ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2019 (14:17 IST)

અજિત પવાર, 'NCPમાં જ હતો અને છું, શું તેમણે મને કાઢી મૂક્યો હતો?'

મહારાષ્ટ્રમાં નવી ચૂંટાયેલા ધારાસભ્યો વિધાનગૃહમાં શપથ લેવા માટે પહોંચ્યા છે. એનસીપીના નેતા સુપ્રિયા સૂલેએ પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા અન્ય ધારાસભ્યોને આવકાર્યા હતા.
 
આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ તેમનાં પત્ની રશ્મિ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત કરી હતી.
 
તેમનાં પુત્ર આદિત્ય મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા અને પૂજા-અર્ચના કર્યાં હતાં.
 
મંગળવારે સાંજે શિવસેના, એનસીપી તથા કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી અને ઉદ્ધવ ઠાકરેની મુખ્ય મંત્રી તરીકે પસંદગી કરી છે.
 
શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક મંગળવારે સાંજે મળી હતી, જેમાં આ ગઠબંધનને 'મહા વિકાસ અઘાડી' નામ આપવામાં આવ્યું છે.
 
આ બેઠક બાદ ત્રણેય પક્ષના નેતા રાજભવન ખાતે સરકાર રચવાનો દાવો કરવા માટે પહોંચ્યા હતા. નેતાઓએ રાજ્યપાલ સાથે બેઠક યોજી હતી.
 
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ગુરુવારે સાંજે 6.40 કલાકે મુંબઈના શિવાજી પાર્ક ખાતે શપથવિધિનું આમંત્રણ આપ્યું.
 
આ પહેલાં મહારાષ્ટ્રના રાજકારણમાં મંગળવારે બપોરે વધુ એક વળાંક આવ્યો. મુખ્ય મંત્રીપદ પરથી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્ય મત્રીપદ પરથી અજિત પવારે રાજીનામાં આપી દીધાં.
 
બુધવારે શપથ લેવા પહોંચેલા અજિત પવાર ઉષ્માભેર તેમનાં બહેન સુપ્રિયા સૂલેને મળ્યાં હતાં અને ભેટી પડ્યા હતા.
 
અજિત પવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું:
 
"હું એનસીપીમાં જ હતો અને છું, શું તેમણે મને પક્ષમાંથી કાઢી મૂક્યો હતો? શું તમે એવું ક્યાંય વાંચ્યું હતું?"
 
અજિતના પિત્રાઈ ભત્રીજા રોહિત પવારે કહ્યું હતું કે 'અજિતના પુનરાગમનથી અમે ખુશ છીએ અને તેમના માર્ગદર્શન હેઠળ કામ કરીશું.'
 
આ બેઠક પહેલાં જયંત પાટિલે સમાચાર એજન્સી એએનાઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું:
 
'અજિત પવાર આ બેઠકમાં હાજર નહીં રહે પણ અમારી મુલાકાત બે દિવસથી થઈ રહી છે અને આજે પણ હું તેમને મળવા માટે જઈશ.'
 
શિવસેનાના નેતા સંજય રાઉતે પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અજિત પવારે રાજીનામું આપી દીધું છે અને તેઓ હવે અમારી સાથે છે.
 
દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે અજિત પવારે મને કહ્યું કે હું યુતિમાં રહી નહીં શકું અને હું રાજીનામું આપું છું. દેવેન્દ્ર ફડણવીસે પણ પત્રકારપરિષદ બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
 
આ પહેલાં સુપ્રીમ કોર્ટે બુધવારે ફ્લોર-ટેસ્ટ યોજવાના આદેશ અને કઈ રીતે યોજવો, તે સંદર્ભના નિર્દેશ આપ્યા હતા.
 
હવે શું થશે?
 
 
દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા પર બીબીસી મરાઠીના સંપાદક આશિષ દીક્ષિતે ફેસબુક લાઇવમાં કહ્યું કે ભાજપે જેવું ધાર્યું હતું એવું મહારાષ્ટ્રમાં થયું નથી.
 
"ભાજપે ધારાસભ્યોના સમર્થન માટે તમામ પ્રયાસો કર્યા હતા પણ જ્યારે અજિત પવારે રાજીનામું આપ્યું ત્યારે દેવેન્દ્ર ફડણવીસે પણ રાજીનામું આપ્યું અને પત્રકારપરિષદમાં કહ્યું કે હવે અમારી તાકાત સીમિત થઈ ગઈ છે."
 
"ભાજપને લાગતું હતું કે અજિત પવારના સમર્થનથી ઘણા ધારાસભ્યો સમર્થન આપશે, પરંતુ ધીમેધીમે ધારાસભ્યો અજિત પવારને છોડીને ચાલ્યા ગયા અને ભાજપને લાગ્યું કે હવે સરકાર બનાવી શકાય તેમ નથી."
 
મહારાષ્ટ્રની આગામી સરકાર વિશે તેમણે કહ્યું કે આ ત્રણેય પક્ષમાં વૈચારિક મતભેદ છે. ખાસ કરીને શિવસેના અને કૉંગ્રેસ વચ્ચે. આથી સરકારને ઘણી મુશ્કેલી આવશે એવું લાગી રહ્યું છે.
 
અજિત પવાર : એ નેતા જેમણે મહારાષ્ટ્રની રાજનીતિને પલટી નાખી
ગુજરાત સાથેના પ્રોજેક્ટોને શું અસર થશે?
દીક્ષિતે કહ્યું કે હવે ભાજપના ઘણા બધા પ્રોજેક્ટ પર અડચણો આવી શકે છે. ખાસ કરીને ગુજરાત સાથે જોડાયેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર, કેમ કે શિવસેનાએ અગાઉ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો.
 
શિવસેનાની મહારાષ્ટ્રમાં સરકાર બનતાં મુંબઈમાં રહેતા ગુજરાતીઓને શું અસર થશે એ અંગે તેઓએ કહ્યું કે મને લાગતું નથી કે કોઈ મોટો ફેરફાર આવી શકે, કેમ કે શિવસેના ગુજરાતીઓ વિરુદ્ધ નથી. તેણે ક્યારેય ખુલ્લીને ગુજરાતીઓનો વિરોધ નથી કર્યો.
 
તેઓએ કહ્યું, "એક સમયે જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર હતી ત્યારે ઠાકરે પરિવાર માતોશ્રી (બાલ ઠાકરેનું ઘર)થી રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવતા હતા અને મુખ્ય મંત્રી તેમના ઇશારે કામ કરતા હતા. પણ હવે એવું નહીં થાય."
 
"હવે એનસીપીના હાથમાં રિમોટ કંટ્રોલ છે. એનસીપી સિલ્વર ઑક (શરદ પવારનું ઘર)થી સરકાર ચલાવશે."
 
મહારાષ્ટ્ર : ભાજપનો સમય આવ્યો કે NCPનો સમય આવવાનો હજી બાકી
 
પત્રકારપરિષદમાં ફડણવીસે શું કહ્યું?
 
પત્રકારપરિષદમાં મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "હું રાજ્યપાલને રાજીનામું આપવા જઈ રહ્યો છું. અજિત પવારે રાજીનામું આપ્યું ત્યારે અમે નક્કી કર્યું કે અમે પણ રાજીનામું આપીશું."
 
"અમે ક્યારેય કોઈ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ નથી કર્યો."
 
તેમણે પત્રકારપરિષદમાં એવું પણ કહ્યું કે "અમે વિપક્ષમાં બેસીશું અને આ ત્રણ પૈડાંવાળી સરકાર વધારે લાંબી ચલાશે નહીં. અમે સંઘર્ષ કરતા રહીશું."
 
"શિવસેનાનો વિજય અમારી સાથેના ગઠબંધન થકી હતો. શિવસેના કરતાં ભાજપનો સ્ટ્રાઇક રેટ સારો હતો, વિજય ગઠબંધનને મળ્યો પરંતુ જનાદેશ ભાજપ માટે હતો."