INX મીડિયા કેસ: સુપ્રીમે કોર્ટે ચિદમ્બરમની અપીલ ફગાવી  
                                       
                  
				  				  
				   
                  				  પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો લાગ્યો છે, સર્વોચ્ચ અદાલતે તેમની અપીલ ફગાવી દીધી છે.
				  										
							
																							
									  
	સુપ્રીમ કોર્ટમાંથી બીબીસી ગુજરાતીના સુચિત્રા મોહંતી જણાવે છે :
	"INX મીડિયા કેસમાં દિલ્હી હાઈકોર્ટે પી. ચિદમ્બરમની જામીન અરજી ફગાવી દીધી હતી, જેની સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરી હતી."
				  
	"સોમવારે સર્વોચ્ચ અદાલતે તેમની આ અરજી ફગાવી દીધી હતી અને નિયમિત જામીન માટે સંબંધિત કોર્ટ પાસે દાદ માગવા કહ્યું છે."
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	"કોર્ટે અવલોકન કર્યું હતું કે સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ તા. 21મી ઑગસ્ટે તેમની ધરપકડ કરી હતી, એટલે તેમની અરજી બિનઅસરકારક થઈ જાય છે."
				  																		
											
									  
	જોકે, ઈડી (ઍન્ફૉર્સમૅન્ટ ડાયરેક્ટ્રેટ) દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ અંગે સર્વોચ્ચ અદાલતે સુનાવણી કરવાની બાકી છે.
				  																	
									  
	 
	શું છે આઈએનએક્સ કેસ?
	સીબીઆઈએ તારીખ 15મી મે, 2017ના દિવસે આઈએનએક્સ મીડિયા સામે કેસ દાખલ કર્યો હતો.
				  																	
									  
	કંપનીને વિદેશી રોકાણની મંજૂરી આપવામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ છે.
	આઈએનએક્સ મીડિયામાં 305 કરોડ વિદેશી રોકાણની મંજૂરી આપવામાં આવી હતી અને તે સમયે ચિદમ્બરમ નાણામંત્રી હતા.
				  																	
									  
	કાર્તી ચિદમ્બરમ ઉપર આરોપ છે કે આઈએનએક્સ મીડિયા સામેની સંભવિત તપાસને અટકાવવા માટે તેમણે દસ લાખ ડૉલરની માગણી કરી હતી.
				  																	
									  
	સીબીઆઈનો દાવો છે કે આઈએનએક્સ મીડિયાના પૂર્વ ડાયરેક્ટર ઇંદ્રાણી મુખરજીએ સીબીઆઈની પૂછપરછ દરમિયાન આ વાતની કબૂલાત કરી હતી.
				  																	
									  
	સીબીઆઈનો દાવો છે કે દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટલમાં આ સોદો નક્કી થયો હતો.
	ઉલ્લેખનીય છે કે ઇંદ્રાણી ઉપર તેમનાં પુત્રી શીના બોરાની હત્યા કરવાનો આરોપ છે અને હાલમાં તેઓ જેલમાં છે.