ઘરમાં રાંધશે કોણ, પશુઓને ચારો કોણ નાખશે, બકરીઓને કોણ સંભાળશે?"
 
''સરકાર કોવિડ ટેસ્ટ માટેની સુવિધા પણ આપે છે, પરંતુ સ્ત્રીઓ આગળ આવતી નથી. તેને ડર હોય છે કે પોતાનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો તો બધા તેનાથી દૂર થઈ જશે."
 
"એથી વૅક્સિન લગાવવાની વાત તો બાજુએ જ રહી જાય છે. પતિ વિચારે કે પત્નીને તાવ આવી જશે તો ઘરનું કામકાજ કોણ કરશે? જોકે પુરુષોને સમજાવામાં આવે છે કે કોવિડ-19ની બીમારી આવશે તો કેટલાય દિવસો સુધી ઘર કોણ સંભાળશે અને આવી સ્થિતિમાં 14 દિવસ સુધી સ્થિતિ બગડેલી રહેશે."
 
"અને વૅક્સિન પછી તાવ આવે તો દવા લઈને તેને ઓછો કરી શકાય છે. બીજું કે મહિલા આરોગ્ય કર્મચારીઓ, જેમ કે આશાવર્કર, એએનએમ (સહાયક નર્સ મિડવાઇફ)નું ઉદાહરણ આપવામાં આવે છે. તે બધાએ રસી લીધી છે અને આરામથી કામ કરે છે.''
 
તો સવાલ એ થાય છે કે સરકાર ગામડાંના લોકોને વૅક્સિન માટે પ્રોત્સાહન આપવાના પ્રયાસો કેમ કરતી નથી?
 
"અમે એ માટે પ્રયાસો કરી જ રહ્યા છીએ કે સ્ત્રીઓ રસી લેવા આવે. આ માટે એએનએમ પણ કામ કરે છે, પરંતુ પુરુષોની સામે માત્ર ચોથા ભાગની મહિલાઓ જ આ વિસ્તારમાં વૅક્સિનેશન માટે આવી છે."
 
જોકે શહેરમાં સ્થિતિ જુદી છે. તેઓ કહે છે, "મારા કેન્દ્ર પર શહેરોમાંથી સ્ત્રીઓ રસી લેવા માટે આવે છે, પરંતુ ગામની મહિલાઓ બહાર નીકળતી નથી."
 
મહિલાઓ પુરુષો પર નિર્ભર
બિહારના જન સ્વાસ્થ્ય અભિયાન સાથે જોડાયેલા અને મહિલા અને બાળ-કલ્યાણ માટે કામ કરનારી સંસ્થા ચાર્મના ડિરેક્ટર ડૉક્ટર શકીલ સ્ત્રીઓ શા માટે વૅક્સિન નથી લેતી તેના માટે ઘણાં કારણો આપે છે. તેમાં સૌથી મોટું કારણ છે કે વૅક્સિન માટે સ્ત્રીઓના મનમાં રહેલો ખચકાટ.
 
તેમનું કહેવું છે કે જે રીતે પોલિયો માટે પણ અફવાઓ ઊડી હતી તેના કારણે પુરુષો પિતા નહીં બની શકે. એવું જ આ વૅક્સિન માટે લોકોના મનમાં શંકાઓ ઊભી થવા લાગી છે.
 
ડૉક્ટર શકીલ કહે છે, ''સ્ત્રીઓને ડર છે કે વૅક્સિન લેવાથી તે વાંઝણી ના રહી જાય. ગર્ભ ધારણ કરવા માગતી સ્ત્રી દુવિધામાં છે કે વૅક્સિન લેવી કે નહીં. પહેલો ડોઝ લીધા બાદ ગર્ભવતી થયેલી સ્ત્રીઓ મૂંઝાઈ રહી છે કે બીજો ડોઝ લેવો કે નહીં."
 
"બીજું કે પરિવારમાં નિર્ણય લેવાની વાત આવે ત્યારે તે અધિકાર સ્ત્રીઓ પાસે હોતો નથી. સ્વાસ્થ્યની બાબતમાં તો બિલકુલ તેને અધિકાર મળતો નથી. એટલે સ્ત્રી પોતે વૅક્સિન લઈ આવે તે વાત દૂરની છે. તેની ઇચ્છા હોય તો પણ વૅક્સિન કેન્દ્ર સુધી જવા માટે પુરુષ નિર્ભર રહેવું પડે છે.''
 
તેઓ કહે છે, "ક્યાંક એવો પણ ડર છે કે તેનાથી મોત થઈ જશે. સરકારે એવું કરવાની જરૂર છે કે રસી વિશે સ્ત્રીઓના મનમાં શંકાઓ છે તે દૂર કરવા માટે આશાવર્કર અને એએનએમ મારફત જાગૃતિ ફેલાવવામાં આવે. તેઓ મહિલાઓના સવાલોના જવાબ આપે જેથી તેમની વચ્ચે ફેલાયેલો ભ્રમ દૂર થઈ શકે."
 
બિહારમાં સરકારે કોરોના વૅક્સિનના રજિસ્ટ્રેશન માટે અને તરત વૅક્સિનેશન માટે મોબાઇલ વાન પણ ચલાવી છે. પરંતુ આ વાન ગામમાં જાય ત્યારે તેને ત્યાંથી ભગાવી મૂકવામાં આવે છે એવા સમાચારો છે.
 
જોકે ડૉક્ટર શકીલ આશા વ્યક્ત કરે છે કે છેલ્લા દોઢ-બે મહિનાથી શહેરોમાંથી મજૂરો ગામડે પરત ફરી રહ્યા છે, કદાચ તેઓ રસી માટે સાચી સમજ ફેલાવશે.
 
પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર સુરેશ કે. રાઠી કહે છે કે માત્ર રસીકરણની બાબતમાં જ નહીં, સમાજમાં દરેક બાબતમાં સ્રી-પુરુષના ભેદ છે."
 
"વૅક્સિનને કારણે વાંઝિયાપણું આવશે તેવી અફવા ફેલાણી છે. વસતીમાં સ્ત્રીઓનું પ્રમાણ પણ ઓછું છે અને લોકોમાં વૅક્સિનની સાઇડ ઇફેક્ટનો પણ ડર છે."
 
"બીજું કે કોરોનાની બીજી લહેરમાં ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. વૅક્સિનેશન કેન્દ્રોમાં પણ ભીડ હતી ત્યાં જવાનો ડર લાગે તેમ હતો. પુરુષો કામ માટે બહાર ગયા હોય ત્યારે રસી લેતા આવે, પરંતુ મહિલાઓ એ રીતે બહાર નીકળતી નહોતી."
 
"જોકે રજિસ્ટ્રેશન કેટલું થયું અને તેમાં સ્ત્રી અને પુરુષોની સંખ્યાનું પ્રમાણ કેટલું છે તે પણ જોવું પડે. કેમ કે સરકારે સૌને રસી લેવા માટે કહ્યું છે. તે પછી જ નક્કી કરવું જોઈએ કે આ માટેનું કારણ શું છે."
 
"એક બીજી રીતે પણ આને જોવું જોઈએ કે એક રાજ્યની સ્થિતિની સરખામણી બીજા રાજ્ય સાથે કરવી જોઈએ નહીં. દરેકમાં અલગઅલગ સ્થિતિ છે. માઇગ્રેશન વર્કર જ્યાં કામ કરવા ગયા છે, ત્યાં તેમણે રસી લઈ લીધી, પરંતુ તેમનો પરિવાર ગામડે છે. તેથી એ રીતે પણ આંકડાને જોવા જોઈએ."
 
કાશ્મીરમાં ડૉક્ટરોએ સોશિયલ મીડિયાનો કર્યો ઉપયોગ
જમ્મુ અને કાશ્મીરમાં ડૉક્ટર્સ ઍસોસિએશન (કાશ્મીર)ના અધ્યક્ષ ડૉક્ટર નિસાર ઉલ હસન કહે છે કે શરૂઆતમાં વૅક્સિનેશન માટે લોકોમાં ખચકાટ હતો અને શંકા હતી. અહીં 12,07,888 સ્ત્રીઓને વૅક્સિન અપાઈ ચૂકી છે. સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે 4,93845 જેટલો ફરક છે.
 
ડૉક્ટર નિસાર ઉલ હસનનું કહેવું હતું કે, "અહીં પુરુષ અને સ્ત્રીઓમાં ખોટી માન્યતા હતી કે વૅક્સિનથી વાંઝિયાપણું આવશે. વૅક્સિન ઝડપથી તૈયાર થઈ છે એટલે ખબર નહીં કેટલી અસરકારક હોય. તેનાથી નુકસાન પણ થઈ શકે છે. સ્તનપાન કરાવતી માતા પણ ડરતી હતી. ધીમેધીમે અમે લોકોની બધી શંકાઓ દૂર કરી. હવે ગામડાં અને શહેરોમાં પણ સ્ત્રીઓ વૅક્સિન લઈ રહી છે."
 
"અમે બધા હેલ્થવર્કર્સને કહ્યું હતું કે વૅક્સિન લઈને તમારી તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરજો. તેમાં સ્ત્રીઓ અને પુરુષો બંને હતા. તેઓએ લોકોને જણાવ્યું કે જુઓ અમે બિલકુલ સાજાસારા છીએ અને અફવા પ્રમાણે દોરાશો નહીં."
 
"બીજું કે સરકારે પણ ઘરેઘરે ફરીને કેમ્પેઇન ચલાવી અને લોકોને રસી આપવામાં આવી. આથી શરૂઆતમાં લોકોમાં વૅક્સિનેશન માટે જે ઉદાસીનતા હતી, તે હવે ઘણી ઓછી થઈ ગઈ છે."
 
બીજી બાજુ છત્તીસગઢ અને કેરળ બે એવાં રાજ્યો છે, જ્યાં સ્ત્રીઓ રસી લેવાની બાબતમાં પુરુષોથી આગળ નીકળી ગયાં છે. પરંતુ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે આંકમાં 24 લાખનો ફરક છે.
 
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે 75 પિન્ક બૂથ બનાવવા માટે આદેશ કર્યો હતો, જે સોમવારથી શરૂ થઈ ગયા છે. અહીં માત્ર સ્ત્રીઓને રસી લગાવવાનું કામ થાય અને ત્યાં માત્ર મહિલા કર્મચારીઓ જ હોય છે.
 
શહેરોમાં વૅક્સિન માટે પુરુષો રજિસ્ટ્રેશન કરે છે અને સ્ત્રીઓ પણ આગળ આવી રહ્યાં છે. ઘણાં રાજ્યોમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેનો ફરક ઓછો પણ થઈ રહ્યો છે. આમ છતાં ઘણા ગામડાંમાં હજી પણ વૅક્સિન માટે ઉદાસીનતા છે. સાથે જ અફવા અને ડરથી લોકો પ્રભાવિત થયેલા છે.
 
આવા પરિવારોમાં જ કમલેશ જેવી નારીઓના પરિવારનો સમાવેશ થાય છે. આવા પરિવારોના મનમાંથી ડર દૂર કરવાની વાતને સરકારે પ્રાથમિકતા આપવાની જરૂર છે, જેથી 100 ટકા વૅક્સિનેશનના લક્ષ્યાંક સુધી પહોંચી શકાય.