મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 મે 2021 (15:54 IST)

કોરોના : આંધ્ર પ્રદેશમાં ઓક્સિજનની અછતથી 11 દર્દીઓનાં મોત, પરિવારજનોના તંત્ર પર સવાલ

આંધ્ર પ્રદેશમાં તિરુપતિની એક સરકારી હૉસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 11 કોરોના દર્દીઓનાં મોત થઈ ગયાં છે.
 
આ તમામ દર્દીઓ ચિત્તુર જિલ્લાની તિરુપતિ રુઇયા હૉસ્પિલટલના ICU વૉર્ડમાં દાખલ હતા.
 
ચિત્તુર જિલ્લા કલેક્ટર હરિનારાયણે કહ્યું કે સોમવારે રાત્રે લગભગ આઠ વાગ્યે પાંચ મિનિટ માટે ઓક્સિજનનો પુરવઠામાં મામૂલી કમી આવી હતી, જેના કારણે કોરોનાના 11 દર્દીઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
 
જોકે, મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે પાંચ મિનિટ સુધી નહીં પરંતુ અડધા કલાક સુધી ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો હતો.
 
હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર ભારતીએ પણ ઑક્સિજનના પુરવઠામાં કમીની વાત સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે આ અકસ્માત ઓક્સિજન સપ્લાયના પ્રેશરમાં કમી આવવાને કારણે થયો.
 
જોકે, બાદમાં ઓક્સિજનનો પુરવઠો ફરીથી બહાલ થઈ ગયો પરંતુ આ દરમિયાન 11 દર્દીઓએ પોતાના જીવ ગુમાવી દીધા હતા.
 
હૉસ્પિટલમાં દાખલ અને પોતાના દર્દીઓ સાથે હાજર પરિવારજનોનો આરોપ છે કે મૃતકોની સંખ્યા 11 કરતાં વધુ છે.
 
જો સિલિન્ડર ન હોત તો
 
રુઇયા હૉસ્પિટલના જે વૉર્ડમાં આ અકસ્માત થયો ત્યાં જ દસ હજાર લીટરની ક્ષમતાવાળો એક ઑક્સિજન ટૅન્ક છે.
 
તેમ છતાં ઓક્સિજનનો પુરવઠો એકાએક ખોરવાઈ ગયો. જેમ-જેમ ઓક્સિજન ઘટી રહ્યો હતો દર્દીઓની હાલત ખરાબ થતી જતી હતી. જોકે, કેટલાકને ઓક્સિજન સિલિન્ડરની મદદથી ઓક્સિજન અપાઈ પરંતુ તે બધા માટે પૂરતું સાબિત ન થઈ શક્યું.
 
ઘટના સમયે હૉસ્પિટલમાં 150 દર્દી વૅન્ટિલેટર પર હતા.
 
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે લગભગ અડધા કલાક સુધી બેચેનીનો માહોલ રહ્યો અને આ દરમિયાન જ કેટલાક લોકોનાં મૃત્યુ થઈ ગયાં.
 
લગભગ ત્રીસ મિનિટ બાદ તામિલનાડુથી ઓક્સિજન આવ્યો અને પ્લાન્ટને ભરવામાં આવ્યો, જે બાદ ઓક્સિજનનો પુરવઠો ફરીથી બહાલ થઈ શક્યો.
 
અકસ્માતના સમાચાર મેળવીને હૉસ્પિટલ આવી પહોંચેલા ચિત્તુરના જિલ્લાધિકારી એમ. હરિ નારાયણને જણાવ્યું કે અકસ્માત રાત્રે સાડા આઠ વાગ્યે થયો. ઓક્સિજન સિલિન્ડરને ફરીથી લોડ કરવામાં પાંચ મિનિટનું મોડું થવાના કારણે દર્દીઓના જીવ ગયા.
 
જિલ્લાધિકારીએ જણાવ્યું કે હૉસ્પિટલમાં ઓક્સિજનની અછત નહોતી. તેમણે કહ્યું કે ઘટના બાદ તાત્કાલિક 30 ડૉક્ટર ICUમાં ગયા
 
તેમણે કહ્યું, "મુશ્કેલીથી પાંચ મિનિટ માટે પ્રૅશર ઓછું રહ્યું હશે, આ દરમિયાન એક ટૅન્કર આવી ગયું, પરંતુ જ્યાં સુધી તેનાથી ઓક્સિજનનો પુરવઠો બહાલ કરી શકાય ત્યાં સુધી 11 દર્દીઓનાં મોત થઈ ગયાં."
 
ઘટનાની જાણકારી મળતાં જ હૉસ્પિટલમાં દાખલ રોગીઓના પરિવારજનો મોટી સંખ્યામાં હૉસ્પિટલમાં આવવા લાગ્યા.
 
ડૉક્ટરોએ પણ અધિકારીઓને લઈને નારાજગી વ્યક્ત કરી. તેમનો આરોપ હતો કે બેદરકારીના કારણે જ આ અકસ્માત થયો છે.
 
કઈ રીતે ઘટના ઘટી?
 
જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે "ઓક્સિજનની કોઈ કમી નથી. ઓક્સિજનની આપૂર્તિમાં આવેલી તકનીકી ખામીને કારણે સમસ્યા સર્જાઈ હતી."
 
"અમે સ્થિતિને તરત કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, જેનાથી અનેક લોકોના જીવ બચી ગયા."
 
જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડીએ જિલ્લાધિકારી સાથે વાત કરીને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
 
સાથે જ તેમણે રાજ્યની તમામ હૉસ્પિટલો પર નિગરાની રાખવાના આદેશ આપ્યા છે.
 
રાજકીય પ્રતિક્રિયા
આંધ્ર પ્રદેશના ભાજપના અધ્યક્ષ સોમુ વીરરાજે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે ઓક્સિજનની કમીના કારણે દરદીઓનાં થયેલાં મૃત્યુ એ સરકારની નિષ્ફળતાથી વધુ કંઈ જ નથી.
 
તેમણે માગ કરી છે કે સરકાર પીડિત પરિવારોને આર્થિક સહાય કરે.
 
તેલુગુ દેશમ પાર્ટીના નેતા નારા લોકેશનો આરોપ છે કે રુઇયા હૉસ્પિટલમાં થયેલી ગુર્ઘટના એ વાતનો પુરાવો છે કે સરકારને લોકોની જિંદગીની કોઈ ચિંતા નથી.
 
જનસેનાના પ્રમુખ પવન કલ્યાણે કહ્યું છે કે સરકારે તરત જ આ પ્રકારની સ્થિતિને રોકવા અંગે પગલાં લેવાની જરૂર છે.