G-7 શિખર મંત્રણા દરમિયાન ભારતીય સમય પ્રમાણે સોમવારે બપોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મુલાકાત કરી હતી.
સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ ફરી એક વખત કહ્યું હતું કે કાશ્મીરનો મુદ્દો દ્વિ-પક્ષીય છે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની દરમિયાનગીરીને કોઈ અવકાશ નથી.
ટ્રમ્પે પણ કહ્યું કે 'ભારત અને પાકિસ્તાન આપમેળે કાશ્મીર સહિતના મુદ્દા ઉકેલી શકે તેમ છે.'
એક પત્રકારે વડા પ્રધાન મોદીને પૂછ્યું કે 'ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની તૈયારી દાખવી છે, તેને આપ કઈ રીતે જુઓ છો?'
તેના જવાબમાં મોદીએ કહ્યું, "ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દા દ્વિ-પક્ષીય છે. આ માટે અમે દુનિયાના કોઈ દેશને કષ્ટ આપતા નથી."
"મને વિશ્વાસ છે કે 1947 પહેલાં પણ ભારત અને પાકિસ્તાન એક હતાં. અમે હળીમળીને તમામ સમસ્યાઓને ઉકેલી શકીએ તેમ છીએ."
દરમિયાન ટ્રમ્પે ઉમેર્યું હતું કે 'મને મોદીએ જણાવ્યું છે કે કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણમાં છે.'
કદાચ એવું પ્રથમ વખત બન્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની હાજરીમાં કોઈ ભારતીય વડા પ્રધાને કહ્યું હોય કે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાતચીતમાં અમેરિકા સહિત અન્ય કોઈ દેશની મધ્યસ્થી માટે કોઈ અવકાશ નથી.