રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By તેજસ વૈદ્ય|
Last Modified: મંગળવાર, 12 મે 2020 (16:18 IST)

International Nurses Day : કોરોના મહામારી વચ્ચે અમદાવાદ સિવિલ કૅમ્પસની કૅન્સર હૉસ્પિટલનાં નર્સ નારાજ કેમ?

ગુજરાતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓના સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે દરદીઓની સારવાર કરી રહેલાં નર્સનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ કોરોના વાઇરસનું તેમનું પરીક્ષણ કરાવવાની માગ કરી રહ્યાં છે.
 
તેઓ પ્રશ્ન પૂછે છે કે સ્ટાફમાં કેટલાંક નર્સ તેમજ અન્ય કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવા છતાં શા માટે અન્ય કર્મચારીઓનાં પરીક્ષણ નથી કરાઈ રહ્યાં?
 
આ વીડિયો અમદાવાદની સિવિલ હૉસ્પિટલના કૅમ્પસમાં આવેલા 'ધ ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (જીસીઆરઆઈ)માં કામ કરતાં મહિલા નર્સનો હતો.
 
નર્સનું કહેવું છે કે તેમને કોરોના વાઇરસનું પરીક્ષણ કરવાની ના પાડવામાં આવી હતી અને તેમજ તેમને યોગ્ય સુવિધા પણ મળતી નથી.
 
ટેસ્ટ કરવાની ના પાડી એટલે વીડિયો બનાવ્યો'
 
સંબંધિત વિભાગના એક સિનિયર નર્સ સાથે બીબીસીએ વાત કરી તો તેમણે નામ ખાનગી રાખવાની શરતે જણાવ્યું હતું, "જીસીઆરઆઈમાં 400 નર્સ છે. જેમાંથી 27 નર્સ તેમજ 7 કર્મચારી કોરોના પૉઝિટિવ છે. સિવિલ હૉસ્પિટલમાં 1200 ખાટલાનો જે કોવિડ દર્દીઓ માટેનો આઇસોલેશન વૉર્ડ છે ત્યાં જીસીઆરઆઈની કેટલાક નર્સ ફરજ બજાવે છે."
 
"અત્યાર સુધી જીસીઆરઆઈમાં કામ કરતી 52 નર્સ કોવિડ હૉસ્પિટલમાં ફરજ બજાવી ચૂકી છે. જે વીડિયો છે તે બહેન પણ કોવિડ દર્દીઓની સેવામાં જઈ આવ્યાં હતાં. તેમને કોરોનાનો ટેસ્ટ કરાવવો હતો એટલે તેઓ ત્યાં ગયાં હતાં. ટેસ્ટ માટે ના પાડવામાં આવી ત્યારે તેમણે વીડિયો બનાવ્યો હતો."
 
તેમણે વધુમાં કહ્યું, "ડિરેક્ટરે એવું કહ્યું હતું કે જીસીઆરઆઈનો કોઈ સ્ટાફ આવે તો તેમનો રિપોર્ટ ન કાઢવો. તેથી એ બહેનનું કહેવું હતું કે મેં અહીં ફરજ બજાવી છે. હું પણ કોરોના પૉઝિટિવ હોઈ શકું છું. તેમનો ટેસ્ટ ન થતાં તેમણે વીડિયો તૈયાર કર્યો હતો."
 
જીસીઆરઆઈમાં કામ કરતાં આ નર્સ વધુ વિગત જણાવતાં કહે છે કે"અમારી કેટલીક માગ છે. અમારું કહેવું છે કે જો હાલમાં કૅન્સર હૉસ્પિટલના સ્ટાફનું પરીક્ષણ કરાવવામાં આવે તો ઘણા પૉઝિટિવ આવી શકે છે એમ છે. ડિરેક્ટરને અમે આ વાત જણાવી તો તેમણે કહ્યું કે આઈસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)ની માર્ગદર્શિકા મુજબ લક્ષણ ન જણાય ત્યાં સુધી સ્ટાફનું મેડિકલ પરીક્ષણ ન કરાવવું."
 
"અમારું કહેવું છે કે જો કોઈ સ્ટાફ અસિમ્પ્ટોમેટિક એટલે કે તાવ, ઉધરસ કે શરદી વગરનાં પૉઝિટિવ લક્ષણ ધરાવતો હોય તો તેમનામાં એ લક્ષણ દેખાવાનાં જ નથી અને એ ચેપ તો લગાડશે જ ને?"
 
આ વિશે જીસીઆરઆઈના ડિરેક્ટર શશાંક ત્રિવેદીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બીબીસીને જણાવ્યું, "જે કોઈ નર્સબહેનો છે એ અમારો પરિવાર જ છે. અત્યારે સમય એવો છે કે કોરોનાના નામથી જ લોકોમાં એક ભય વ્યાપી ગયો છે."
 
તેઓ કહે છે, "આઈસીએમઆરની જે માર્ગદર્શિકા 9 એપ્રિલે આવી છે, એમાં જણાવાયું છે કે અસિમ્પ્ટોમેટિક હેલ્થકૅર વર્કરનાં પરીક્ષણો ન થાય. સિમ્પ્ટોમેટિક એટલે કે કોરોનાનાં લક્ષણ ધરાવતાં હેલ્થવર્કર હોય તો તેમનાં પરીક્ષણ કરવાં તેથી અમે પરીક્ષણ નથી કરતાં એવું નથી, પણ ગાઇડલાઇનમાં જે હોય તેને અમે અનુસરીએ છીએ. દરેકે એ ગાઇડલાઇનને અનુસરવાની હોય છે."
 
કોઈ પણ એ ગાઇડલાઇનથી ઉપરવટ ન જઈ શકે એવું ઉમેરતાં તેમણે જણાવ્યું, "એ બહેનો થોડા ચિંતાતુર હતાં કે તેઓ કોવિડ-કૅરમાં કામ કરીને આવ્યાં છે. અમે તેમને સમજાવ્યાં પછી તેઓ સમજી પણ ગયાં છે."
 
નર્સે બીબીસીને કહ્યું હતું કે જો અમે એસિમ્પ્ટોમેટિક હોઈએ તો દર્દીને પણ ચેપ લાગી શકે અને કોઈ કૅન્સરના દર્દીને ચેપ હોય તો એ પણ અમને લાગી શકે?
 
આ સવાલના જવાબમાં શશાંક ત્રિવેદીએ જણાવ્યું હતું કે"અસિમ્પ્ટોમેટિક હોય તો વાઇરલ લૉડ ઓછો હોય છે. ડૉક્ટરથી લઈને સ્ટાફના માણસો પૂરતી તકેદારી રાખે છે,એન-95 માસ્ક પહેરે છે. તેથી દર્દીથી મેડિકલ સ્ટાફ કે મેડિકલ સ્ટાફના માણસથી દર્દી સુધી જે વાઇરલ ટ્રાન્સમિશન છે એ નગણ્ય થઈ જાય છે. તેથી જ એ ગાઇડલાઇન રાખવામાં આવી છે કે કોરોના પૉઝિટિવ લક્ષણ ધરાવતી વ્યક્તિનો જ ટેસ્ટ-રિપોર્ટ કરવાનો."
 
'અમને અપૂરતા માસ્ક મળે છે'
 
નર્સે બીબીસીને વધુમાં એમ પણ જણાવ્યું હતું કે"કૅન્સર હૉસ્પિટલમાં અમે લોકો ડિસ્પૉઝેબલ માસ્ક પહેરીને કામ કરતાં હતાં. 18 તારીખે અમે માગ કરી કે અમને એન-95 માસ્ક આપો અથવા તો થ્રી-લૅયર માસ્ક આપો. પણ અમને તો કપડાંનાં જ માસ્ક મળ્યા હતા. એ પછી થોડી માથાકૂટ બાદ 27 એપ્રિલે થ્રી-લેયર માસ્ક મળ્યા હતા."
 
"કોવિડ હૉસ્પિટલમાં તો બધી જ ફૅસિલિટી મળે છે. મુદ્દો એ છે કે કૅન્સર વૉર્ડમાં પણ કોવિડનાં દર્દી તો હોઈ જ શકે ને. તેથી અમે ભલે કૅન્સર વૉર્ડમાં કામ કરીએ, પણ અમને નિયમિત એન-95 માસ્ક મળવા જોઈએ. અમને 30 એપ્રિલે એન-95 માસ્ક મળ્યા છે, પણ માત્ર બે જ માસ્ક મળ્યા છે. શું આટલા પૂરતા છે?"
 
"અમારું કહેવાનું એટલું જ છે કે સિવિલમાં ઓપીડી (આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ) ચાલે છે. કૅન્સરનો દર્દી પણ જો આવે તો શક્ય છે કે એ કોરોના પૉઝિટિવ હોઈ શકે. તેથી કોવિડની ટ્રીટમેન્ટ માટે જે કીટ, માસ્ક અને મોજાં પહેરવાં પડે એ આપો."
 
કૅન્સરના દર્દીને કોરોનો હોય તો?
 
નર્સની માગણી અંગે વાત કરતાં શશાંક ત્રિવેદીએ બીબીસીને જણાવ્યું હતું કે"નર્સ જ્યારે કોવિડ વિભાગમાં દર્દીઓ માટે ફરજ બજાવવા જાય છે ત્યારે તો તેમને દરરોજ એન-95 માસ્ક મળે જ છે."
 
તેઓ કહે છે કે કૅન્સર હૉસ્પિટલમાં નૉન-કૉવિડ દર્દીઓ છે અને એના માટે થ્રી-લૅયર માસ્કની ગાઇડલાઇન છે. તેથી નર્સ જ્યારે ત્યાં ફરજ પર હોય છે ત્યારે એ મુજબ તેમને થ્રી-લૅયર માસ્ક આપવામાં આવ્યા છે.
 
જો કૅન્સરના દર્દી આવે તો એ કોરોના પૉઝિટિવ હોઈ શકે છે એના દ્વારા પણ ચેપ ફેલાઈ શકે છે.
 
આ સવાલના જવાબમાં શશાંક ત્રિવેદીએ કહ્યું હતું, "જે કોઈ શંકાસ્પદ કોરોના પૉઝિટિવ લક્ષણ ધરાવતાં કૅન્સરના દર્દી હોય તો તેમના માટે અલગ વૉર્ડ રાખ્યો છે. એવા કૅન્સરના દર્દીને અમે ત્યાં લઈ જઈએ છીએ. ત્યાં કોવિડનો ટેસ્ટ થાય અને નૅગેટિવ આવે તો કૅન્સરના મુખ્ય વૉર્ડમાં તેમને લઈ આવવામાં આવે છે. જો પૉઝિટિવ હોય તો ત્યાં જ રાખીએ છીએ અને ત્યાં સારવાર કરવામાં આવે છે."
 
પરંતુ અસિમ્પ્ટોમેટિક હોય તો ચેપની શક્યતા રહે છે ને?
 
શશાંક ત્રિવેદી કહે છે કે"અમારા દરેક હેલ્થકૅરકર્મી પૂરતી તકેદારી અને સુરક્ષા જાળવતા હોય છે. તેથી એની શક્યતા નથી રહેતી. ચોક્કસ ગાઇડલાઇન્સ બનેલી છે અને એ અનુસાર જ બધું કામ થાય છે."