શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ઝુબેર અહમદ , શનિવાર, 6 જૂન 2020 (09:07 IST)

ચીન સામેનું 'બહિષ્કાર આંદોલન' ભારતમાં સફળ થઈ શકશે?

ભારતની સરહદે ચીન સાથે ચાલી રહેલા વિવાદ અને વિશ્વમાં કોરોના વાઇરસના પ્રસાર માટે ચીન પર લગાવાઈ રહેલા આરોપોને પગલે દેશમાં મુખ્યત્વે સોશિયલ મીડિયામાં ચાઇનીઝ પેદાશો અને સોફ્ટવૅરો પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે શરૂ થયેલું અભિયાન વ્યાપક બને એ પહેલાં જ મંદ પડવા લાગ્યું છે.
 
પરંતુ ભારત-ચીન સીમાવિવાદની જેમ જ ભારતમાં ઍન્ટિ-ચાઇના અભિયાન અધવચ્ચે જ અટકી પડ્યું.
 
કેટલાંક રાષ્ટ્રવાદી વ્યક્તિત્વો દ્વારા ઉઠાવાયેલ આ પ્રતિબંધની માગ વડા પ્રધાને હાલમાં ઉચ્ચારેલા આત્મનિર્ભર ભારતના સૂત્ર અને ભારત-ચીન સીમાવિવાદને કારણે કેન્દ્રની મોદી સરકારને એક અલ્પજીવી રાજકીય મુદ્દો જરૂર બન્યો હશે.
 
પરંતુ ભારતમાં મોટા પ્રમાણમાં ચીનની પેદાશોની હાજરીની વાતથી કોઈ મોઢું ન ફેરવી શકે.
 
ભારતના નાગરિકોનાં બેડરૂમ, પંખા, ઍરકંડિશનર, મોબાઇલ ફોન અને પેટીએમ જેવા મોબાઇલ વૉલૅટમાં પણ ચીનની હાજરી દેખાઈ આવે છે.
 
ચીની સામાન પર પ્રતિબંધની માગ કરતું આ અભિયાન પડી ભાંગ્યું, એ માટે ધંધાદારીઓના પીઠબળના અભાવને પણ કારણભૂત મનાઈ રહ્યું છે. જોકે, ફ્લિપકાર્ટ અને ઍમેઝોન જેવા ઑનલાઇન પ્લૅટફૉર્મ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 'વૉકલ ફૉર લોકલ'ની હાકલને પગલે વધુને વધુ ભારતીય પેદાશો દેખાવા લાગી છે.
 
ભારતમાં સર્વત્ર છે ચીન
 
ચીને પ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલે FDI અંતર્ગત ભારતમાં માત્ર છ બિલિયન ડૉલર રોક્યા છે, જ્યારે પાકિસ્તાનમાં આ રોકાણ 30 બિલિયન ડૉલરનું છે.
 
પરંતુ ચીન ભારતમાં કરેલા તેના રોકાણ વડે અસમાન લાભ મેળવતું હોવાના આરોપો લાગતા રહ્યા છે.
 
મુંબઈસ્થિત ફૉરેન અફેર થિંકટૅંક 'ગેટવૅ હાઉસ' દ્વારા ચીનનું રોકાણ ધરાવતી ભારતમાં આવેલી આવી 75 કંપનીઓ ઓળખી કાઢી છે, જે ઈ-કૉમર્સ, ફિનટેક, મીડિયા/સોશિયલ મીડિયા અને લૉજિસ્ટિક્સ ક્ષેત્રે કાર્યરત્ છે.
 
તેના તાજેતરના એક અહેવાલમાં સામે આવ્યું હતું કે ચીન ભારતમાં આવેલી 30 ટોચની યુનિકૉર્ન કંપનીઓમાં હિત ધરાવે છે, આપને જણાવી દઈએ કે યુનિકૉર્ન એટલે કે એવી ખાનગી સ્ટાર્ટઅપ કંપની જેનું મૂલ્ય એક બિલિયન ડૉલર આંકવામાં આવ્યું હોય. રિપોર્ટ અનુસાર, ટેક સૅક્ટરમાં તેના રોકાણની પ્રકૃતિને કારણે ચીન ભારત પર ઔદ્યોગિક ક્ષેત્રે આવી પકડ ધરાવે છે.
 
ઉદાહરણ તરીકે ટિકટૉકની માતૃસંસ્થા બાઇટડાન્સ, જે હાલ ભારતમાં યૂટ્યૂબ કરતાં પણ વધુ લોકપ્રિય બની ગઈ છે.
 
જોકે, ભારત ચીનના રોકાણની આ રણનીતિથી અમુક અંશે પરિચીત હતું. આ રણનીતિથી સફાળી જાગી ઊઠેલી ભારત સરકારે તાજેતરમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ અંગેના નિયમો બદલી નાખ્યા હતા. જે અંતર્ગત ભારતની સાથે જમીન થકી જોડાયેલા તમામ દેશોએ ભારતીય કંપનીઓમાં મૂડીરોકાણ કરતાં પહેલાં ભારત સરકારની પૂર્વમંજૂરી લેવાની રહેશે.
 
આ નવા નિયમને કારણે ચીનની કંપનીઓ થોડી મુશ્કેલીમાં જરૂર મુકાઈ હતી, પરંતુ નવા નિયમોની અસર એપ્રિલમાં કરેલા રોકાણ પર નહીં પડે.
 
ચીનની રોકાણની રણનીતિને માત આપવા માટે ભારત કડક હાથે કામ લઈ રહ્યું હોવા છતાં ભારતમાં સર્વત્ર ચીની પેદાશો પથરાયેલી જોવા મળે છે.
 
હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોરોનામાં ફાયદાકારક ગણાવવામાં આવેલ દવા હાઇડ્રોક્સિક્લોરોક્વિન, જે ભારત દ્વારા હાલ નિકાસ કરાતી મૂલ્યવાન દવાઓ પૈકી એક છે,
 
આ દવા બનાવવા માટે ઉપયોગી કાચો માલ ચીનથી આયાત કરવામાં આવે છે. આ સિવાય ભારતમાં તૈયાર કરાતી અને નિકાસ કરાતી અન્ય એક દવા ક્રોસિનની બનાવટ માટે ઉપયોગી કાચો માલ પણ ચીનથી મગાવવામાં આવે છે.
 
ભારતીય સંસદમાં ભારત સરકાર તરફથી રજૂ કરાયેલા એક જવાબમાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે, ભારતમાં દવાના ઉત્પાદકો દ્વારા લગભગ 70 ટકા કાચો માલ ચીનમાંથી આયાત કરવામાં આવે છે. 2018-19ના નાણાકીય વર્ષમાં દવા ઉત્પાદકો દ્વારા ચીન પાસેથી 2.4 બિલિયન ડૉલરના કાચા માલની ખરીદી કરી હતી.
 
ભારત એ દવાની નિકાસ બાબતે વિશ્વના ટોચના દેશોમાં સામેલ છે. વર્ષ 2018-19માં દેશની દવાની નિકાસ 11 ટકા વધીને 19.2 બિલિયન ડૉલર પહોંચી ગઈ હતી.
 
આ સિવાય ભારતના ફાર્માઉદ્યોગ જેનરિક દવાઓ, જે ઉદ્યોગની કુલ કમાણીનો 75 ટકા હિસ્સો ધરાવે છે, તેનું ઉત્પાદન પણ મોટા ભાગે ચીન પર જ આધારિત છે.
 
ભારત ચીનમાંથી કાચો માલ મેળવવાનું એટલા માટે પણ પસંદ કરે છે, કારણ કે તે ઓછી કિંમતે અને સુલભ હોય છે.
 
ચીનની સિંચુઆન યુનિવર્સિટીના સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર હુઆંગ યુનસોંગે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ વલણ એ દર્શાવે છે કે બંને દેશો એકબીજા પર આધારિત છે. ચીનના દવાઓના કાચા માલના ઉત્પાદકો ભારતના દવાઉદ્યોગ વગર ન ટકી શકે."
 
 
ચીનથી આયાત માલ પર અવલંબન
 
પરંતુ સત્ય તો એ છે જેટલી ચીનને ભારતની જરૂર છે, તેના કરતાં ઘણી વધી હાલ ભારતને ચીનની જરૂર છે. બંને વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં જોવા મળતી અસમતુલા આનું ઉદાહરણ છે. ગત વર્ષે બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 90 બિલિયન ડૉલર હતો, જે પૈકી બે-તૃતિયાંશ ભાગ ભારતમાં ચીન તરફથી કરાતી પોતાના માલની નિકાસનો હતો.
 
પ્રોફેસર હુઆંગ યુનસોંગ આ મુદ્દાને બે દેશો વચ્ચેની બાબતે ગણાવે છે.
 
'સામાન્ય ભાષામાં કહું તો માળખાગત રીતે આ પ્રશ્ન આપણા અર્થતંત્રોનો છે, જે વિકાસના અલગ-અલગ સ્તરે છે. આ પ્રશ્નનો નિરાકરણ શોધવા માટે એક લાંબાગાળાની યોજના અને બંને પક્ષે ધીરજ રાખવાની દરકાર છે.'
 
બીજી રીતે જોઈએ તો ભારતને આ અસમતુલાને કારણે ફાયદો થાય છે. 'અન્ય દેશોની સરખામણી ચીનની સસ્તી પેદાશોની ખરીદી કરીને ભારત વિદેશી ચલણની બચત કરવામાં સફળ રહ્યું છે.'
 
પરંતુ ઘણા નિષ્ણાતોના મતે અસંતુલન છતાં ચીનને પણ ભારતની જરૂર છે.
 
દિલ્હીસ્થિત થિંકટૅન્ક 'પૉલિસી રિસર્ચ ઍન્ડ ઍમ્પાવરમૅન્ટ'નાં ડૉ. મહેઝબીન બાનુ જણાવે છે, "ચીન કોઈ પણ સંજોગોમાં ભારત જેવા મોટા બજારની અવગણના ન કરી શકે." "આપણે ચીન પાસેથી થતી માલની આયાત પર નિર્ભર છીએ, તેમાં કોઈ બેમત નથી. પરંતુ ચીનને પણ ભારત જેવા મોટા બજારની ક્ષમતાને જોતાં તેનાથી અંતર જાળવવાનું પરવડી ન શકે."
 
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર સ્વરન સિંઘ જણાવે છે કે ભારતની જેમ ઘણા દેશો ચીન સાથે વેપારી ક્ષેત્રે અસમતુલા ધરાવે છે.
 
'પાછલાં 15 વર્ષોથી ભારત સાથેનો ચીનનો વેપાર એકતરફી બની ગયો છે, આવું જ કંઈક અન્ય દેશો સાથે પણ થયું છે.'
 
તેઓ ઉમેરે છે કે, "દરેક જાતનો દ્વિપક્ષીય વેપાર, ભલે તે અસંતુલિત કેમ ન હોય પણ એકમેક પર અવલંબન સર્જે છે. તે ઘણાં તત્ત્વો પર આધારિત છે - જેમ કે, રાજ્યતંત્રની પ્રકૃતિ, રાજકીય નેતાગીરી અને આર્થિંક સબળતા."
 
"આ તમામ તત્ત્વો જે તે દેશને વેપારસંબંધી મુદ્દાઓના નિરાકરણ માટે ઉપયોગી બને છે."
 
પ્રોફેસર હુઆંગ યુનસોંગ માને છે કે બંને દેશોને એકમેકની દરકાર છે. "ચીનને પણ ભારતની અવગણના કરવી ન પરવડે. એક વૈશ્વિક અર્થતંત્રમાં, તમામ દેશો એકબીજા પર આધાર રાખતા હોય છે."
 
"કોરોના વાઇરસના કારણે અત્યારે જ્યારે વિશ્વ આટલી મુસીબતની ઘડીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે હું ઇચ્છીશ કે ભારત અને ચીનના સંબંધોને હકારાત્મક દૃષ્ટિકોણથી જોવામાં આવે."
 
"જો નીતિ ઘડનારાઓ આર્થિકહિતોને સ્થાને ભૌગોલિક રાજકારણને ધ્યાને લઈને નિર્ણયો લેશે, તો સમગ્ર વિશ્વની સપ્લાય ચેઇન અવરોધાઈ શકે છે."
 
પ્રતિબંધ માટેના અભિયાનની કોઈ કાયમી અસર થશે ખરી?
 
શું ભારતમાં ચીનની પેદાશો પર પ્રતિબંધ મૂકવા માટે ચલાવાયેલ આ અભિયાનની ભારત અને ચીનના સંબંધો પર કંઈ અસર થશે ખરી?
 
પ્રોફેસર સ્વરન સિંઘ જણાવે છે કે, "આના કારણે રાજકીય ઘર્ષણ સર્જાઈ શકે છે. ભારતના આ અભિયાનની ચીન પર આર્થિક કરતાં રાજકીય અસર વધુ રહેશે, કારણ કે હાલ ચીન પર કોરોના મુદ્દે સમગ્ર વિશ્વનું દબાણ છે."
 
ડૉ. મહેઝબીન બાનુ જણાવે છે કે, "સોશિયલ મીડિયા પર ચલાવાયેલ આ અભિયાન એક ભાવનાત્મક પ્રતિક્રિયા હતી. 'સોશિયલ મીડિયા દ્વારા ઊભા કરાયેલ આવા મુદ્દાઓ હંમેશાં અલ્પજીવી જ સાબિત થાય છે, તેથી મને નથી લાગતું કે આનાથી બંને દેશો વચ્ચેના સંબંધો પર કોઈ પણ જાતનો ફેર પડશે."
 
પરંતુ ચીન આ અભિયાન અંગે શી પ્રતિક્રિયા આપી રહ્યું છે?
 
પ્રોફેસર હુઆંગ યુનસોંગના મતે આ અભિયાનની ચીન પર કોઈ અસર નથી પડી.
 
"ભારતમાં ચાલી રહેલા ચીનની પેદાશો અને સોફ્ટવૅરવિરોધી અભિયાન પર ચીનમાં કોઈ ધ્યાન નથી આપી રહ્યું."
 
"અમને ખબર છે કે ત્યાં શું થઈ રહ્યું, બસ એટલું જ. આ બાબતે ચીન કોઈ વળતી પ્રતિક્રિયા કરશે તેની સંભાવના બિલકુલ શૂન્ય છે."
 
જો ભારતના અર્થતંત્ર પર ચીનની પકડ છે તો ચાઇનીઝ સોસાયટી પર પણ ભારતની અસર છે અને તે છે એના સોફ્ટપાવરને કારણે.
 
"અમે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમાવિવાદને કારણે ક્યારેય બોલીવૂડ ફિલ્મો, દાર્જીલિંગ ચા, યોગા અને ભારતીય રેસ્ટોરાંથી દૂર નહીં રહી શકીએ."